સતત ત્રીજા દિવસે આગચંપીનો પ્રયાસ:હિંમતનગરમાં ઠેરઠેર સુરક્ષાકર્મી તહેનાત કરાયા, બી-ડિવિઝન પોલીસે વધુ એક શખસ ઝડપ્યો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નાગરિક બેન્કની પાછળ  દુકાનમાં આગચંચીનો પ્રયાસ. - Divya Bhaskar
નાગરિક બેન્કની પાછળ દુકાનમાં આગચંચીનો પ્રયાસ.
  • અગાઉના દસ આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર
  • હસનનગર, વણઝારાવાસમાં આવાસ યોજનામાં અસામાજિક તત્ત્વો બહારથી તો નથી આવી ગયાં એ જાણવા સર્વે હાથ ધરાયો

હિંમતનગર શહેરમાં સતત ત્રણ દિવસ સુધી અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કર્યા બાદ મંગળ-બુધવારની રાત્રિ દરમિયાન નાગરિક બેન્કની પાછળ આવેલી એક બેકરીના શટલ પર આગચંપીના નિષ્ફળ પ્રયાસને બાદ કરતાં અજંપાભરી શાંતિનો અનુભવ થયો હતો. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના વગર દિવસ પસાર થયો હતો. શહેરમાં ઠેરઠેર સુરક્ષાકર્મીઓને તહેનાત કરી દેવાયા છે. હસનનગર - વણઝારા વાસમાં બનાવાયેલ આવાસ યોજનામાં કુલ 431 આવાસ પૈકી 159 હિન્દુ અને 272 મુસ્લિમ પરિવારોને એલોટમેન્ટ થયું હતું.

વારંવારના ઝઘડાને કારણે ઘણા - ખરા હિન્દુ પરિવારો પલાયન કરી ચૂક્યા છે અને તેમના ખાલી પળેલ મકાનોમાં અસામાજિક તત્ત્વો - ભાડૂઆતોએ અડિંગો જમાવ્યો છે. અડીને આવેલા વણઝારાવાસ પર હુમલા થયા બાદ પાલિકા તંત્ર જાગ્યુ છે અને શહેરની ત્રણેય આવાસ યોજનામાં સર્વે હાથ ધરાયો છે. ગિરધરનગર અને છાપરીયા આવાસ યોજનાનો સર્વે પૂર્ણ થઇ ગયો છે અને હસનનગર આવાસ યોજનામાં ગુરુવારથી ચકાસણી હાથ ધરાનાર છે. પ્રાથમિક માહિતી મુજબ 23થી વધુ મૂળ લાભાર્થીઓ અહી રહેતા નથી.

રવિવારે હિંમતનગર શહેરના છાપરિયામાં અસામાજિક તત્ત્વોએ શોભાયાત્રા દરમિયાન શહેરની શાંતિને પલિતો ચાંપ્યા બાદ હસનનગર - વણઝારા વાસમાં રવિવારે રાત્રે અને સોમવારે રાત્રે 24 કલાકમાં બબ્બેવાર હુમલા થતા વણઝારા વાસમાં રહેતા પાંચથી સાત પરિવારોએ પલાયન કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પણ કાયમી ચોકીની સુરક્ષા આપી વિશ્વાસ સંપાદન કરતા મામલો થાળે પડ્યો હતો. શહેરમાં એકંદરે શાંતિનુ નિર્માણ થયા બાદ મંગળ-બુધવારની રાત્રિ દરમિયાન શહેરની શાંતિને સાંખી ન શકનાર તત્વોએ શહેરના ટાવર રોડ પર નાગરિક બેંકની પાછળ આવેલ ગૌરવ બેકરીના શટલ ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટીને સળગાવવાનો કાંકરીચાળો કર્યો હતો.

સદ્દભાગ્યે આગ કે પ્રવાહી દુકાનની અંદર ન પહોંચતા કોઇ નુક્સાન થયું ન હતું. સવારે દુકાન માલિક દુકાને આવતા ઘટનાની જાણ થઇ હતી અને તેમણે જાણ કર્યા બાદ પોલીસને આગજનીની ખબર પડી હતી! પડોશીના જણાવ્યાનુસાર રાત્રે એકાદ વાગ્યા સુધી કંઇ થયુ ન હતું. બી-ડિવિઝન પીએસઆઇ એ.વી. જોષીએ જણાવ્યુ કે સોમવારે રાત્રે વણઝારાવાસમાં હુમલો કરનાર આરોપીઓ પૈકી દસ જણાને પકડ્યા હતા 4 દિવસના રિમાન્ડ મળ્યા છે અને વધુ 1 આરોપીને અટક કર્યો છે.

હિંમતનગરમાં અસામાજિક તત્વોની મિલકતોની વિગતો એકત્ર કરવામાં આવતાં ફફડાટ ફેલાયો
શોભાયાત્રા પર પથ્થરમારો કરી શહેરની શાંતિ ડહોળવાના થયેલ પ્રયાસના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે તંત્ર દ્વારા અસામાજીક તત્વોએ શહેરમાં ગેરકાયદેસર રીતે વસાવેલ મિલકતો, દબાણ વગેરેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે અને મહદ્દઅંશે પૂર્ણતાને આરે છે. યુપી બાદ એમપીમાં પણ અવૈધ મિલકતો ઉપર બુલડોઝર ફરવા માંડતાં હિંમતનગરમાં પણ આવું થવાની સંભાવના જોતાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...