પ્રાચિન સંસ્કૃતિ:શામળાજી પાસેના દેવની મોરીને વૈશ્વિક "બૌદ્ધતીર્થ' તરીકે વિકસાવાનો 1200 કરોડનો પ્રોજેક્ટ ભૂલાયો

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • થાઇલેન્ડ જેવું ભવ્ય બૌદ્ધમંદિર બનાવવાનું હતું આયોજન
  • જાપાન સરકારના સહયોગથી 351 ફૂટ ઊંચો બૌદ્ધસ્થંભ અને 151 ફૂટ ઊંચી ભગવાન બૌદ્ધની મૂર્તિ બનાવવાની છે

સમગ્ર વિશ્વમાં 5 જગ્યાએ ભગવાન બુદ્ધના અવશેષો મળી આવ્યા છે, તે પૈકી સાબરકાંઠાના શામળાજી પાસે આવેલા દેવની મોરી પણ એક છે. અહીંથી એક દાબડામાં ભગવાન બુદ્ધનો દાંત સાચવી રાખેલ કાસ્કેટ-પથ્થરનો દાબડો મળવાની બીના આ વિસ્તારમાં બૌદ્ધધર્મ પ્રચલિત હોવાનો સૌથી મોટો પુરાવો છે. શામળાજી પાસે દેવની મોરી ગામે 1960માં મેશ્વો ડેમનું ખોદકામ ચાલતું હતું, તે દરમિયાન ભગવાન બુદ્ધના દાંત સાથેના જડબાનો કેટલોક ભાગ અને મૂર્તિઓ મળી આવી હતી.

આ અવશેષોની પુરાતત્વ વિભાગ દ્વારા ખરાઈ કરાઇ હતી અને દલાઈ લામા સહિતના બૌદ્ધ સંતોએ પણ તેની પુષ્ટિ કરી ત્યારથી સમયાંતરે બૌદ્ધ સંતો પણ આ સ્થાન પર આવતા રહ્યા છે. સને 2013માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ સ્થાનને વિકસિત કરવા અને બૌદ્ધતીર્થ બનાવવા જાહેરાત કરી હતી.

જાપાન સરકારના સહયોગથી આ સ્થાન પર 351 ફૂટ ઊંચો બૌદ્ધ સ્થંભ અને 151 ફૂટ ઊંચી ભગવાન બૌદ્ધની મૂર્તિ બનાવવાનું નક્કી કરાયું છે. આ સ્થાન બૌદ્ધ યાત્રાધામ તરીકે આકાર પામવાની સંભાવના ઉભી થયા બાદ રૂ.1200 કરોડનો આ પ્રોજેકટ હાલમાં મંથરગતિએ ચાલી રહ્યો છે અને પ્રોજેકટની ફાઇલ પીએમ ઓફિસમાં હોવાથી પૂછપરછ પણ શક્ય રહી ન હોવાનું તેમજ અરવલ્લી કલેકટર અને ડીડીઓને પ્રોજેકટ વિશે કોઈ માહિતી ન હોવાનું પ્રોજેકટની સાથે સંકળાયેલ દ્વારા જાણવા મળી રહ્યું છે.

ઉપેક્ષા: મેશ્વો ડેમના ખોદકામ સમયે ભગવાન બુદ્ધના દાંત સાથેના જડબાનો કેટલોક ભાગ અને મૂર્તિઓ મળી
ઉપેક્ષા: મેશ્વો ડેમના ખોદકામ સમયે ભગવાન બુદ્ધના દાંત સાથેના જડબાનો કેટલોક ભાગ અને મૂર્તિઓ મળી

આ સ્થાનનો ઝડપી વિકાસ થાય અને બૌદ્ધ યાત્રાધામ બને તે માટે સ્થાનિક નેતાગીરી હસ્તક્ષેપ કરે તેવી લાગણી પ્રવર્તી રહી છે. દેવની મોરી અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે, મેશ્વો ડેમમાંથી ભગવાન બૌદ્ધના અવશેષો મળી આવ્યા હતા. આ સ્તૂપ હાલ વડોદરા મ્યુઝિયમમાં રખાયો છે. સ્તૂપ પર બ્રાહ્મી લિપિમાં લખાણ છે. ઉલ્લેખનીય છે કે, ચીનના પ્રમુખ જિનપિંગ અમદાવાદ આવ્યા ત્યારે તેમને કાસ્કેટની રેપ્લીકા ભેટ અપાઇ હતી.

પ્રાચીન કાપડ ઉદ્યોગની સાબિતી
કપાસ અને રેશમમાંથી બનેલું કાપડ દેવની મોરીના કાસ્કેટમાંથી મળ્યું હતું. એ જમાનામાં કાંતવાના સાધનો હતા, સીવવાની સોય હતી. 1700 વર્ષ પહેલાં ગુજરાતમાં કાપડ ઉદ્યોગ ધમધમતો હતો.ગુજરાતના 17 સૈકાના ઈતિહાસનો આ પ્રથમ પુરાવો છે કે જ્યાં કાપડ મળ્યું હોય. જે ગુજરાતમાં બનતું કાપડ વિશ્વમાં અનેક સ્થળે મોકલાતું હતું.અહીંથી કપડાં પહેરેલાં શિલ્પો પણ મળ્યા છે.

આંતરરાષ્ટ્રીય કરાર
આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન અને ગુજરાત સરકાર વચ્ચે 12 જાન્યુઆરી 2015ના રોજ આંતરરાષ્ટ્રીય વાઇબ્રન્ટ સમિટ-15માં સમજૂતી કરાર થયા હતા કે ગુજરાતમાં આવેલા ગૌતમ બુદ્ધનાં સંસ્મરણોના અલભ્ય તીર્થ સ્થાનો અને દેવની મોરીને વિશ્વ સમક્ષ લઈ જવા માટે બાૈદ્ધ સર્કિટ બનાવવી.

અન્ય સમાચારો પણ છે...