ઓફલાઇન શિક્ષણ શરૂ:પ્રથમ દિવસે અરવલ્લીમાં 57%-સાબરકાંઠામાં 40% ધો. 1-5ના છાત્રો હાજર

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોડાસાની કલરવ શાળા બાળકોના કલરવથી શાળા સંકુલ ગુંજી ઉઠી હતી - Divya Bhaskar
મોડાસાની કલરવ શાળા બાળકોના કલરવથી શાળા સંકુલ ગુંજી ઉઠી હતી
  • 20 માસ બાદ ધો-1 થી 5 માં ઓફલાઇન શિક્ષણ શરૂ, અરવલ્લીમાં ધો. 6 થી 8 માં 76 % હાજરી

રાજ્યના શિક્ષણ મંત્રીએ રવિવારે ધો-1 થી 5 માં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ સાંજે શિક્ષણાધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સીંગથી બેઠક કરી સોમવારે તા.22-11-21 થી ધો-1 થી 5 નું ઓફલાઇન શિક્ષણકાર્ય કોરોના ગાઇડલાઇનના અમલ સાથે શરૂ કરવા સૂચના આપ્યા બાદ સોમવારે પ્રથમ દિવસે સાબરકાંઠા જિલ્લામાં 40 ટકાની હાજરી સાથે શિક્ષણકાર્યનો પ્રારંભ થયાનું શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. શિક્ષણ વિભાગ દ્વારા તા. 22 નવેમ્બરથી ધોરણ 1 થી 5 ના રાબેતા મુજબ શૈક્ષણિક વર્ગો શરૂ કરતાં સોમવારે અરવલ્લી જિલ્લામાં 63% બાળકોની સંખ્યા હાજર રહી હોવાનું નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી સમીરભાઈ પટેલે જણાવ્યું હતું. જિલ્લામાં લાંબા સમયગાળા બાદ પ્રત્યક્ષ શિક્ષણ વર્ગો શરૂ થતા શાળાના સંકુલો બાળકોના કલરવથી ગૂંજી ઉઠ્યા હતા. જેમાં પ્રથમ દિવસે ધો. 1 થી 5 માં 57 ટકા અને ધો. 6 થી 8 માં 76 ટકા છાત્રો હાજર રહ્યા હતા.

20 મહિના બાદ ધો-1 થી 5 માં ઓફલાઇન શિક્ષણ શરૂ કરાયું છે. અગાઉ સપ્ટેમ્બર માસમાં ધો-6 થી 8 નું ઓફલાઇન શિક્ષણ કાર્ય ચાલુ થઇ ચૂક્યુ છે. શિક્ષણમંત્રીએ રવિવારે ધો-1 થી 5 માં ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ કરવા જાહેરાત કર્યા બાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ઓફલાઇન શિક્ષણ માટે સરકારી શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ અને ખાનગી શાળાઓને કોરોના ગાઇડલાઇન મુજબ ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ કરવા સૂચના અપાઇ હતી. દોઢ વર્ષ બાદ નાના ભૂલકાઓ શાળા માટે પહોંચતા એકંદરે નવો જ અનુભવ કર્યો હતો. કેટલાક વાલીઓ હજુ પણ અવઢવમાં છે. શિક્ષણ મંત્રીએ રાતોરાત ધો-1 થી 5 માં ઓફલાઇન શિક્ષણની જાહેરાત કર્યા બાદ શિક્ષણાધિકારીઓએ આચાર્યો, સંચાલકોને જાણ કરતા વાલીઓને સોમવારે સવારથી ઓફલાઇન શિક્ષણ ચાલુ થવાના અને સંમતિ પત્રો મોકલવાના મેસેજ મળ્યા હતા. પ્રથમ દિવસે પાંખી હાજરી રહેવા પાછળ આ સૌથી મોટુ પરિબળ બની રહ્યુ હતું.

અરવલ્લીમાં સરકારી અને ખાનગી સ્કૂલોમાં ધો. ૧ થી ૫ માં ૧.૧૦ લાખ છાત્રો અભ્યાસ કરે છે. જિલ્લામાં ધો.1 થી 8 માં કુલ ૧.૬૦ લાખ છાત્રો અભ્યાસ કરે છે. ત્યારે જિલ્લાની ૧૧૫૦ ઉપરાંત સરકારી અને ખાનગી સ્કૂલોમાં સોમવારથી શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરાતાં પ્રત્યક્ષ શિક્ષણનો શુભારંભ કરાયો હતો. જિલ્લાની સ્કૂલોમાં ધોરણ ૧ થી ૫ માં 57 ટકા અને ધોરણ 6 થી 8 માં 76 % સંખ્યા હાજર રહી હતી.

બાળક સંક્રમિત થાય તો કોની જવાબદારી
વાલી રમેશભાઇ મકવાણાએ જણાવ્યું કે બાળક સંક્રમિત થાય તો સરકાર કે સંચાલક જવાબદારી લેશે ? ફરીથી કોરોનાના કેસ ચાલુ થયા છે ત્યારે સંચાલકોનું હિત જાળવવા ઉતાવળ કરાઇ છે હજુ અમે રાહ જોઇશુ.

પ્રથમ દિવસે 40 % છાત્રો શાળાએ આવ્યા
સાબરકાંઠા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદભાઇ ચૌધરીએ જણાવ્યું કે સરકારી શાળાના ધો-1 થી 5 ના 1,12,214, ગ્રાન્ટેડ શાળાના 9314 અને ખાનગી શાળાના 8643 વિદ્યાર્થીઓની 50 ટકા હાજરી અને ગાઇડલાઇનના અમલ સાથે ઓફલાઇન શિક્ષણ શરૂ કરાયું છે. પ્રથમ દિવસે 26 હજારથી વધુ એટલે કે 40 ટકા વિદ્યાર્થીઓએ ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...