વેક્સિનેશન:મુદત વિત્યે 60 દી' થવા છતાં 9268એ રસીનો બીજો ડોઝ લીધો નથી

હિંમતનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠા જિલ્લામાં 1.07 લાખ લોકોએ રસી લીધી નથી, 11.12 લાખના રસીકરણ સામે 90.35 ટકાને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
  • ​​​​​​​બીજો ડોઝ ડ્યૂ હોય તેવા અને વેક્સિન ન લીધી હોય તેવા વ્યક્તિઓને શોધી આરોગ્ય વિભાગનાકર્મીઓ દ્વારા વેક્સિનેશન કરાઇ રહ્યું છે

સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અંદાજે 11.12 લાખના રસીકરણ લક્ષાંકની સામે 90.35 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. તે પૈકી 9268 લોકો એવા છે જેમને પ્રથમ ડોઝ લીધાની 84 દિવસની મુદત વિત્યે 60 દિવસ ઉપરાંત સમય થવા છતાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો નથી. આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર ફરીને આવા વ્યક્તિઓને શોધી બીજો ડોઝ આપવાની ઝૂંબેશ શરૂ કરાઇ છે.

જિલ્લામાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશન ઝૂંબેશ શરૂ કરાઇ છે અને 11,12,428 ના લક્ષાંકની સામે 1005115 ને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં સફળતા મળી છે તે પૈકી 6,84,736 વ્યક્તિઓને વેક્સિનનો બીજો ડોઝ પણ આપી દેવાયો છે. બીજો ડોઝ બાકી હોય તેવા 3,20,379 વ્યક્તિઓ પૈકી 9268 જણાં એવા છે

જેમના 84 દિવસની મુદત વિતી ગયે બે માસ ઉપરાંત સમય વિતી જવા છતાં વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. જેના અનુસંધાને આરોગ્ય વિભાગ દ્વારા ઝૂંબેશ શરૂ કરાઇ છે. જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. રાજેશ પટેલે જણાવ્યું કે ડોર ટુ ડોર વેક્સિનેશન ઝૂંબેશ શરૂ કરાઇ છે. બીજો ડોઝ ડ્યુ હોય તેવા અને વેક્સિન ન લીધી હોય તેવા વ્યક્તિઓને શોધી આરોગ્યકર્મીઓ દ્વારા વેક્સિનેશન કરાઇ રહ્યું છે.

બચાવ |લોકોએ ગાઇડલાઇનને અનુસરવુ જરૂરી
હાલની સ્થિતિ જોતાં કોરોનાનું નવું વેવ આવે કે સંક્રમણ ફેલાય તો પણ છેલ્લા વેવ જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના નહીવત છે. આરસીએચઓ ર્ડા. જયેશ પરમારે જણાવ્યું કે 90.35 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને કુલ લક્ષાંકના 61.55 ટકા લોકોને વેક્સિનના બે ડોઝ લાગી ચૂક્યા છે. તદ્પરાંત હવે ઓક્સિજન, દવાઓ, આઇસીયુ, બેડની સુવિધા વધારાઇ છે લોકોએ માત્ર કોરોના ગાઇડલાઇનને અનુસરવું જરૂરી છે.

18- 44 વયજૂથમાં 74.79 % લોકોએ પ્રથમ ડોઝ લીધો, 1.7 લાખ લોકોએ રસી લીધી નથી
આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર 45 વર્ષથી ઉપરના 6,00,349 તમામ નાગરિકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. પરંતુ 18 થી 44 વયજૂથમાં આવતા 6,85,735 યુવાનો પૈકી 74.79 ટકાએ જ પ્રથમ ડોઝ લીધો છે. 1.7 લાખ યુવાનોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવા જાગૃતિ દાખવવી જરૂરી બની રહી છે.

સાવચેતી |હજુ 10 દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે
દિવાળી પછી હિંમતનગર શહેરમાં 4 કેસ નોંધાયા છે. ર્ડા.એમ.એમ.સુરતીએ જણાવ્યું કે હજુ આવનારા 10 દિવસ મહત્વપૂર્ણ બની રહેનાર છે અને લોકોએ અત્યંત તકેદારી રાખવાની જરૂર છે. આગામી દસથી પંદર દિવસમાં કોરોના કેસમાં ઉછાળો નહીં આવે તો નવા વેવની સંભાવના નહિવત બની જશે અને કેસ વધશે તો સંક્રમણનો ફેલાવો પણ વધશે.

તબીબોની ચેતવણી|દિવાળીની રજાઓમાં બહાર ફરી અને આવેલા લોકો ચેપ લગાડવા માટે સક્ષમ
શહેરના તબીબોના જણાવ્યાનુસાર જિલ્લાજનોએ હજુ પણ સાવચેતી રાખવાની જરૂર છે વેક્સિન સુરક્ષા માટે આવશ્યક છે તો દિવાળીની રજાઓમાં બહાર ફરીને આવેલા લોકો અન્ય લોકોને સંક્રમિત કરવા પૂરેપૂરા સક્ષમ છે. આ સ્થિતિ ન સર્જાય તે માટે બહાર ફરીને આવેલા લોકોનું પણ સ્ક્રિનિંગ અને સર્વેલન્સ પણ એટલું જ જરૂરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...