વિરોધ પ્રદર્શન:મોંઘવારી મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી, આજે મોડાસામાં સીએમના આગમન પૂર્વે કોંગ્રેસે રેલી કાઢી જનજાગરણ અભિયાન દરમિયાન વિરોધ પ્રદર્શન કર્યું

મોડાસા/હિંમતનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોડાસા તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા ગુરુવારે વિવિધ બેનરો સાથે કાર્યકરોએ જનજાગરણ અભિયાનના ભાગરૂપે શહેરમાં મોંઘવારીના મુદ્દે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે કોંગી કાર્યકરોએ કોવિડના કારણે મૃત્યુ પામેલા મૃતકોના સાચા આંકડા અને કોરોનાથી મૃત્યુ પામેલા પરિવારોને રૂ. 4લાખના વળતરની માગણી કરી વિરોધ પ્રદર્શન કરતાં પોલીસ દોડી આવી હતી. ગેસ સિલીન્ડર અને તેલ તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગે સૂત્રોચ્ચાર કર્યો હતો.

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ અને મોડાસાના પીઢ અગ્રણી હુસેનભાઇ ખાલક કે જણાવ્યું કે કારમી મોંઘવારીથી પ્રજા પીસાઈ રહી છે અને ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે. આવશ્યક વસ્તુઓ મોંઘી થવાની સાથે બેરોજગારીએ પણ માઝા મૂકી છે. પ્રજાની લાગણી અને માગણી સરકાર સમક્ષ પહોંચે તે માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને જિલ્લા, તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ હતી. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર મોડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડાહ્યાભાઇ પટેલ જોડાયા હતા.

હિંમતનગરમાં પણ કોંગ્રેસે રેલી કાઢી, મોંઘુ તેલ, મોંઘો ગેસ, મોંઘુ શિક્ષણ, પ્લે કાર્ડ લઇ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત હિંમતનગર શહેરમાં રેલીનું આયોજન કરાયુ હતું. મંદી, મોંઘવારી અને ભ્રષ્ટાચારને જનજાગરણ યાત્રાના માધ્યમથી પ્રજાને માહિતગાર કરવા પદયાત્રા યોજાઇ હતી. આ પદયાત્રા સિવિલ સર્કલ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી શરૂ થઇ હતી અને પાંચબત્તી થઇ ટાવર ચોક પહોંચી હતી. પદયાત્રામાં મોંઘુ તેલ, મોંઘો ગેસ, મોંઘુ શિક્ષણ સસ્તુ કરો ના બેનરો, પ્લે કાર્ડ લઇ સૂત્રોચાર કરી પત્રિકાનું વિતરણ કરી વિરોધ પ્રદર્શન કરાયુ હતું.

ત્યારબાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પૂર્વ રાજ્યસભા સાંસદ સ્વ. એહમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિતે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઇ હતી. આ પ્રસંગે સા.કાં. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશ પટેલ, ઉપપ્રમુખ સુરેશ પટેલ, પૂર્વે ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, રામભાઇ સોલંકી, મહિલા પ્રમુખ જયોતિબેન દવે, શહેર પ્રમુખ પ્રિયવદન પટેલ, ઈમરાન અલજીવલા, મિડિયા કન્વિનર યુસુફભાઈ બચ્ચા સહિત કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...