છેતરપિંડી:ઈસરવાડા બોગસ દસ્તાવેજ પ્રકરણમાં બંને શખ્સોના આગોતરા જામીન ફગાવાયાં

હિંમતનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીનનો બનાવટી દસ્તાવેજ બનાવવાના પ્રકરણમાં ઇડર કોર્ટની કાર્યવાહી

ઇડરના ઇસરવાડા ગ્રામ પંચાયતમાં આવેલ 1-96-41 હે.આરે. ચોમી જમીનનો બનાવટી દસ્તાવેજ કરવાના પ્રકરણમાં જમીન ખરીદનાર અને સાક્ષીમાં સહી કરનાર બે આરોપીઓએ ઇડરની અધિક સત્ર ન્યાયાધીશની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા કરોડોના છેતરપિંડી પ્રકરણમાં આરોપીઓનું કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન જરૂરી હોવાનું જણાતા અધિક સત્ર ન્યાયાધીશે બંનેની આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.

ઇસરવાડાની હદમાં અબ્દુલ સત્તાર અબ્દુલ રહીમ મેમણ (રહે. મહેબૂબ પાર્ક, સવગઢ) સર્વે નં.161 ની 1-96-41 હે.આરે. ચોમી ખેતીની જમીન ધરાવે છે. જમીનમાં પાણીની વ્યવસ્થા ન હોઇ આઠ મહિના ખેડ્યા વગર પડી રહે છે. ગત તા.04-01-22 ના રોજ ઇડર મામલતદાર કચેરીમાં બોજા નોંધની કામગીરી માટે જતાં બોજા મુક્તિની નોંધ પડેલી જોવા મળતા અને બીજી નોંધો પડેલી જોતા શંકા જતા જમીનના ઉતારા મેળવતા આ જમીન તેમણે એટલે કે અબ્દુલ સત્તાર મેમણે કૃષ્ણકુમાર કોદરભાઇ પટેલ (રહે. ગંભીરપુરા તા.ઈડર) ને વેચાણ આપી હોવાનું ખુલ્યું હતું. પોતે કોઈ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો ન હોવાથી તેમના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી.

સમગ્ર પ્રકરણમાં જમીન ખરીદનાર કૃષ્ણકુમાર કોદરભાઇ પટેલ અને સાક્ષી જમીનહુસેન જમીલભાઈ અબ્દુલભાઈ વિજાપુરા (રહે. લાલપુર તા.હિંમતનગર) બંને જણાએ આગોતરા જામીન અરજી કરી પોતે બાનાખતને આધારે દસ્તાવેજ કર્યાની અને સાક્ષીએ પણ સાચા પૂરાવા સાચી સહીઓ કર્યાની રજૂઆત કરી હતી.

પરંતુ ઇડરના મદદનીશ જિલ્લા સરકારી વકીલ નિકેશભાઈ બારોટની દલીલોને ગ્રાહ્ય રાખી ઇડરના અધિક સત્ર ન્યાયાધીશ તેજસ એસ બ્રહ્મભટ્ટે કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન જરૂરી હોવાનું ટાંકીને બંનેની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...