છેતરપિંડી:ઇડરના 57 ખેડૂતોને મગફળીના 1.11 કરોડ ન ચૂકવી ઠગાઇ

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાણંદના ચાંગોદરની ડોલ્ફીન એગ્રોના ભાગીદારોએ મગફળી ખરીદી ચૂનો ચોપડ્યો

સાણંદના ચાંગોદરમાં હેડ ઓફિસ ખોલી ડોલ્ફીન એગ્રોના ભાગીદારોએ ઇડરના મેસણ ગામના બે વચેટીયાના માધ્યમથી ઇડર તાલુકામાં શરૂઆતમાં કેટલાક ખેડૂતો પાસેથી મગફળી ખરીદી પેમેન્ટ કરીને વિશ્વાસમાં લીધા બાદ ચોરીવાડ, ચોટાસણ, કડીયાદરા, ચોટાસણકંપા, પોશીના, મેસણ ગામના 57 ખેડૂતો પાસેથી રૂ.1,11,77,006 ની મગફળી ખરીદી પૈસા ન આપી છેતરપિંડી આચાર્યાની બીજી ઘટના બહાર આવી છે. ઇડર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

ઇડરના ચોરીવાડના પ્રવિણભાઈ જીવાભાઈ પટેલે એક માસ પહેલા કેટલાક ખેડૂતો ગામના કાંટા ઉપર મગફળી ભરાવી રહ્યા હોઈ અને ખરીદી માટે આવેલ મેસણના હિતેશભાઈ નરસિંહભાઈ પટેલ તથા સવાઇસિંહ ઉર્ફે ગેમરભાઈ ગોકુલસિંહ પુરોહિત પૈકી હિતેશભાઈ પટેલ સમાજના અને બાજુના ગામના હોવાથી મગફળીની ખરીદી બાબતે પૂછી માહિતી મેળવ્યા બાદ અગાઉ આ બન્ને શખ્સોના માધ્યમથી મગફળી વેચનાર ખેડૂતોને મળી પૂછપરછ કરતાં આ મગફળીની ખરીદી ચાંગોદરમાં હેડ ઓફિસ ધરાવતા રાજેન્દ્રભાઇ સેંધાભાઈ પ્રજાપતિ અને હનીફભાઈ નામના શખ્સ કરતા હોવાની તથા પ્રાંતિજમાં આવેલ સુજલ ડોલ્ફીન એગ્રોમાં વેચાણ કરતા હોવાની અને એકાદ અઠવાડિયામાં ચેક ક્લીયર થઈ જતો હોવાની માહિતી મળી હતી.

પેમેન્ટ મળી જતું હોવાની માહિતી મળતા પ્રવિણભાઈને વિશ્વાસ આવતા પોતાની મગફળી વેચાણ આપવા હિતેશભાઈ અને ગેમરભાઈનો સંપર્ક કર્યા બાદ તા.05-12-21 અને તા.6-12-21ના રોજ બે દિવસમાં કુલ 10,222 કિલો મગફળી રૂ.1160 નો ભાવ નક્કી કરી વેચાણ આપી હતી અને રૂ.5,92,976 નો ડોલ્ફીન કંપનીનો ચેક જમા કરાવતા તા.21-12-21 ના રોજ બાઉન્સ થયો હતો. જેને પગલે તપાસ કરતાં ચોરીવાડ, ચોટાસણ, કડીયાદરા, ચોટાસણકંપાના અન્ય 24 ખેડૂતોના પણ પૈસા ડૂબ્યાની જાણ થઇ હતી. બધા ખેડૂતોએ તપાસ કરતા હિતેશ અને છેલ્લા ચારેક વર્ષથી મેસણમાં કરિયાણાની દુકાન ચલાવતો ગેમર બન્ને ફરાર થઇ ગયા હતા.

જેથી રાજેન્દ્ર પ્રજાપતિની ચાંગોદર અને પ્રાંતિજની સુજલ ડોલ્ફીન એગ્રોમાં તપાસ કરતા ફોન પર સંપર્ક થયો હતો જેમાં તમને બધા ખેડૂતોને પેમેન્ટ મળી જશેનો જવાબ આપ્યા બાદ એ પણ ગાયબ થઈ ગયો છે એ દરમ્યાન ચોરીવાડના ખેડૂતોએ મેસણ અને પોશીનાના 33 ખેડૂતો પાસેથી હિતેશ અને ગેમરે રૂ.74,17,494ની મગફળી ખરીદી પેમેન્ટ ન કર્યું હોવાની માહિતી આપતા પ્રવિણભાઈ જીવાભાઈ પટેલે ઇડર પોલીસ સ્ટેશનમાં કુલ 57 ખેડૂતો પાસેથી રૂ.1,11,77,006ની મગફળી ખરીદી છેતરપિંડી આચરી હોવા અંગે ફરિયાદ નોંધાવતા ઇડર પોલીસે તમામ ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

આમની સામે ફરિયાદ
રાજેન્દ્રભાઇ સેંધાભાઈ પ્રજાપતિ અને હનીફભાઈ (બંને રહે.380,શ્રીશરણ પાર્ક ચાંગોદર તા.સાણંદ) હિતેશ નરસિંહભાઈ પટેલ તથા સવાઇસિંહ ઉર્ફે ગેમર ગોકુલસિંહ પુરોહિત(બન્ને રહે. મેસણ તા.ઇડર)

અન્ય સમાચારો પણ છે...