હિંમતનગર જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં સોમવારે 30 વિદ્યાર્થીના સાગમટે વીડાલ - પોઝિટિવ રિપોર્ટ આવતાં સિવિલ પ્રશાસનમાં હડકંપ મચી જવા પામ્યો હતો. સિવિલ સંકુલમાં ગટરની લાઈન અને પીવાના પાણીની લાઈન ભેગી થઈ જતાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ટાઇફોઇડ થવાની ચર્ચાએ જોર પકડવા વચ્ચે સિવિલ પ્રશાસન દ્વારા આ થિયરીને નકારાઇ રહી છે અને સમગ્ર પ્રકરણની તપાસ પ્રીવેન્ટીવ સોશિયલ મેડિસિન પીએસએમને સોંપાઇ છે.
મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને એકસાથે પેટમાં દુ:ખાવા સહિતની ફરિયાદો ઊભી થતા સિવિલમાં તેમના સેમ્પલ લઇને સંભવિત ટાઇફોઇડ માટે વીડાલ ટેસ્ટ કરાયા હતા. જેમાં 30 વિદ્યાર્થીઓનો એક સાથે વીડાલ - પોઝિટિવ રિપોર્ટ આવતાં સિવિલ પ્રશાશન દોડતું થઇ ગયું હતું અને આક્ષેપ પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા હતા.
વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થઇ રહેલ કેફિયત અનુસાર કેટલાક દિવસથી આર.ઓ. બંધ હતો. અને ગટર લાઈન અને પીવાના પાણીની લાઇન એક થઈ જતાં દૂષિત પાણીનું સેવન કરતા આ સ્થિતિ સર્જાઈ હતી. બિન- આરોગ્યપ્રદ પાણી અને ખોરાકના સેવનથી થતાં આ રોગને કારણે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અને રેસીડેન્ટ ક્વાર્ટર્સમાં રહેતા લોકોમાં પણ દહેશત જોવા મળી રહી છે.
સમગ્ર મામલાની તપાસ પીએસએમને સોંપાઈ છે
સિવિલ સુપ્રિટેન્ડન્ટ આશિષ કટારકરે જણાવ્યું કે ટાઇફોઇડ બિન આરોગ્યપ્રદ ખોરાક અને પાણીથી થઇ શકે છે. આ કિસ્સામાં ગટર લાઈન અને પીવાના પાણીની લાઈન ભેગી થઈ ગઈ હોય તેવુ ધ્યાન પર આવ્યું નથી. હોસ્ટેલમાં 800 થી વધુ વિદ્યાર્થી રહે છે.
ગંદા પાણીથી થયું હોત તો આ સંખ્યા વધુ હોત પરંતુ આ ગંભીર બાબત હોઇ પ્રીવેન્ટીવ સોશિયલ મેડિસિન - પીએસએમને તપાસ સોંપાઈ છે. હાલમાં બહારના અખાદ્ય ફૂડથી આવું થયું હોય તેવું જણાય છે. તેમણે ઉમેર્યું કે દૂષિત પદાર્થના સેવન પછી આઠથી દસ દિવસે ટાઇફોઇડની અસર દેખાય છે.
20 વિદ્યાર્થીને એડમિટ કર્યા , 10 ને રજા અપાઈ
હિંમતનગર સિવિલના આરએમઓ ડો. એન.એમ.શાહે જણાવ્યું કે 30 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી 20 ને એડમીટ કર્યા છે અને 10 વિદ્યાર્થીઓને ઘેર જવું હોય તો પરવાનગી અપાઇ છે. સારવાર હેઠળ વિદ્યાર્થીઓ સ્ટેબલ છે અને એકાદ-બે દિવસમાં રજા અપાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.