કોરોનાના પ્રવેશથી ફફડાટ:સાબરકાંઠામાં 10 કેસ : 2 શિક્ષક, 1 વિદ્યાર્થી અને અમેરિકાથી આવેલ 8 વર્ષીય બાળક સંક્રમિત

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં 8, પ્રાંતિજમાં 2 કોરોના પોઝિટિવ : બે દર્દી હોસ્પિટલાઇઝડ કરાયા
  • 3 દર્દીઓ કોરોનામુક્ત થતાં સાબરકાંઠા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 36 થઇ

સાબર કાંઠા જિલ્લામાં ડિસેમ્બરમાં કોરોનાનો કેસ નોંધાયા બાદ 12 દિવસમાં પ્રતિદિન કોરોના કેસની સંખ્યા ડબલ ડીજીટમાં પહોંચી ગઇ છે. મંગળવારે લેવાયેલ કુલ 1971 સેમ્પલ પૈકી બુધવારે 10 જણાનો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો. જેમાં બે શિક્ષક, એક વિદ્યાર્થી અને અમેરીકાથી આવેલ 8 વર્ષીય બાળકનો સમાવેશ થાય છે. શિક્ષણ સંકુલોમાં કોરોનાના પ્રવેશથી ફફડાટ વ્યાપી ગયો છે જ્યારે 3 દર્દી કોરોના મુક્ત થતા એક્ટિવ કેસની સંખ્યા 36 થઇ હતી.

જિલ્લામાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાવા માંડ્યુ છે અને પ્રતિદિન નવા તાલુકામાં પ્રસરી રહ્યુ છે. કાયમની જેમ હોટસ્પોટ બની રહેલ હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં 12 દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા 3 દર્દી કોરોના મુક્ત થવા છતાં 30 થઇ ગઇ છે.

એપેડેમીક ઓફીસર ર્ડા. મુકેશ કાપડીયાએ વિગત આપતા જણાવ્યુ કે હિંમતનગરની નંદનવન સોસાયટીમાં 37 વર્ષીય પુરૂષ, પ્રાંતિજ તાલુકાના ઘડકણમાં 29 વર્ષીય યુવતી, પોલોગ્રાઉન્ડમાં આસીફ સોસાયટીમાં 35 વર્ષીય પુરૂષ, ગઢોડામાં 45 વર્ષીય પુરૂષ, હિંમતનગરના સહકારીજીન વિસ્તારમાં તુલસી લેન્ડમાર્કમાં 38 વર્ષીય પુરૂષ, મહાવીરનગરમાં ભાવના સોસાયટીમાં 8 વર્ષીય બાળકી, જીવનધારા સોસાયટીમાં 16 વર્ષીય કિશોરી, મેનાભવનમાં 44 વર્ષીય પુરૂષ, પ્રાંતિજના વોરવાડથી પીઢારીયા મહોલ્લા વિસ્તારમાં 44 વર્ષીય પુરૂષ અને મોતીપુરાની પૃથ્વીનગર સોસાયટીમાં 60 વર્ષીય મહિલાનો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે.

વધુ વિગત આપતા તેમણે જણાવ્યુ કે ગઢોડાના 45 વર્ષીય પુરૂષ માથાસુલીયા શાળામાં શિક્ષક તરીકે અને તુલસી લેન્ડમાર્કમાં રહેતા 35 વર્ષીય પુરૂષ પરફેક્ટ હાઇસ્કૂલમાં શિક્ષક છે અને 16 વર્ષીય કિશોરી ફેથ હાઇસ્કૂલમાં અભ્યાસ કરે છે જ્યારે 8 વર્ષીય બાળકી એક માસ અગાઉ અમેરીકાથી આવી છે અને તેને પણ સ્થાનિક સંક્રમણ અસર કરી ગયુ છે. ઘડકણની 29 વર્ષીય યુવતીને અમદાવાદ સીમ્સ હોસ્પિટલમાં અને પરફેક્ટ હાઇસ્કૂલના શિક્ષકને હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે.

આજે વધુ ત્રણ દર્દી કોરોના મુક્ત થયા બાદ હિંમતનગરમાં 30, પ્રાંતિજ અને ખેડબ્રહ્મામાં બબ્બે તથા તલોદ અને વડાલીમાં એક - એક મળી કુલ 36 એક્ટિવ કેસ પૈકી 34 દર્દી હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. વધતા જતા સંક્રમણને જોતા માસ સ્પ્રેડિંગ શરૂ થઇ ગયુ છે. ર્ડા. કાપડીયાએ જણાવ્યુ કે ત્રણેય શાળાઓમાં ગુરૂવારે સર્વેલન્સ કામગીરી હાથ ધરી નિર્ણય લેવામાં આવશે. શૈક્ષણિક સંકુલોમાં કોરોના પહોંચી જતા નવી ચિંતાનો જન્મ થઇ ચૂક્યો છે.

વિજયનગરના ખાનગી હોસ્પિટલના તબીબ પુત્રને સંક્રમિત થતાં હોસ્પિટલ બંધ કરી
વિજયનગર |વિજયનગરમાં આવેલી ખાનગી હોસ્પિટલના તબીબ પુત્રને કોરોના પોઝિટિવ આવતા તેને હોસ્પિટલના ત્રીજા માળે હોમકોરોંન્ટાઈન કરી કોરોના સંક્રમણને વધતું અટકાવવા તબીબ દ્વારા પોતાના હોસ્પિટલને બંધ કરવામાં આવી હતી. આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એસ.એમ.ચૌહાણના જણાવ્યા અનુસાર વિજયનગરના ખાનગી હોસ્પિટલના તબીબ પુત્રને કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલ બંધ કરી છે અને કોરોના સંક્રમણને અટકાવવા જરૂરી પગલાં લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...