તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:જશવંતગઢમાં ભાગે વાવનારના વારસદારોએ જમીન પચાવતા લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ફરિયાદ

હિંમતનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂળ માલિકના વારસદારે જાદર પોલીસમાં 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

ઇડરના જશવંતગઢ - દેશોતરમાં ખેતીની જમીન ભાગે વાવનારના વારસદારોએ અમારા બાપદાદા જમીન વાવતા હતા કહી પચાવી પાડવાના કિસ્સામાં મૂળ માલિકના વારસદારે જાદર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત 5 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૂળ વિજાપુરના હાથીપુરાના અને હાલ દેશોતરમાં રહેતા 58 વર્ષીય પ્રહલાદભાઈ નાથાભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે કે તેમની માતાના પિતા વરવાભાઈ ભીખાભાઈને દીકરો ન હોઇ અમથીબેનને વારસદાર તરીકે રાખ્યા હતા અને વળવાભાઈનું 50 વર્ષ અગાઉ અવસાન થતાં અન્ય બેનોના નામ પણ વારસદાર તરીકે દાખલ થયા હતા. તે વખતે સર્વે નં.1877 ની 63.55 ગૂંઠા જમીન નથ્થુભાઈ કુબેરભાઈ, ચૂનાભાઈ મોહનભાઈ અને ગણપતભાઇ કુબેરભાઈ વાવતા હતા. તા.20-08-12 ના રોજ અમથીબેનનું અવસાન થતાં એક વર્ષ સુધી જમીન કોઈએ વાવી ન હતી. ત્યારબાદ પ્રહલાદભાઈએ જમીન ચૂનાભાઈ મોહનભાઈને ભાગે વાવવા આપી હતી.

બે વર્ષ અગાઉ ચૂનાભાઈનું મોત થતાં કોઈને જમીન વાવવા આપી ન હતી. ત્યારબાદ ડાહ્યાભાઈ ચૂનાભાઈ, જગદીશભાઈ ચૂનાભાઈ, હસમુખભાઈ નથ્થુભાઈ, મહેન્દ્રભાઈ નથ્થુભાઈ અને દિપેશભાઈ ગણપતભાઇ એ આ જમીન અમારા બાપદાદા વાવતા હતા. આ જમીનમાં અમારો ભાગ છે કહી જમીનમાં વાવેતર કરી સતત હેરાન કરતા હતા. તા. 23-11-20 ના રોજ ડાહ્યાભાઈ, જગદીશભાઈ, હસમુખભાઈ અને મહેન્દ્રભાઈએ ઝઘડો કરી આ જમીનમાં તમારે આવવાનું નહીં, આવશો તો જાનથી મારી નાખીશુંની ધમકીઓ આપ્યા બાદ બીજા દિવસે સવારે દિપેશભાઈએ પણ ધમકીઓ આપતા તા.27-05-21ના રોજ આ લોકોએ જમીન પચાવી પાડી હોવા અંગે કલેક્ટરને અરજી કર્યા બાદ તપાસમાં ગેરકાયદે કબ્જો હોવાનું બહાર આવતાં પાંચ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવા કલેક્ટરે સૂચના કરતાં જાદર પોલીસે 5 સામે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...