શોક:અરવિંદ ત્રિવેદી રામાયણમાં કેવટ પાત્રના ઓડિશન માટે ગયા હતા

હિંમતનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
અરવિંદ ત્રિવેદીનું નિધન થતા મુંબઈ સ્થિત નિવાસસ્થાને મુખમાં ગંગાજલ મુક્યું હતું. - Divya Bhaskar
અરવિંદ ત્રિવેદીનું નિધન થતા મુંબઈ સ્થિત નિવાસસ્થાને મુખમાં ગંગાજલ મુક્યું હતું.
  • લંકેશ અરવિંદ ત્રિવેદીનું મુંબઇમાં અવસાન થતાં રંગભૂમિએ વધુ એક અભિનેતા ગુમાવતાં ચાહકો શોકાતૂર

રંગભૂમિ, રૂપેરી પડદો, રામાયણ સિરિયલ, સમાજસેવાના વિવિધ ક્ષેત્રો ગજવનારા પડછંદ દેહ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ તથા ગર્જનાસમી વાણીના સ્વામી ‘લંકેશ’ અરવિંદ ત્રિવેદીએ 5 ઓક્ટોબર મંગળવારે રાત્રે 11 કલાકે મુંબઇ ખાતે અંતિમશ્વાસ લેતાં રંગભૂમિએ વધુ એક મોટા ગજાનો અભિનેતા ગુમાવ્યો છે. અરવિંદ ત્રિવેદીનાં દીકરી એકતાબેન ત્રિવેદીના જણાવ્યા મુજબ, રામાયણની કાસ્ટીંગ ટીમ રાવણનું પાત્ર અમરીશપુરી ભજવે તેમ ઇચ્છતી હતી.

અરવિંદ ત્રિવેદી કેવટના પાત્ર માટે ઓડિશન આપવા ગયા હતા અને ઓડિશન આપી જવા લાગ્યા ત્યારે તેમની બોડી લેન્ગ્વેઝ, ડાયલોગ ડિલિવરી, એટીટ્યૂડ જોઇને મુગ્ધ બની ગયેલા રામાનંદ સાગરના મોઢામાંથી શબ્દો સરી પડ્યા ‘મને મારો રાવણ મળી ગયો’ વાત એટલે ન અટકી એમના પરિવારના ત્રણ સભ્યો મોટી બહેનના પુત્ર સંજય જાનીને શ્રવણ, ભત્રીજા કૌસ્તુની ભાલશંકર ત્રિવેદીએ કેવટ તરીકે ભૂમિકા ભજવી હતી. અરવિંદ ત્રિવેદીને કયા પાત્રમાં બાંધવા કે યાદ રાખવા બહુ અઘરૂં છે.

‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’નું નામ લેતાં જ દાદાજીનો ચહેરો નજર સામે તરવરી ઉઠે છે. ‘કુંવરબાઇનું મામેરૂ’ યાદ કરો તો નરસિંહ મહેતા અને રામાયણ સિરિયલનું નામ લેતાં જ લંકેશ દેખાય છે. સંતુ રંગીલીમાં સંતુના પિતાનો રોલ હોય કે ભર્તુહરીમાં ગોરખનાથ અને જેસલ તોરલમાં જેસલ જાડેજાનું પાત્ર હોય, તમામમાં દમદાર અભિનય કરી લોકોના હ્રદયમાં અંકિત થઇ ગયા હતા. નિર્માતા તરીકેની પહેલી ફિલ્મ દાદાને વ્હાલી દીકરીમાં એમણે જાતે સંસ્કૃતમાં શિવતાંડવ સ્ત્રોત ગાયું હતું.

તેમણે નાયક, ખલનાયક, સહ-અભિનેતા, ચરિત્ર અભિનેતા તરીકે 250થી વધુ ગુજરાતી, હિન્દી ફિલ્મોમાં અભિનયનાં અજવાળાં પાથર્યા હતાં. તદ્દપરાંત, ઝવેરચંદ મેઘાણીની નવલકથા પર આધારિત વેવીશાળ નાટકના 75 પ્રયોગ કર્યા હતા. આવા ઉંચા ગજાના અભિનેતાની વિદાયને પગલે તેમના ચાહકો શોકાતૂર બની ગયા છે અને શ્રદ્ધાંજલિનો ધોધ વહી રહ્યો છે.

અભિનય સમ્રાટનું સ્વપ્ન અધૂરું રહી ગયું
અભિનય સમ્રાટ લંકેશ અને ઉપેન્દ્ર ત્રિવેદીએ વતન સાબરકાંઠાના કુકડિયામાં સ્થાનિક યુવાનો અને બાળકો પોતાનામાં રહેલ અભિનય ક્ષમતાને બહાર લાવી શકે અને તેમને તરાશીને હીરા બનાવવાનું સ્વપ્ન જોતાં જે-તે સમયની સરકારે વર્ષ 2000 દરમિયાન રૂ.45 લાખના ખર્ચે કુકડીયામાં અદ્યતન રંગમચ તૈયાર કર્યો હતો. 90 ટકા જેટલો તૈયાર થઇ ગયેલ રંગમંચ નેતાઓની બદનીયતનો ભોગ બનતાં ખંડેર બની ગયો છે. જેનું ઉદ્દઘાટન પણ થઇ શક્યું નથી. રંગમંચ શરૂ કરવાનું સ્વપ્ન પૂરું ન થવાનો વસવસો બંને અભિનય સમ્રાટને જીવનપર્યંત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...