કોરોના સંક્રમણ:સાબરકાંઠામાં 4 દિવસ પછી કોરોનાના ત્રણ કેસથી ફફડાટ

હિંમતનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાલી તાલુકામાં દંપતી અને હિંમતનગરનો યુવક સંક્રમિત
  • વડાલીના કંજેલીમાં હવન હતો, હિંમતનગરનો યુવાન ગોવા ફરવા ગયો હતો, 11 હાઇરિસ્ક વ્યક્તિના RTPCR લેવાયા
  • ​​​​​​​ત્રણેય​​​​​​​ જણાએ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે

સાબરકાંઠામાં 4 દિવસ પછી કોરોનાના 3 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. હિંમતનગરમાં યુવક અને વડાલીના કંજેલીના વૃદ્ધ દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં છેલ્લા ત્રણ સપ્તાહમાં જિલ્લામાં કોરોનાના સાત કેસ નોંધાઇ ચૂક્યા છે. કંજેલીમાં હવન હતો અને હિંમતનગરનો યુવાન ગોવા ફરવા ગયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા 11 હાઇરિસ્ક વ્યક્તિના આરટીપીસીઆર સેમ્પલ લેવાયા છે.

દિવાળી દરમિયાન હિંમતનગરના વૃદ્ધ દંપતીનો પરિવાર અમદાવાદ ખરીદી માટે ગયા બાદ પડોશી સહિત કુલ 4 કેસ નોંધાયા હતા અને ચારેક દિવસ અગાઉ તમામ ચાર જણા રિકવર થયા બાદ તા.19-11-21 ના રોજ વડાલીના કંજેલીના વૃદ્ધ દંપતી અને હિંમતનગરના 24 વર્ષીય યુવાનનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ફરી એકવાર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 03 થઇ ગઇ છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એકાદ સપ્તાહ પૂર્વે કંજેલીમાં હવન હતો અને 63 વર્ષીય પુરુષ અને 57 વર્ષીય મહિલા સંક્રમિત થતાં બંનેને ગાંધીનગર - અમદાવાદ રોડ પર ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 63 વર્ષીય વૃદ્ધને ઓક્સિજન સહિતની સારવાર અપાઇ રહી છે અને 8 વ્યક્તિઓના આરટીપીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા છે અને ફિવર સર્વેલન્સ સહિતની કામગીરી ચાલી રહી છે.

હિંમતનગરનો 24 વર્ષીય યુવાન તા.11-11-21 ના રોજ ગોવા ગયો હતો અને તા.16-11-21 ના રોજ પરત આવ્યા બાદ સમસ્યા જણાતાં ખાનગી તબીબનો સંપર્ક કરી શંકાસ્પદ લક્ષણો હોઇ આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા તા.19-11-21 ના રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. યુવકના બાકીના વાઇટલ્સ નોર્મલ હોઇ હોમ આઇસોલેટ છે.

પરિવારના ચાર સભ્યો અને અમદાવાદના સંબંધી મળી કુલ 5 જણાંને હાઇરીસ્ક કેટેગરીમાં મૂકાયા છે. 12 મકાનના 35 વ્યક્તિઓનો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે. દિવાળી બાદ કોરોનાએ ફરીથી દસ્તક દેતા આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયુ છે. ત્રણેય જણાએ વેક્સિનના બંને ડોઝ લીધા હતા.

મહેસાણા જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ
મહેસાણા જિલ્લામાં છેલ્લાં 48 કલાકમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં મહેસાણા શહેરમાં 2 અને જોટાણામાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. મહેસાણામાં 1 પુરૂષ અને 1 મહિલા તેમજ જોટાણામાં 1 મહિલાનો સમાવેશ થાય છે.

શનિવારે મહેસાણામાં કોરોના સંક્રમિત થયેલા બે પૈકી 1 યુવક બહુચરાજી નજીકની ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને કોરોના સંક્રમિત થયેલી મહિલાની ટુર હિસ્ટ્રીની તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યુ છે. મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગે શનિવારે લીધેલા 598 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ખાનગી લેબમાં 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...