હિંમતનગર શહેરમાં પાલિકા દ્વારા રોડ લેવલને મામલે નવી પહેલ કરાઈ છે ચાર દાયકાથી હયાત માર્ગ ઉપર જ ડામરના પડ ચઢતા જતા મકાનના પ્લીન્થ લેવલ સુધી રોડનું લેવલ આવી ગયું છે જેને પગલે રહીશો અને સ્થાનિક કાઉન્સિલરોની રજૂઆતના કિસ્સામાં જૂનું લેયર ખોદીને નવા રોડ બનાવવા ટેન્ડરીંગ કરી રોડ બનાવવા નિર્ણય લેવાયો છે જેથી રોડ નવો થવા છતાં તેનું લેવલ યથાવત જળવાઈ રહે.
હિંમતનગર પાલિકા વિસ્તારમાં આવતી સોસાયટીઓ અને પ્લોટમાં બનાવેલ મકાનોના આંતરિક રસ્તાઓ પર ચાર દાયકાથી રોડના નવીનીકરણ સમયે ડામર પાથરાઈ રહ્યો હોવાથી રોડનું લેવલ સતત ઉપર આવી રહ્યું છે અને હવે સ્થિતિ એવી સર્જાઇ છે કે રોડ લેવલ અને મકાનના મુખ્ય પ્રવેશદ્વારનું લેવલ લગભગ એકસરખું થયું છે અને જો રોડની ઉપર જ રિસર્ફેસીંગ ચાલુ રાખવામાં આવે તો ચોમાસાની સિઝનમાં રોડનું લેવલ મકાનના ભોંય તળિયાના લેવલ કરતાં ઊંચુ થઈ જવાને કારણે ઘરમાં પાણી ઘુસી જાય તેવું પણ બનવાની સંભાવનાને લઇ પાલિકા દ્વારા રોડના રીસરફેસિંગ બાદ પણ રોડ લેવલ યથાસ્થિતિમાં જળવાઇ રહે તે માટે નિર્ણય લેવાયો છે.
બાંધકામ સમિતિના ચેરમેન કિરીટભાઈ મુન્દડાએ જણાવ્યું કે શહેરમાં રોડ રસ્તાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી શહેરીજનો અને સ્થાનિક કાઉન્સીલરની રજૂઆતનું મૂલ્યાંકન કરી રોડ માટે નું ટેન્ડરીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.