કૌભાંડ:ધિરાણ આપનાર વાઇસ ચેરમેન પિતા અને ધિરાણ લેનાર પુત્ર બંને નજરકેદ

હિંમતનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તલોદની નમસ્કાર સહકારી શરાફી મંડળી કૌભાંડ
  • પોલીસ તપાસમાં તમામ આરોપીઓ છૂમંતર થઇ ગયા

તલોદની નમસ્કાર સહકારી શરાફી મંડળીના હજારો ખાતેદારો થાપણદારોના કરોડો ડૂબાડનાર મંડળીના સંચાલકો સહિત ધિરાણ લેનાર 34 જેટલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે વાઇસ ચેરમેન પિતા અને ધિરાણ મેળવનારના પુત્રને નજર કેદ કર્યા છે અને કોવિડ-19 ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરનાર છે.

મંડળીએ કરેલ ધિરાણના મોટાભાગના કિસ્સામાં મંડળીના વહીવટકર્તા ચેરમેન એમ.ડી જનરલ મેનેજર અને ડિરેક્ટરોએ તેમના સગા વ્હાલા અને મળતિયાઓને કોઈપણ જાતની ગેરંટી સિક્યુરિટી કે ડિપોઝિટ લીધા સિવાય ખોટા ઠરાવો કરી ધિરાણ આપ્યું હતુ અને જિલ્લા રજિસ્ટ્રારની સૂચના બાદ મંડળીના વહીવટદાર સા.કાં. બેન્કના મેનેજર રાકેશકુમાર કરશનભાઈ પટેલે તલોદ પોલીસ સ્ટેશનમા મંડળીના હોદ્દેદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે મળતીયા, સગાવ્હાલઓને જુદી જુદી પેઢીઓના નામે કોઈ પણ જાતના દસ્તાવેજો કે ફિક્સ ડિપોઝિટ સિવાય અથવા તો સિક્યોરિટી કે જામીનગીરી મેળવ્યા સિવાય કુલ રૂ.7,99,14,104નું બોગસ ધિરાણ આપી વસુલાત કરવા માટે કોઈ પ્રયત્ન કર્યો ન હતો અને મંડળીના હોદ્દેદારોએ થાપણદારોની થાપણ રૂ.13,16,10,841ની રકમ પાકતી મુદ્દતે પરત ન આપી થાપણદારોની થાપણ ડૂબાડી હતી.પોલીસે 34 જણા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતાં તમામ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

પીએસઆઇ જી.એસ.સ્વામીએ જણાવ્યું કે  મંડળીના જે તે સમયના વાઇસ ચેરમેન મહેશભાઈ રસિકભાઈ મહેતા અને તેમના પુત્ર પ્રતિકભાઈનું સેમ્પલ લઈ નજર કેદ કરાયા છે અને તેમનો નેગેટિવ રિપોર્ટ મોડી રાત્રે આવશે તો પણ ધરપકડ કરાશે અને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાશે. અન્ય આરોપીઓના રહેઠાણના સ્થળે તપાસ કરાઈ છે પરંતુ તમામ ફરાર હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...