કાઉન્સેલિંગ:9 સંતાનોએ વિધવા માતાને માર્યા, ભૂલ સમજાતાં માફી માંગી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠા જિલ્લા 181 કાઉન્સિલરના પ્રયાસોથી સંતાનો માફી માગી ઘરે લઇ ગયા

હિંમતનગરમાં 9 સંતાનોની માતાના પતિનું અવસાન થયા બાદ બાળકોની જાળવણી અને પરિવારનું ગુજરાન ચલાવવાની સમસ્યા મોઢું ફાડીને ઉભી રહેતા દેહ વ્યાપારના દોઝખમાં ધકેલાયેલ મહિલાને તેના જ સંતાનોએ માતાના ભૂતકાળની કર્ણોપકર્ણ જાણ થતાં માર મારવા સહિત અપશબ્દો બોલી ત્રાસ ગુજારવાના કિસ્સામાં 181ના કાઉન્સિલરના પ્રયાસોથી સંતાનોને ભૂલ સમજાતાં પસ્તાવાના એહસાસ સાથે માતાની માફી માંગી સ્વગૃહે લઈ ગયા હતા.

181 અભયમના સુરેખાબેન મકવાણાએ વિગત આપતાં જણાવ્યું કે અમારી ટીમને એક નિરાધાર વિધવા મળી આવતાં તેનુ કાઉન્સેલિંગ કરવા દરમિયાન જાણવા મળ્યું હતું કે તેના નવ બાળકો છે જે હાલમાં મોટા અને સક્ષમ થઇ ગયા છે અને તેના પતિનુ દારૂ પીવાની ખરાબ આદતને પગલે અગાઉ મોત નીપજી ચૂક્યુ હતું. તથા રહેવા માટે મકાન પણ નથી જેથી રોડ પર ઝૂંપડી બાંધી બાળકો સાથે રહેતા હતા. પતિના મોત બાદ પોતાનું અને પોતાના બાળકોનું ભરણ પોષણ કરવાની જવાબદારી તેમના શીરે આવતાં તેમણે ઇંડાની લારી પણ ચલાવવાની શરૂઆત કરી હતી.

પરંતુ તેમાં પણ તેમના પરિવારનું ભરણ પોષણ ચાલતું ન હોવાથી તેમને મજબૂરીમાં પોતાના દેહવ્યાપારનો ધંધો અપનાવ્યો હતો અને જીવન જીવી રહ્યા હતા. પરંતુ આજે તેમના એજ દીકરાઓ - દીકરીઓ મા ને ધિક્કારી રહ્યા છે અને પોતાની મનમાની મુજબ કરી રહ્યા છે. પોતાની માતાને ખરાબ અને પોલીસના હવાલે કરી દો તેમજ અપશબ્દો બોલી માર મારે છે. વિધવા મહિલાના જણાવ્યાનુસાર જ્યારે તેમણે દેહવ્યાપાર કર્યો ત્યારે એટલુ દુ:ખ થયું ન હતું જેટલુ તેમના બાળકો મોટા થઇને ગાળો બોલી રહ્યા છે અને ધિક્કારી રહ્યા છે ત્યારે થઇ રહ્યુ છે.

જેથી 181 અભયમની મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા વિધવાના નવ બાળકો જે આજે મોટા અને સક્ષમ થઇ ગયા છે અને માતાને સાચવવાની જવાબદારીથી ભાગી રહ્યા છે જેમને મોટા કરવા માતા એ સારૂ ખોટુ જોયા વગર દેહવ્યાપારનો માર્ગ અપનાવ્યો તેમને બોલાવીને તેમનુ કાઉન્સેલિંગ કરી તેમની માતાએ મજબૂરીના કારણે તેમને જે તે સમયે જે યોગ્ય લાગ્યું પોતાના બાળકોના ભરણ પોષણ માટે કર્યું તેમ સમજાવતા બધા જ બાળકોને પોતાનું ભૂલ સમજાઇ હતી અને માતાને હાથ જોડી માફી માંગી હતી. તેમજ માતાને કોઇ પણ પ્રકારનુ દુ:ખ નહી પડવા દઇએ તેમ જણાવી સાથે લઇ આખી 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...