તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખળભળાટ:હિંમતનગરના વિરપુરમાં રાહતના પ્લોટ ફાળવવામાં 25 લાખનો વહીવટ, તલાટી અને સર્કલ ઓફિસરની મિલીભગતથી ફાળવ્યા હોવાના આક્ષેપો

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ હતી. - Divya Bhaskar
હિંમતનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ હતી.
  • ભાજપ શાસિત હિંમતનગર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ભાજપ સદસ્યના વિરપુર પંચાયત સામેના આક્ષેપથી ખળભળાટ
  • પંચાયત દ્વારા નિતી નિયમો નેવે મૂકી 28 પ્લોટો માલેતુજાર લોકોને સરપંચ

ભાજપ શાસિત હિંમતનગર તા.પં.માં સોમવારે મળેલી સામાન્ય સભામાં તાલુકાના વીરપુરના સરપંચે રાહતના 28 પ્લોટોની ફાળવણીમાં રૂ.70 હજારથી માંડી રૂ. 1 લાખ રકમ લીધી હોવા અંગે ભાજપના જ સદસ્ય રવિન્દ્રસિંહ ચાવડાએ રજૂઆત કરી સર્કલ, તલાટીની સંડોવણી અંગે સીધો આક્ષેપ કરી ન્યાયિક તપાસ નહીં થાય તો તા.પં. સંકુલમાં આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારતાં ખળભળાટ મચી ગયો છે. તા.પં. પ્રમુખે કમિટી બનાવી તપાસની હૈયાધારણ આપતાં મામલો થાળે પડ્યો હતો. પંચાયત દ્વારા ગરીબો માટેના 28 પ્લોટોમાં વ્હાલાદવાલાની નિતી અખત્યાર કરી પૈસાદાર લોકોને ફાળવણી કરી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

28 પ્લોટની ફાળવણીમાં એક જ જ્ઞાતિ સમૂહના 21 લાભાર્થી છે અને રૂ. 25 લાખનો ‘ વહીવટ ’ કર્યો છે મફતના પ્લોટ લેનાર કેટલાક લાભાર્થીઓ લાખ્ખો રૂપિયાના મકાન-જમીન ધરાવે છે તેવો પણ રવિન્દ્રસિંહે આક્ષેપ કર્યો હતો. તેમજ માલીવાડા પંચાયતના સર્વે નં.101 કે જેના ઉપર મનાઇ હુકમ હોવા છતાં તે પૈકીની હિંમતનગર વિજાપુર રોડ ઉપર આવેલ જમીનમાં બનેલ કોમ્પલેક્ષમાં જે તે સમયના તલાટી અને સર્કલ ઓફિસરે ભેગા મળી નિયમ વિરુદ્ધ બાંધકામની રજાચિઠ્ઠી તેમજ આકારણીઓ કરી હોવાનો આક્ષેપ કરી તપાસની માંગ કરી હતી.

હિંમતનગર તા.પં.ની સામાન્ય સભા તા.પં. પ્રમુખ વિનોદચંદ્ર પટેલના અધ્યસ્થાને અને ટીડીઓ અક્ષયસિંહ રાજપુતની હાજરીમાં સોમવાર બપોરે તા.પં.ના સભાખંડમાં મળી હતી.જેમાં સત્તાધારી પક્ષ ભાજપના સવગઢ-2 બેઠકના સદસ્ય રવિન્દ્રસિંહ ચાવડાએ ગરીબોને ફાળવાતાં મફત પ્લોટોમાં ગેરરીતી થતી હોવાના આક્ષેપો સાથે જણાવ્યું કે, વિરપુરમાં તાજેતરમાં પંચાયત દ્વારા 28 પ્લોટો ફાળવાયા હતા. જેમાં પંચાયત દ્વારા નીતી નિયમો નેવે મૂકી કેટલાક પ્લોટો માલેતુજાર લોકોને સરપંચ તલાટી અને સર્કલ ઓફિસરની મિલી ભગતથી ફાળવ્યા હોવાના આક્ષેપો સાથે સામાન્ય સભામાં પૂરાવા રજૂ કરતાં સભામાં સન્નાટો છવાઇ ગયો હતો.

વધુમાં તેઓએ સામાન્ય સભામાં ઉગ્રતાપુર્વક જણાવ્યું કે શહેરને અડીને આવેલ માલીવાડા પંચાયતના સર્વે નં.101માં વિજાપુર હાઇવે ઉપર તૈયાર થયેલ કોમ્પલેક્ષ તેમજ નવનિમાર્ણ થઇ રહેલ કોમ્પલેક્ષની સર્વે નં.101 ની જગ્યા ઉપર નાયબ કલેક્ટરનો મનાઇ હુકમ હોવા છતાં તલાટી સર્કલ ઓફિસર અને અન્ય અધિકારીની મિલીભગતથી જૂની તારીખોમાં બાંધકામની રજાચિઠ્ઠી અને આકારણી સહિતના દસ્તાવેજો ઉભા કર્યા હોવાના આક્ષેપો કરાયા હતા.

સામાન્ય સભામાં વિપક્ષી કોંગ્રસના સભ્યો દ્વારા આક્ષેપ કરાયો હતો કે બેઠક અંગેનો એજન્ડા સદસ્યોને સમયસર ન મળતો હોવાના કારણે તેઓ પ્રજાલક્ષી પ્રશ્નો પુછી શકતા નથી. વિપક્ષની આ રજૂઆતને પ્રમુખે ધ્યાન ઉપર લઇ હવે પછી નિયમીતપણે સત્તા ધારી તેમજ વિપક્ષી સદસ્યોને સમયસર એજન્ડા મોકલી આપવાની ખાતરી આપી હતી. ઉપરાંત વિપક્ષી સભ્યોએ કોરોનામાં મુત્યુ પામેલ દરેક પરિવારને સરકાર દ્વારા રૂ.4 લાખની સહાય ચૂકવાય તે માટેનો ઠરાવ પસાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

ન્યાયિક કાર્યવાહી નહીં થાય તો આમરણ અનશન પર બેસીશ: રવિન્દ્રસિંહ ચાવડા
રાહતના પ્લોટની ફાળવણીમાં સરપંચ ફારૂકભાઈએ નર્યો ભ્રષ્ટાચાર આદર્યો છે તલાટી સર્કલની મીલીભગતથી રૂ.25 લાખનો ‘ વહીવટ ’ કર્યો છે. સમગ્ર કૌભાંડની ન્યાયિક કાર્યવાહી નહીં થાય તો હું તા.પં. સંકુલમાં આમરણ અનશન પર બેસીશ. - રવિન્દ્રસિંહ ચાવડા, ભાજપ સદસ્ય

પ્લોટ લેનારની વ્યથા વાંચો તેમના જ શબ્દોમાં

વિરપુર સરપંચે 70-70 હજાર લઇ લીધા
લાભાર્થી પ્લોટોની સણદો ફાળવાઇ છે તેમાં સરકારે પૈસા નથી લીધા વીરપુર ગામના સરપંચ ફારૂકભાઇએ 70- 70 હજાર લઇ લીધા છે ધંધા - મજૂરી વગરના લોકો પાસેથી પૈસા લીધા છે. મે રૂ. 2.10 લાખ આપ્યા હતા મેં લેન્ટર બરાબર ઘર કરી દીધુ છે હવે જગ્યા હાંસલપુરની હોવાની વાત આવી છે અમારે ક્યાં જવું. - બાબુભાઇ દેવીપૂજક

સરપંચને 50 હજાર વ્યાજે લઇને આપ્યા
સરપંચને રૂ. 50 હજાર રૂપિયા વ્યાજે લઇને આપ્યા હતા બે વર્ષથી આપેલા હતા અમને નથી પ્લોટ મળ્યો અને હવે પૈસા પાછા આપ્યા. - નથ્થુભાઇ આત્મારામ

બે પ્લોટના રૂપિયા 1 લાખ આપ્યા હતા
બે પ્લોટના પૈસા આપ્યા હતા રૂ. 1 લાખ આપ્યા હતા સરપંચે 70-70 કહ્યા હતા એક છોકરાના 70 હજાર આપ્યા પછી બીજા છોકરાના 30 હજાર આપ્યા એક સનદ આપી છે બીજા છોકરાનુ કંઇ આપ્યુ નથી. - સૂર્યાબેન ચંદુભાઇ

ગરીબી રેખા નીચે નહીં આવતા હોય તેવા લાભાર્થીની સણંદો રદ થશે, પ્લોટ ફાળવણીની સત્તા લેન્ડ કમિટીની
હિંમતનગર ટીડીઓ અક્ષયસિંહ રાજપૂતે જણાવ્યું કે સદસ્યની રજૂઆત સાંભળી છે. લાભાર્થીએ પોતાની આવક અંગે એફિડેવિટ કરવાની હોય છે. તપાસ કરી ગરીબી રેખા નીચે ન આવતા હોય તેવા લાભાર્થીઓની સણદો રદ કરીશું.સામાન્ય સભામાં મફત પ્લોટની ફાળવણીની સત્તા લેન્ડ કમિટીની હોય છે. અમારે તો મફત પ્લોટ ફાળવણીના નિયમો મુજબ દરખાસ્ત સાથેનો અહેવાલ તૈયાર કરીને મોકલી આપવાનો હોય છે. જે દરખાસ્તના આધારે પ્લોટ મંજૂર થાયતો સણંદ બનાવાય છે.

વિરપુર મફત પ્લોટ ફાળવણીની તપાસ તકેદારી આયોગમાં ચાલે છે: તા.પં.પ્રમુખ
વિરપુરમાં મફત પ્લોટ ફાળવણી અંગે જિલ્લા વિકાસ અધિકારી સાબરકાંઠા અને તકેદારી આયોગ ગાંધીનગરમાં તપાસ ચાલુ હોઇ તાલુકા પંચાયતે તપાસ સમિતીની રચના કરવાનો કોઇ પ્રશ્ન રહેતો નથી. તકેદારી આયોગનો જે નિર્ણય આવશે તેનો અમલ કરાશે. - વિનોદચંદ્ર પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ, હિંમતનગર

ત્રણ ગ્રામ પં.ને પાલિકામાં સમાવવા દરખાસ્ત
હિંમતનગર શહેરને અડીને આવેલ માલીવાડા,કાંકણોલ અને બળવંતપુરા ગ્રામ પંચાયતના કેટલાક વિસ્તારને હિંમતનગર પાલિકામાં સમાવવા માટે એજન્ડામાં રજૂ કરાયેલા મુદાને સામાન્ય સભામાં સંમતિ આપવામાં આવી હતી.તે ઉપરાંત હવેથી મફત પ્લોટની ફાળવણી માટે દર મહિને લેન્ડ કમિટીની બેઠક યોજાશે.

મંજૂર કરવાની સત્તા લેન્ડ કમિટીને હોય છે
લેન્ડ કમીટીનો લેટર આવે એટલે પંચાયત દરખાસ્તો મોકલી આપે છે. મંજૂર કરવાની સત્તા લેન્ડ કમીટીને હોય છે. તા.પં.પ્રમુખ, ધારાસભ્ય,પ્રાંત અધિકારી ટીડીઓ વગેરે મંજૂર કરે છે. પંચાયતની કોઇ ભૂમિકા હોતી નથી. જગ્યા પણ વીરપુર સીમની છે. - ફારૂક ખણુશીયા, વિરપુર સરપંચ

કોરોનાથી મૃત્યુ પામેલા દરેક પરિવારને સરકાર ~ 4 લાખ સહાય ચૂકવે તેવી માંગણી કોંગ્રેસે કરી
હિંમતનગર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોએ કોરોનામાં મુત્યુ પામેલ દરેક પરિવારને સરકાર દ્વારા રૂ.4 લાખની સહાય ચૂકવાય તે માટેનો ઠરાવ પસાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...