તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:સાબરકાંઠામાં છેલ્લા 11 દિવસમાં 58 કોરોના કેસ

હિંમતનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લાની બંધ ખાનગી કોવિડ  હોસ્પિટલ ફરી ખોલાઈ - Divya Bhaskar
જિલ્લાની બંધ ખાનગી કોવિડ હોસ્પિટલ ફરી ખોલાઈ
  • શનિવારે 8 પોઝિટિવ : હિંમતનગરમાં 4, ખેડબ્રહ્મા અને ઇડરમાં બબ્બે કેસ, હાલમાં જિલ્લામાં 42 એક્ટિવ કેસ
  • જાન્યુઆરી બાદ બંધ ખાનગી કોવિદ હોસ્પિટલ ખુલી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભીડ એકઠી થતાં સંક્રમણ વધ્યાનું અનુમાન

સાબરકાંઠા જિલ્લામાં શનિવારે વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં હિંમતનગરમાં 4, ખેડબ્રહ્મા અને ઇડરમાં બબ્બે વ્યક્તિ સંક્રમિત થતા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં ચિત્રકુટ સોસાયટીમાં 60 વર્ષિય મહિલા, શિવનગર સોસાયટીમાં 40 વર્ષિય પુરૂષ, તીરૂપતિ બંગ્લોજમાં 51 વર્ષિય મહિલા, પંચામૃત સોસાયટીમાં 55 વર્ષિય પુરૂષ, ખેડબ્રહ્મામાં ભક્તિનગરમાં 37 વર્ષિય પુરૂષ, કે.ટી. હાઇસ્કુલ પાસે 28 વર્ષિય પુરૂષ, ઇડરમાં બડોલી ગામમાં 39 વર્ષિય પુરૂષ, લાલ પુર ગામમાં 58 વર્ષિય મહિલાનો કોવિડ - 19નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

દિવાળી બાદ નબળો પડેલા કોરોનાએ ફેબ્રુઆરી માસમાં ધીમે ધીમે સંક્રમણ વધારતા પ્રતિદિન સરેરાશ 5 નવા કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા એક માસમાં 110 દર્દીઓને રજા આપવા છતાં 124 નવા કેસ નોંધાતા એક્ટીવ કેસની સંખ્યા 27થી વધીને 42 સુધી પહોંચી ગઇ છે. તાજેતરમાં યોજાયેલ સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં રાજકીય પક્ષોએ ટોળા એકત્ર કરતા કોરોનાએ ફરીથી માથુ ઉંચક્યુ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.

સાબરકાંઠા જિલ્લામાં જાન્યુઆરી માસમાં કોરોના નબળો પડતા માંડ બે - ત્રણ કેસ નોંધાઇ રહ્યા હતા અને ખાનગી કોવીડ-19 હોસ્પિટલો પણ બંધ થવા માંડી હતી અને એક માસ અગાઉ તા.04/02/21 ના રોજ સમગ્ર જિલ્લામાં માંડ 27 એક્ટીવ કેસ હતા. જેને પગલે જિલ્લામાંથી કોરોનાના વળતા પાણી થયાનુ માનવામાં આવી રહ્યુ હતુ અને રાહતનો અનુભવ થયો હતો, દરમિયાનમાં સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીઓ જાહેર થતા અને લોકોમાં બેદરકારીનો પ્રવેશ થતા રાજકીય પક્ષો દ્વારા એકત્ર કરવામાં આવી રહેલ ટોળા જોઇ તબીબી આલમ પણ ચિંતામાં હતો અને ફેબ્રુઆરીના અંતમાં કોરોના દર્દીઓની સંખ્યા વધવાની દહેશત પેદા થઇ હતી જેને પગલે બંધ કરેલ ખાનગી કોવિડ-19 હોસ્પિટલોએ પણ 15 ફેબ્રુઆરીથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહીતી અનુસાર ગત તા. 04/02/21 ના રોજ જિલ્લામાં કુલ 2075 દર્દી નોંધાયા હતા તે પૈકી 12 મોત અને 2036 કોરોનાના દર્દીને રજા અપાઇ હતી તથા સમગ્ર જિલ્લામાં માત્ર 27 એક્ટીવ કેસ હતા. ત્યારબાદ દસ દસ દિવસે 33,41 અને છેલ્લા દસ દિવસમાં 50 કેસ નોંધાયા હતા. 14 ફેબ્રુઆરીએ પણ એક્ટીવ કેસની સંખ્યા 27 હતી, પરંતુ જેમ જેમ ચૂંટણીનો માહોલ વધતો ગયો સંક્રમણ પણ વધતુ ગયુ અને છેલ્લા 21 દિવસમાં 78 દર્દીઓને રજા આપવામાં આવી હોવા છતાં 91 નવા દર્દી સંક્રમિત થતા એક્ટીવ કેસની સંખ્યા 41 સુધી પહોંચી ગઇ છે. રીકવર થનાર કેસની સંખ્યા ઘટી રહી છે અને કોરોનાના નવા કેસની સંખ્યા વધી રહી છે જે ચિંતાનો વિષય છે જોકે, આરોગ્ય વિભાગ દ્વારા સ્થિતિ વણસી ન હોવાનો દાવો કરાઇ રહ્યો છે.

જિલ્લાની હિંમતનગર અને ઈડર સરકારી કોવિદ હોસ્પિટલ ઉપરાંત હિંમતનગરની સંજીવની હોસ્પિટલ, હોપ હોસ્પિટલ, અભિગમ હોસ્પિટલ, ક્યોર એન કેર, મેડિસ્ટાર હોસ્પિટલ, ઈડરની લાઈફ લાઈન હોસ્પિટલો કોરોના કેસ વધતાં ફરી શરૂ કરવામાં આવી છે. જેમાં દર્દીઓને સારવાર અપાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...