રવી પાકનું વાવેતર:સાબરકાંઠામાં રવી પાકનું 7 ટકા વાવેતર,પાણીની અછતને પગલે શિયાળું વાવેતર ઘટવાની ધારણા

હિંમતનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરેરાશ 1.27 લાખ હેક્ટરમાં શિયાળુ વાવેતર થાય છે, માત્ર 9237 હે.માં વાવેતર થયું

સા.કાં. જિલ્લામાં ચાલુ વર્ષે રવિપાક માટે માત્ર 7 ટકા વાવેતર થયું છે અને જિલ્લાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં સિંચાઇના પાણીની અછત હોવાને પગલે સરેરાશ 1.27 લાખ હેક્ટરમાં થતા શિયાળુ વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. દિવાળી બાદ સિંચાઇની સુવિધા ધરાવતા ખેડૂતોએ બટાકા, ઘઉ, કઠોળ, રાઇ સહિતના રવિ પાકોનુ વાવેતર શરૂ કરી દીધુ છે.

સાબરકાંઠા જિલ્લામાં પ્રતિવર્ષ સરેરાશ 127713 હેક્ટરમાં શિયાળુ વાવેતર થાય છે અને મોટા ભાગે દિવાળી બાદ વાવેતર શરૂ થઇ જતુ હોય છે પરંતુ ચાલુ વર્ષે ખેતીવાડી સૂત્રોના જણાવ્યાનુસાર અત્યાર સુધીમાં માત્ર 9237 હેક્ટરમાં એટલે કે 7.48 ટકા વાવેતર થયું છે.

મળતી વિગતો અનુસાર કપાસ સિવાયની મોટાભાગની ખરીફ જણસો ખેતરમાંથી લઇ લેવાઇ છે અને ઘઉં, મકાઇ, રાયડો, બટાકા ચણા, શાકભાજી સહિતના શિયાળુ પાકનું વાવેતર શરૂ થયુ છે. જિલ્લામાં ઘઉં, રાયડો અને બટાકાનુ શિળાયામાં મુખ્યત્વે વાવેતર થતુ હોય છે. હિંમતનગરમાં 35400 અને ઇડરમાં 25194 હેક્ટરમાં શિયાળુ વાવેતર થાય છે તેની સામે બંને તાલુકામાં કુલ 1983 હેક્ટરમાં વાવેતર થયું છે. જિલ્લામાં કુલ 9237 હેક્ટરમાં વાવેતર થયું છે તે પૈકી 2693 હેક્ટરમાં ઘઉ અને 2477 હેક્ટરમાં બટાકા તથા 1059 હેક્ટરમાં શાકભાજી અને 657 હેક્ટરમાં ઘાસચારાનુ વાવેતર થયું છે.

જિલ્લાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના તાલુકામાં ઉત્તર - પશ્વિમ વિસ્તારોમાં સિંચાઇના પાણીની સમસ્યા મોઢુ ફાડીને ઉભી છે. વાવણી માટે પાણી છોડાય તેની રાહ જોવાઇ રહી છે ભૂગર્ભ જળસ્તર ચિંતાજનક હદે નીચા ઉતરી ગયા છે જેને કારણે ચાલુ વર્ષે શિયાળુ જળસ્તર ચિંતાજનક હદે નીચા ઉતરી ગયા છે જેને કારણે ચાલુ વર્ષે શિયાળુ વાવેતરમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.

કપાસના ઉંચા ભાવને પગલે સહકારી જીનોની ખરીદી બંધ
હાલમાં કપાસના ઉંચા ભાવ ચાલી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર અને ઇડરમાં કપાસની મોટાપાયે ખરીદી થાય છે પરંતુ ચાલુ વર્ષે કપાસની ખરીદી લગભગ ઠપ થઇ છે. હિંમતનગર સહકારી જીનના મેનેજર શૈલેષભાઇ એ જણાવ્યુ કે હાલમાં કપાસના ભાવ ઘણા ઉંચા છે ખરીદી બંધ છે ઇડર યાર્ડના ઇન્દ્રજીતસિંહ ચંપાવતે જણાવ્યુ કે કપાસનુ વાવેતર ઓછુ થયું છે સ્થાનિક જીનર્સ અને વેપારીઓને ભાવ પરવડે તેવા નથી. જાદરમાં કપાસની ખરીદી થઇ રહી છે નોંધનીય છે કે પશ્ચિમ વિસ્તારના ખેડૂતો વિજાપુર અને વિસનગરનું બજાર મોટું હોવાથી ત્યાં જઇ રહ્યા હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...