હિંમતનગરના કાંકરોલ રોડ પર આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં રહેતો પરિવાર મકાનની ઓસરીમાં સૂતો રહ્યો અને તસ્કરોએ મકાનની પાછળના ભાગે આવેલ બેડરૂમની બારીનો સળિયો વાળી રૂમમાં ઘૂસી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂ.1.20 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
જૈનાચાર્ય સ્કૂલની બાજુમાં વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા વિપુલભાઈ કચરાભાઈ પટેલ ગત શનિ-રવિવારની રાત્રે સાડા બારેક વાગે તેમના પત્ની અને દીકરી સાથે મકાનના મુખ્ય દ્વારને બંધ કરી ચોપાડમાં સૂઈ ગયા હતા અને સવારે સાતેક વાગે ઊઠીને મકાનમાં અંદર જતા બેડરૂમનો દરવાજો ધક્કા મારવા છતાં ખુલ્યો ન હતો અને અંદરના ભાગેથી બંધ હોય તેવું જણાતા ગેલેરીમાં થઈને મકાનની પાછળની બાજુએ જતા બેડ રૂમની પાછળના ભાગમાં આવેલ બારી ખુલ્લી હતી અને સળિયોવાળી નાખેલો હતો અને બેડરૂમમાં બધો સામાન વેર વિખેર પડ્યો હોય તેવું જોવા મળ્યું હતું.
જેથી નાના બાળકને બારીમાં થઈને બેડરૂમમાં નીચે ઉતારી અંદરથી બંધ દરવાજો ખોલ્યો હતો અને બેડરૂમમાં મૂકેલ તિજોરી ચેક કરતા સોનાનો એક તોલાનો દોરો કિં.રૂ.50 હજાર, સોનાની બુટ્ટી બેજોડ સાત ગ્રામ કિં. રૂ. 35,000 સોનાની ચૂની ચાર નંગ કિં રૂ. 4000 ચાંદીના નાના-મોટા છડા કિં. રૂ. 15હજાર, ચાંદીની પહોંચી નાની નંગ-૨ કિં. રૂ.6,000 તથા રોકડા રૂપિયા 10 હજાર મળી કુલ રૂપિયા 1.20 લાખની ચોરી થઇ હોવાનું જાણવા મળતા વિપુલકુમાર પટેલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.