કાર્યવાહી:હિંમતનગરના ઉદ્યોગપતિના સ્યૂસાઇડ કરવાના પ્રયાસમાં વ્યાજખોર પિતા,પુત્ર સહિત 3 સામે ગુનો

હિંમતનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરના ધાણધાના ઉદ્યોગપતિએ વ્યાજખોરોના ત્રાસે ઝેર પી લીધું હતું

એક સપ્તાહ અગાઉ વ્યાજખોરોના ત્રાસથી ઉદ્યોગપતિએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરવાના ચકચારી પ્રકરણમાં બી ડિવિઝન પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ગત તા.27-12-21 સોમવારે સવારે હિંમતનગરના મહાવીરનગરમાં રહેતા અતુલભાઇ હીરાભાઈ પટેલે ધાણધા સ્થિત તેમની પાઇપો બનાવવાની ફેક્ટરીમાં જઇ પુત્રને સ્યૂસાઇડ નોટ વોટ્સએપ કરી ઝેરી દવા પી લીધી હતી. પતિએ ઝેરી દવા પી જવાની જાણ થતા પત્નીએ પણ દવા પી લીધી હતી.

દરમિયાનમાં અતુલભાઇ પટેલ સારવારને અંતે સ્વસ્થ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અશોકસિંહ રણજીતસિંહ ઝાલા, પ્રદ્યુમનસિંહ અશોકસિંહ ઝાલા (બંનેરહે. સંભવનાથ સોસાયટી મહાવીરનગર હિંમતનગર) અને ઇન્દ્રજીતસિંહ ઉર્ફે જગાબાપુ ચાવડા (રહે. રંગમહોલ સોસા.મહાવીરનગર હિંમતનગર) સામે નોંધાવેલ ફરિયાદની વિગત એવી છે કે અશોકસિંહ રણજીતસિંહ ઝાલા પાસેથી રૂ.61 લાખ ત્રુટક ત્રુટક લીધા હતા અને તેમની ધમકીઓ અને ઉઘરાણી બાદ અન્ય મિત્રો પરીચિતો પાસેથી ઉછીના પૈસા લઇ અત્યાર સુધીમાં કુલ રૂ.61,75,400 રોકડા અને રૂ.6.50 લાખ આરટીજીએસ થી ચૂકવી આપ્યા હતા છતાં હજુ મુડીના પૈસા બાકી છે કહી અશોકસિંહ અને તેમનો દીકરો પ્રદ્યુમનસિંહ સતત ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા.

તા.24-12-21 ના રોજ અશોકસિંહ ઝાલાએ ફેક્ટરીએ જઇ ફેક્ટરીનું શટર બંધ કરી ઓપરેટરને કહ્યું કે તારા માલિકને કહી દે જે જ્યાં સુધી પૈસા આપે નહી ત્યાં સુધી શટર ખોલે નહીં અન્યથા જાનથી મારી નાખીશ તદ્દપરાંત ઇન્જીતસિંહ ઉર્ફે જગાબાપુ પાસેથી રૂ.5 લાખ લીધા હતા તેની સામે કુલ રૂ.10.60 લાખ ચૂકવી દીધા હોવા છતાં હજુ મુડી બાકી છે કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સતત ઉઘરાણી કરતા હતા. બંને જણાની ધમકીઓ અને સતત ત્રાસથી કંટાળી તા.27-12-21 ના રોજ અતુલભાઇએ ફેક્ટરીમાં જઇ જીવન ટૂંકાવવા ઝેરી દવા પી લીધી હતી.

આમની સામે ફરિયાદ
અશોકસિંહ રણજીતસિંહ ઝાલા, પ્રદ્યુમનસિંહ અશોકસિંહ ઝાલા (બંને રહે. સંભવનાથ સોસાયટી મહાવીરનગર હિંમતનગર) અને ઇન્દ્રજીતસિંહ ઉર્ફે જગાબાપુ ચાવડા (રહે. રંગમહોલ સોસા.મહાવીરનગર હિંમતનગર)

અન્ય સમાચારો પણ છે...