ભાવવધારો:ડીઝલનો ભાવ વધતાં હવે ટ્રાન્સપોર્ટરો પણ ભાડુ વધારશે

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓનો ભાવ વધારો સ્વીકારવા ઇન્કાર, હાલ જૂના ભાવમાં વ્યવસાય કરાય છે

ડીઝલના ભાવ રૂ.101 ને આંબી જતાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયીઓ ભારે આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે અને ટ્રાન્સપોર્ટરોના જણાવ્યાનુસાર ભાડામાં 20 ટકાનો વધારો કરવો જરૂરી બની રહ્યો છે. અન્યથા માલવાહક વાહનો વેચ્યા સિવાય છૂટકો નથી. જોકે, વેપારીઓ ભાવ વધારો સ્વીકારવા ઇન્કાર કરી રહ્યા છે પરંતુ ટ્રાન્સપોર્ટરો આ અંગે ત્રણ - ચાર દિવસમાં નિર્ણય લેશે.

ટ્રાન્સપોર્ટ વ્યવસાયીઓ દ્વારા મળતી માહિતી અનુસાર માલ - ભાડા વધાર્યા વગર છૂટકો નથી 25 ટકા જેટલા વાહનોનું વેચાણ થઇ ગયુ છે. 55 રૂપિયે લિટર ડીઝલનો ભાવ હતો ત્યારે જે ભાડુ હતું. તે જ ભાડુ ડીઝલના ભાવ રૂ.101 ને પાર કરી જવા છતાં ચાલી રહ્યું છે. જેમાં ડ્રાઇવરનો પગાર વાહનનુ મેન્ટેનન્સ, હપ્તો અને માલિકનો નફો નીકળવો શક્ય રહ્યો નથી. હિંમતનગરથી અમદાવાદ 10 ટનનું ભાડુ સાડા પાંચથી છ હજાર અને હિંમતનગર થી વડોદરા 10 ટનનુ ભાડુ 8.5 થી 9 હજાર ચાલી રહ્યુ છે.

ચિંતા |આમને આમ ચાલશે તો વ્યવસાય ખતમ થશે
નાગણેશ્વરી રોડ લાઇન્સના રમેશભાઇ બારોટે જણાવ્યું કે જૂના ભાડામાં પોસાતુ નથી અડધો અડધ વાહન માલિકો વાહન વેચવા તૈયાર થઇ રહ્યા છે. ડ્રાઇવર કંડક્ટરને પગાર આપવા પૈસા નથી, સિલક આપવા ક્ષમતા રહી નથી આમને આમ ચાલશે તો વ્યવસાય પૂરો થઇ જશે.

ભાવ વધારવા ટૂંકમાં જ નિર્ણય કરાશે
સા.કાં. ટ્રાન્સ્પોર્ટ એસો.ના પ્રમુખ ફિરોજભાઇએ જણાવ્યુ કે ડીઝલના ભાવની સ્થિતિ જોતાં જૂનું ભાડુ પોસાય તેમ નથી 20 ટકા ભાડુ વધારવા વિચારણા થઇ છે અને ત્રણ ચાર દિવસમાં આ અંગે નિર્ણય લઇ લેવાશે.

ભાડા વધાર્યા વગર ચાલે તેમ જ નથી
સહારા ટ્રાન્સ્પોર્ટના શબ્બીરભાઇએ જણાવ્યું કે ડીઝલના ભાવ વધતા ગાડીના હપ્તા ભરવામાં ડ્રાયવર કંડક્ટરને પગાર ચૂકવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીઝલના ભાવ બમણા થઇ જવા છતાં ભાડુ જૂનુ જ રહ્યુ છે ખાનગી ફાયનાન્સ મેળવનાર 70 ટકા ગાડીઓ ખેંચાઇ જવાની છે ટાયર નાખવાની સ્થિતિમાં રૂ. 25 હજાર માલિક પાસે હોતા નથી ભાડા વધાર્યા વગર ચાલે તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...