ચડ્ડી ગેંગના સભ્યો પકડાયા:અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત ગુજરાતમાં તરખાટ મચાવતી ચડ્ડી ગેંગ ઝડપાઈ, પ્રાંતિજ પોલીસે ગરબાડાના 3 શખ્સને દબોચ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતભરના 35 ચોરીને અંજામ આપનાર ગરબાડાના સરસોડા ગામની ચડ્ડી ગેંગના 3 સભ્યોને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડ્યા

સાબરકાંઠાની પ્રાંતિજ પોલીસે આખા ગુજરાતમાં તરખાટ મચાવતી ચડ્ડી ગેંગને દબોચી લીધી છે. આ ગેંગે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, અમરેલી, સાબરકાંઠા સહિત રાજ્યમાં વિવિધ સ્થળે 35 ચોરીને અંજામ આપ્યો હતો. પ્રાંતિજ પોલીસે ચડ્ડી ગેંગના 3 સભ્યોને દબોચીને રાજ્યવ્યાપી ચોરી કરતી ગેંગને ઝડપીને મોટી સફળતા હાંસલ કરી છે.

ચડ્ડી ગેંગના સભ્યો રોડ કામ કરતા હતા
પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં થયેલી ચોરીઓની પોલીસ તપાસ કરી રહી હતી. ત્યારે ચુનંદા પોલીસ ડિવિઝનની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવી ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસને આધારે પોલીસે ચડ્ડી ગેંગની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન પીઆઈ પી એલ વાઘેલાને અંગત બાતમી મળી કે ચડ્ડી ગેંગ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સરસોડા ગામની છે. તેમજ તેના 3 સભ્યો એન જી પ્લાન્ટ ગઢોડા રહીને રોડનું કામ કરે છે. તેથી પોલીસે કડક પૂછપરછ કરતા ત્રણેય શખ્સોએ એરોના કંપનીની રૂ. 6 લાખની ચોરી કબૂલી લીધી હતી. આ સિવાય રાજ્યની અન્ય ચોરીઓની કબૂલાત પણ કરી હતી.

પોલીસે 3 આરોપીને ઝડપી 65 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
પ્રાંતિજ પોલીસના પીઆઈ તેમજ અન્ય 11 પોલીસકર્મીની ટીમે ઓપરેશન પાર પાડીને ચડ્ડી ગેંગના 3 સભ્યોને દબોચી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. 50 હજાર, 3 મોબાઈલ રૂ. 15 હજાર મળી કુલ રૂ. 65 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્રણેયની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

ચડ્ડી ગેંગની મોડ્સ ઓપરેન્ડી
ગરબાડાના સરસોડાની ચડ્ડી ગેંગના સભ્યો ચોરીને અંજામ આપવા માટે પોતાના શરીરે ચડ્ડી સિવાય અન્ય વસ્ત્રો પહેરતા ન હતા. ચોરી કરતા કોઈ આવી જાય કે ભાગવામાં કોઈ ઊંચી દિવાલ સરળતાથી કૂદી શકે એટલે ચડ્ડી પહેરતા હતા. આ સિવાય કોઈના હાથે સરળતાથી પકડાય ન એટલે અને પોતાની ઓળખ છતી ન થાય એટલે ચડ્ડી ગેંગના સભ્યો ચડ્ડી પહેરીને ચોરીને અંજામ આપતી હતી. ઉપરાંત ગેંગના સભ્યો પોતાની સાથે પથ્થરો પણ રાખે છે જેથી કોઈ અડચણ ઊભી થાય તો છૂટ્ટા પથ્થર મારીને ત્યાંથી પલાયન થઈ જતા. આ ગેંગ ખૂબ જ ચાલાક છે અને આધુનિક પધ્ધતિથી વાકેફ છે. તે ચોરી, લૂંટ અને ધાડ પાડવાની ગુનાહિત માનસિકતા ધરાવે છે.

ગરબાડાના સરસોડાની ચડ્ડી ગેંગના સભ્યો
1. વિજયકુમાર શકરાભાઈ બારીયા
2.મુમેશભાઈ રાયસિંગભાઈ બારીયા
3. મુકેશભાઈ દિપાભાઈ પલાસ

એરોના કંપનીની ચોરીમાં સામેલ અન્ય તસ્કર
1. પ્રકાશભાઈ દિતીયાભાઈ પલાસ (ગેંગનો લિડર)
2. પંકજભાઈ મગનભાઈ પલાસ
3. રઈલાભાઈ કાળીયા પલાસ
ચડ્ડી ગેંગે ગુજરાતભરમાં આપેલી 35 ચોરીના અંજામની વિગતો

અન્ય સમાચારો પણ છે...