ચૂંટણી પહેલા ચૂંટણી:વર્ષ 1995 થી ગામમાં એકતા, વૈમનસ્ય અને ખટરાગ પેદા કરતી ચૂંટણીમાં નવો રાહ ચીંધતું ભંડવાલ, સંપ જળવાઇ રહે તે હેતુસર ચૂંટણી થતી નથી

હિંમતનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુરૂવારે પં.ની ચૂંટણીમાં પૂર્વ સરપંચની જીત થઇ, બે દિવસ બાદ વોર્ડ સદસ્યોની ચૂંટણી, પ્રચાર માટે તમામ ઉમેદવારો સાથે ફરે છે

વૈમનસ્ય અને ખટરાગ પેદા કરતી ચૂંટણીમાં ગામમાં ભાઇચારો, સંપ અને સૌહાર્દ કાયમી બની રહે તે હેતુસર વડાલી તાલુકાના ભંડવાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થયા બાદ ગામના અગ્રણીઓની બેઠક બાદ સરપંચ અને વોર્ડ સદસ્યોની મતદાન કરીને ચૂંટણી થાય છે અને તેમાં જીત મેળવનાર ઉમેદવારો જ વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવતી ચૂંટણીમાં ફોર્મ ભરે છે અને પંચાયત સમરસ બને છે. રાજ્ય તો ઠીક કદાચ સમગ્ર દેશમાં આવી રીતે ચૂંટણી નહી થતી હોય. જેમાં ગુરૂવારે યોજાયેલ ચૂંટણીમાં પૂર્વ સરપંચની જીત થઇ છે અને હવે બે દિવસ બાદ વોર્ડ સદસ્યોની ચૂંટણી યોજાવાની છે.

વડાલી તાલુકાનું ભંડવાલ ગામ શાકભાજીનું હબ છે અને વાલોળના ઉત્પાદન માટે પ્રખ્યાત છે અને ગામનું પોતાનું માર્કેટ છે જ્યાં ખેડૂતો વેચાણ કરે છે. આગામી અન્ય બાબતોમાં પણ અન્ય ગામોથી અલગ છે. ગ્રામમાં તંત્ર દ્વારા યોજાતી ચૂંટણી યોજાતી નથી. ગામના અગ્રણીએ વિગત આપતાં જણાવ્યું કે વર્ષ 1995 થી ગામમાં એકતા, સંપ, સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઇ રહે તે હેતુસર ચૂંટણી થતી નથી. સરપંચના દાવેદાર અને વોર્ડ સદસ્ય તરીકે ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો નક્કી થાય છે. ગામના અગ્રણીઓ બેઠક કરી દિવસ નક્કી કરે છે પહેલા સરપંચ માટે મતદાન થાય છે ત્યારબાદ વોર્ડ મેમ્બર માટે મતદાન થાય છે.

પ્રચાર માટે પણ તમામ ઉમેદવારોએ સાથે જ ઘેર ઘેર ફરવાનું હોય છે અને પોતાનો દાવો રજૂ કરવાનો છે. ત્યારબાદ મતદાનનો દિવસ નક્કી કરી સાંજે પરિણામ જાહેર થયા બાદ હારેલા ઉમેદવારો, ગ્રામજનો જીતેલા ઉમેદવારના ઘેર ચા નાસ્તો કરવા જાય છે કોઇના મનમાં દ્વેષ રહેતો નથી. ગુરુવારે સરપંચ માટે યોજાયેલ મતદાનમાં કુલ 1020 મત પૈકી 937 લોકોએ મતદાન કર્યું હતું.

જેમાં વર્તમાન સરપંચ નરેશભાઇ પટેલને 546 અને હરીફ ઉમેદવાર ભરતભાઇ પટેલને 376 મત મળ્યા હતા. બે દિવસ બાદ વોર્ડ સદસ્ય માટે ગ્રામજનો દ્વારા મતદાન થનાર છે. તેમણે ઉમેર્યું કે મતદાન માંડી મતગણતરી સુધીનુ સંચાલન ગામના વડીલ અગ્રણીઓ દ્વારા કરાય છે અને કોઇના મનમાં સંશય રહેતો નથી. ભંડવાલ ગામ વહીવટી તંત્ર કે પોલીસની સહાય વગર જ આપબળે મતદાન યોજે છે અને ગામને સમરસ બનાવી નવો રાહ ચીંધી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...