રામનવમી હુમલા કેસ:હિંમતનગર શહેરના છાપરિયા વિસ્તારમાં રવિવારના તોફાન બાદ 7 પરિવારોનું પલાયન, બે ભાડુઆતે મકાન ખાલી કર્યા

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરના હસનનગર વણઝારાવાસમાં સુરક્ષા બંદોબસ્ત યથાવત - Divya Bhaskar
હિંમતનગરના હસનનગર વણઝારાવાસમાં સુરક્ષા બંદોબસ્ત યથાવત
  • 7 પરિવારો પૈકી 3 પરિવારો દિવસે આવે છે અને રાત્રે પરિચિત-સંબંધીને ઘેર જતા રહે છે
  • રામનવમી હુમલા કેસમાં વધુ 5 ની અટક

રામનવમીના દિવસે હિંમતનગર શહેરના છાપરીયા વિસ્તારમાં શોભાયાત્રા દરમિયાન અસામાજીક તત્વોએ પલીતો ચાંપ્યા બાદ બહારથી દોરી સંચારની તમામ સંભાવનાઓનો પોલીસ દ્વારા હાલના તબક્કે ઇન્કાર કરાઈ રહ્યો છે. પરંતુ લઘુમતી વિસ્તાર અને રામજી મંદિર વચ્ચેના ભાગમાં રહેતા વધુ બે હિન્દુ ભાડુઆત પરિવારોએ પલાયન કર્યું છે. જ્યારે પોલીસે આ હુમલા પ્રકરણમાં વધુ 5 આરોપીની અટકાયત કરી છે.

ડર નો માહોલ પ્રવર્તી રહ્યો હોવાથી આ વિસ્તારના બે ભાડુઆત પરિવારોએ અન્યત્ર પલાયન કર્યું છે.
ડર નો માહોલ પ્રવર્તી રહ્યો હોવાથી આ વિસ્તારના બે ભાડુઆત પરિવારોએ અન્યત્ર પલાયન કર્યું છે.

કોમી હુતાશણથી વિસ્તારમાં ભય અને ડરનો માહોલ
છાપરીયામાં કડીયાવાસમાં રામજી મંદિર છે તેની બાજુમાં પ્રજાપતિ વાસ છે અને ત્યારબાદ કસ્બા-લઘુમતી વિસ્તાર ચાલુ થાય છે. રવિવારે કોમી હુતાશણ થયા બાદ 7 પરિવારો સ્થળાંતર કરી ગયા હતા તે પૈકી ત્રણ પરિવારો દિવસે આવે છે અને રાત્રે પરિચિત-સંબંધીને ઘેર જતા રહે છે. આ વિસ્તારમાં ભય અને ડરનો માહોલ છે શાકભાજી સહિતના છૂટક વેચાણ માટે ફરતા લારી-ફેરિયાઓને પણ ધમકાવાઇ રહ્યા છે.

અસુરક્ષાનાં માહોલને કારણે લોકો ઘર છોડવાં મજબૂર
આ વિસ્તારમાં ભાડેથી રહેતા ધનેસિંગ પનસિંગ રાજપુત બુધવારે મકાન ખાલી કરીને બીજે ભાડેથી રહેવા જતા રહ્યા છે તેમણે જણાવ્યું કે માહોલ બહુ ખરાબ છે પરિવાર સાથે રહી શકાય તેમ નથી થોડા અરસા અગાઉ પાંચ લાખથી વધુ મત્તાની ઘરફોડ પણ થઈ હતી. કૈલાશ મંડપ સર્વિસ નો વ્યવસાય કરતાં રાહુલભાઈ રતિલાલ મેઘાએ જણાવ્યું કે મકાનમાં ઉપર-નીચે ગાદલા, ખુરશી સહિતનો સામાન ભરેલો હતો જે રીતે ચર્ચાઓ થઈ રહી છે તે જોતાં ગમે ત્યારે આગજની કે હુમલો થવાની સ્થિતિમાં અસુરક્ષા અનુભવાઇ રહી છે એટલે ખાલી કર્યું.

હવે અસુરક્ષાનો માહોલ પ્રવર્તી રહ્યો છે.....
ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ મુકેશભાઇ કેશાભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે રામજી મંદિર, રેપડી માતાનું મંદિર, પ્રજાપતિ વાસને સુરક્ષિત કરવા પ્રોટેકશન વોલ સહિત કાયમી પોલીસ ચોકીની જરૂર છે અગાઉ પોલીસ ચોકી હતી જ પરંતુ હટાવી લેવાઈ હતી હવે અસુરક્ષાનો માહોલ પ્રવર્તી રહ્યો છે ત્યારે આ જરૂરી બની રહ્યુ છે.

રિમાન્ડ દરમિયાન વધુ 5 આરોપીની ઓળખ કરાઇ
હિંમતનગર શહેરમાં થયેલ તોફાનો મામલે તપાસ કરી રહેલ સાયબરસેલ પી.આઇ. જે.એ. રાઠવાએ જણાવ્યું કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના આરોપીઓને રિમાન્ડ દરમિયાન ફૂટેજ બતાવીને ઓળખ કરી વધુ 5 આરોપીઓની અટકાયત કરાઇ છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી તમામ સંભાવનાઓ ચકાસાઇ રહી છે.

નિષ્પક્ષ તપાસ કરવા બે કોંગી ધારાસભ્યોની માંગ
બુધવારે બપોરે અમદાવાદના કોંગી ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા અને જમીયતે ઉલેમા હિંદના પ્રમુખ મુફતી અબ્દુલ કય્યુમ એડવોકેટ ખાલીદ શેખ, હાફીઝ શીફા વગેરેનું ડેલીગેશન શહેરના છાપરીયા સહિતના લઘુમતિ વિસ્તારોમાં ફરતા તમામ એજન્સીઓ હરકતમાં આવી ગઇ હતી અને સ્થાનિક લઘુમતિ અગ્રણીઓ સાથે ગુફતેગુ કરી સા.કાં. એસપીને મળી નિષ્પક્ષ તપાસ કરી ષડયંત્રકારીઓને ખુલ્લા કરવા તથા નિર્દોષ લોકો કાયદાના ઘર્ષણમાં ન આવે તેની તકેદારી રાખવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...