હિંમતનગર શહેરના પ્રમુખ સ્વામી માર્ગ પર જાહેરમાં પશુઓની કતલ કરી ચાર થી પાંચ દુકાનો દ્વારા ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાથી તા.10-08-21 ના રોજ વીએચપી દ્વારા પાલિકા પ્રમુખ અને કલેક્ટરને આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી સાથે 48 કલાકમાં કતલખાના બંધ કરાવવા માંગ કરી છે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મંગળવારે કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રની વિગત એવી છે કે હિંમતનગર શહેરના હડિયોલ પુલ છાપરીયા વિસ્તારમાં પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ પર જાહેર રસ્તા પર કેટલાક અસામાજીક તત્વો સમાજમાં અરાજકતા ફેલાય અને હિન્દુઓની લાગણી દુભાય તેવા આશયથી જાહેર માર્ગ ઉપર પશુઓની કતલ કરીને તેના માંસનું વેચાણ કરવા ચારથી પાંચ દુકાનો ઊભી કરી છે અને તે દુકાનોમાં ખુલ્લેઆમ મટન વેચાય છે. કૃત્યથી હિન્દુઓની લાગણી દુભાઈ રહી છે.
હિંમતનગર પાલિકા દ્વારા વર્ષ 2018 માં ઠરાવ પસાર કરી જાહેર રસ્તા પર ચાલતી મટનશોપો બંધ કરવા નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં કાયદાનું ઉલ્લંઘન કરીને મટનશોપો ચલાવાઈ રહી છે. આગામી 48 કલાકમાં આ દુકાનો બંધ કરાવવામાં નહીં આવે તો હિન્દુ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ આંદોલનાત્મક કાર્યક્રમ આપવામાં આવશે અને વિહીપ તથા બજરંગદળના કાર્યકરોને હડીયોલ પુલ છાપરીયા પ્રમુખ સ્વામી માર્ગ પર બેસીને જ્યાં સુધી હિન્દુઓની લાગણી નહીં સંતોષાય ત્યાં સુધી હનુમાન ચાલીસા અને રામધૂન કરવાની ફરજ પડશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.