આયોજન:84 દિવસ પૂરા કરનારા 60 વર્ષથી ઉપરના 7937 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવા કેમ્પ કરાશે

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંંઠા જિલ્લા આરોગ્ય વિભાગ યાદી તૈયાર કરી મહોલ્લાવાર વેક્સિનેશન કરશે
  • જિલ્લામાં​​​​​​​ 60 ઉપર વયજૂથમાં 102 ટકાને પ્રથમ ડોઝ, 75.55 ટકાએ વેક્સિનનો બીજો ડોઝ લીધો

સાબરકાંઠા જિલ્લામાં 60 વર્ષથી ઉપરના પોણા બે લાખ નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયા બાદ 84 દિવસ પૂરા કરનાર 7937 નાગરિકો અગમ્ય કારણોસર બીજો ડોઝ લેવા ન આવતાં કે ન લઇ શકતાં આરોગ્ય વિભાગ દ્વારા યાદી તૈયાર કરી ક્લસ્ટર વાઇઝ તમામનો સંપર્ક કરી બીજો ડોઝ આપવા ખાસ ઝૂંબેશ ચાલુ કરી કેમ્પ કરી રસી અપાશે. જિલ્લામાં 60 ઉપર વયજૂથમાં 102 ટકાને પ્રથમ ડોઝ, 75.55 ટકાએ વેક્સિનનો બીજો ડોઝ લઇ લીધો છે.

16 જાન્યુઆરીથી સા.કાં. જિલ્લામાં હેલ્થવર્કરને વેક્સિન અપાયા બાદ ફ્રન્ટલાઇન વર્કર અને ત્યારબાદ 60 કે તેથી ઉપરની વયના નાગરિકોને વેક્સિન આપવાનુ શરૂ કરાયુ હતું. આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા સાડા સાત મહિના દરમિયાન 60 કે 60 થી ઉપરની વયજૂથમાં 1,73,656 ના લક્ષ્યાંક સામે 1,78,273 નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે અને તે પૈકી 75.55 ટકા એટલે કે 134681 નાગરિકોને બીજો ડોઝ અપાયો છે પ્રથમ ડોઝ લઇ લેનાર 60 વર્ષથી ઉપરના 1,78,273 નાગરિકો પૈકી 7937 નાગરિકોને 84 દિવસ ઉપરાંત સમય વિતી જવા છતાં બીજો ડોઝ લીધો નથી અથવા આપી શકાયો નથી.

સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગના આરસીએચઓ ર્ડા. જયેશ પરમારે જણાવ્યું કે 84 દિવસ પૂર્ણ કરનાર વરીષ્ઠ નાગરિકોની યાદી તૈયાર કરાઇ રહી છે અને પૂર્ણતાને આરે છે જે કલસ્ટર વાઇઝ આરોગ્યકર્મીઓને આપી તેમનો રૂબરૂ સંપર્ક કરી મહોલ્લાવાર મેગા વેક્સિનેશન કેમ્પ કરવા તજવીજ હાથ ધરાઇ છે. તેમણે વધુ વિગત આપતાં જણાવ્યુ કે 97.52 ટકા હેલ્થવર્કર, 97.25 ટકા ફ્રન્ટલાઇન વર્કર, 60 કે તેથી વધુ વયજૂથમાં 75.55 ટકા, 45 થી 59 વય જૂથમાં 65.60 ટકા અને 18 થી 44 વયજૂથમાં 32.02 ટકાને વેક્સિનનો બીજો ડોઝ અપાઇ ચૂક્યો છે અને એકંદરે 4.78 લાખ જિલ્લાજનોને બીજો ડોઝ 84 દિવસ પૂરા થતાં જશે તેમ તેમ આપવાની કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...