દુર્ઘટના:ઇડરમાં 2 અને ખેડબ્રહ્મામાં સવા ઇંચ વરસાદ ઊંઝા-વાવ તાલુકામાં વીજળી પડતાં 3નાં મોત

હિંમતનગર,મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાબરકાંઠામાં 10 દિવસથી સતત વરસાદ છતાં 40 %ની ઘટ, સરેરાશ અડધાથી 2 ઇંચ વરસાદ
  • મોડાસાના જૂનાવડવાસામાં વીજળી પડતાં બે પશુનાં મોત, ઉ. ગુ.ના 34 તાલુકામાં પોણા બે ઇંચ સુધીવરસાદ

સાબરકાંઠા જિલ્લાના ચાર તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન અડધાથી બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે 4 તાલુકામાં વરસાદ થયો ન હતો. છેલ્લા દસેક દિવસથી સતત વરસાદ છતાં જિલ્લામાં મોસમની સરેરાશ 40 ટકા ઘટ પ્રર્વતી રહી છે. ઇડરમાં 2 અને ખેડબ્રહ્મામાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો. ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને અરબી સમુદ્રમાં રચાયેલા બે લો-પ્રેશર અને બે સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં શુક્રવાર સાંજથી વરસાદી માહોલ સર્જાતાં શનિવાર સાંજે 6 વાગ્યા સુધીમાં 34 તાલુકામાં હળવાથી પોણા બે ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો હતો.

જેમાં પાટણ અને જોટાણામાં 1.50 ઇંચ, સરસ્વતી, લાખણી, ખેડબ્રહ્મા અને હિંમતનગરમાં 1.25 ઇંચથી સામાન્ય વધુ, સિદ્ધપુર, મહેસાણા, વિસનગર અને ઊંઝામાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો હતો. ઊંઝાના ઉપેરાના પૂર્વ સરપંચ બાબુભાઇ અે.પટેલે જણાવ્યું કે, ગામના મંદિરે ઉજવણી ચાલી રહી હતી. બપોરે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. વરસાદથી બચવા લોકો મંદિરમાં તેમજ કેટલાક લોકો નજીકમાં લીમડાના વૃક્ષ નીચે શરણ લીધી હતી.

દરમિયાન લીંમડાના વૃક્ષ પર વીજળી પડતાં નીચે ઉભેલા જીતેન્દ્રકુમાર પી. પ્રજાપતિ (40) (રહે.સિદ્ધપુર) અને સનિલકુમાર ડી.ઠાકોર (17)(રહે.ઉપેરા) ઉપર વીજળી પડતાં બંનેનું મોત થયું હતું. જ્યારે રાહુલજી અેસ.ઠાકોર (17)(રહે.ઉપેરા) ને ગંભીર ઇજા પહોંચી હતી. બીજી બાજુ વાવના માડકા ગામની સીમમાં બપોરના સમયે વીજળી પડતાં સંગીતાબેન ધેગાજી રાજપૂત (18)નું મોત નિપજ્યું હતું.

મોડાસાના જૂનાવડવાસામાં શનિવાર મોડી સાંજે વરસાદ સાથે અચાનક વીજળી ત્રાટકતા વૃક્ષ નીચે બાંધેલી એક ગાય અને એક ભેંસના મોત થતાં માધુસિંહ ચૌહાણ પરિવારમાં શોકની કાલિમા છવાઇ ગઇ હતી. સા.કાં.માં અત્યાર સુધીમાં મોસમનો 59.49 % વરસાદ નોંધાયો છે. 24 કલાક દરમિયાન જિલ્લામાં અડધાથી બે ઇંચ વરસાદ નોંધાયો હતો. વિજયનગર તાલુકામાં સૌથી વધુ 74.61 ટકા અને ખેડબ્રહ્મા તાલુકામાં સૌથી ઓછો 48.68 ટકા વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની અાગાહી મુજબ, રવિવાર સવારે 8.30 થી સોમવાર સવારે 8.30 કલાક સુધીના 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં 4.25 ઇંચ સુધીનો ભારે વરસાદની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...