તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફેદ દૂધનો કાળો વેપાર:બેરણા દૂધ મંડળીમાં નકલી દૂધ ભરાવતાં 5 લાખનો દંડ

હિંમતનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
નકલી દૂધ ભરાવવા મુદ્દે સોમવાર રાત્રે હોબાળો થયો - Divya Bhaskar
નકલી દૂધ ભરાવવા મુદ્દે સોમવાર રાત્રે હોબાળો થયો
  • હિંમતનગરનો સુરભી ડેરીનો સંચાલક છેલ્લા દોઢ બે વર્ષથી પ્રતિદિન 100 થી 125 લિટર દૂધ ભરાવતો હતો
  • દૂધ શંકાસ્પદ જણાતાં સાબરડેરીમાં ટેસ્ટીંગ કરાવતાં દૂધના સેમ્પલમાં પાણી, ગ્લુકોઝ સહિતના તત્વો વધુ હોવાનો અને દૂધ સ્વીકારવા લાયક ન હોઈ મંડળીએ ન સ્વીકારવાનો અભિપ્રાય આપ્યો

હિંમતનગરમાં આવેલ સુરભી ડેરીના સંચાલકે હિંમતનગરના બેરણા દૂધ મંડળીમાં નકલી દૂધ ભરાવવા મામલે સોમવારે રાત્રે ગ્રામજનોએ હોબાળો મચાવતાં ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર ઘટના અંગે દૂધ મંડળીની કારોબારીએ રૂ.5 લાખ દંડ પેટે વસૂલવાનો કરેલ નિર્ણય શંકાના દાયરામાં આવી ગયો છે. કારણકે તેમને ફૂડ વિભાગને પણ જાણ કરી નથી અને પોલીસ ફરિયાદ કરવાની પણ તસ્દી લીધી નથી. સુરભી ડેરીના સંચાલકે ભરાવેલું દૂધ શંકાસ્પદ જણાતાં સેમ્પલ સાબરડેરીમાં મોકલતાં દૂધ સ્વીકારવા લાયક ન હોઇ મંડળીએ ન સ્વીકારવાનો અભિપ્રાય આપ્યો હતો.

સમગ્ર ઘટના અંગે બેરણા દૂધ મંડળીના ચેરમેન સમીરભાઈ પટેલે જણાવ્યું કે હિંમતનગરના બેરણા રોડ પર સુરભી ડેરીના નામે વ્યવસાય કરતો રવિ શર્મા નામનો શખ્સ બેરણા દૂધ મંડળીમાં દૂધ ભરાવતો હતો. જેનું દૂધ શંકાસ્પદ જણાતાં સાબરડેરીમાં ટેસ્ટિીંગ કરાવતા તા.30 મે ના રોજ ડેરી દ્વારા દૂધના સેમ્પલમાં પાણી, ગ્લુકોઝ સહિતના તત્વો વધુ હોવાનો અને દૂધ સ્વીકારવા લાયક ન હોઈ મંડળીએ ન સ્વીકારવાનો અભિપ્રાય આપતા તા. 31 મે ના રોજ સાંજે કારોબારીના 11 સભ્યોની બેક બોલાવી હતી અને રૂ. 5 લાખ દંડ વસૂલવા નિર્ણય કર્યો હતો. તેમણે ઉમેર્યું કે દોઢ-બે વર્ષથી આ શખ્સ દરરોજ 100 થી 125 લિટર દૂધ ભરાવતો અને સેક્રેટરી ના બાર કોડ નંબરમાં દૂધ ભરાતું હતું.

શંકાસ્પદ કાર્યવાહી મામલે બેરણા ગામના હરેશભાઈએ જણાવ્યું કે બધા મળેલા છે રાત્રે પોલીસ આવવા છતાં ફરિયાદ કરી નથી મંડળીના સેક્રેટરીના નામે અને અન્ય એક મહિલાના નામે રૂ. 49,97,983 નું દૂધ ભરાવાયું છે. ગત મે માસમાં પણ રૂ. 4,83,815 નું 10420 લિટર દૂધ સ્વીકારાયું છે. જે દૂધાળા પશુ ધરાવતા નથી.

મંડળીના સેક્રેટરી અને ચેરમેનના પત્નીના નામે નકલી દૂધ ભરાવતો , પોલીસમાં લેખિત ફરિયાદ
બેરણા ગામના પશુપાલક બળવંતસિંહ બાબુસિંહ પરમારે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે હિંમતનગરના બેરણા રોડ પર આવેલ સુરભી ડેરીનો માલિક રવિ શર્મા નામનો શખ્સ છેલ્લા બે વર્ષથી મંડળીના સેક્રેટરી અરવિંદભાઈ પટેલ અને ચેરમેનના પત્નીના નામે નકલી દૂધ ભરાવતો હતો. જેનો સાબર ડેરીએ પણ તાજેતરમાં રિપોર્ટ આપ્યો છે. મંડળી તથા ગામના પશુપાલકો સાથે છેતરપિંડી કરી લોકોના આરોગ્ય સાથે પણ ચેડાં કર્યા હોય તપાસ કરી ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધવા ફરિયાદ આપતા દોડધામ મચી છે.

મંડળીનો જ મામલાને ઠંડો પાડવાનો પ્રયાસ
બેરણા ગામની દૂધ મંડળીમાં ગુણવત્તા વિહીન નકલી દૂધ ભરાવવા નું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે સફેદ દૂધ નો કાળો કારોબાર બહાર આવતા પ્રશાસન સહિત સાબરડેરીની બેદરકારી પણ બહાર આવી છે જિલ્લાજનોના આરોગ્ય સાથે ચેડાં કરવાની આ પ્રવૃત્તિ સામે જલદ કાર્યવાહી કરવાને બદલે રૂ. 5 લાખનો દંડ કરવાનું મંડળીએ જાતે જ નિર્ણય લઈને મામલાને ઠંડો પાડવાનો પ્રયાસ કર્યો છે.

નકલી દૂધના આંકડા

  • 100-125 લિટર દૂધ રોજ ભરાવતો
  • ​​​​​​​49.97 લાખનું દૂધ ભરાવ્યું
  • ​​​​​​​4.83 લાખનું દૂધ મે માં ભરાવ્યું
  • ​​​​​​​10420 લિટર દૂધ મે માં સ્વીકાર્યું
  • 5 લાખનો દંડ ફટકાર્યો
અન્ય સમાચારો પણ છે...