વિજયનગર તાલુકાનાં ધોલવાણી ગામે ફોરેસ્ટ કર્મચારીઓએ પિતા પુત્રને માર મારતા રજૂઆત કરવા છતાં પોલીસ ફરિયાદ ન નોધવામાં આવતી હોઈ ફોરેસ્ટ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવા આદિવાસી મહા પંચાયત, ખેડબ્રહ્મા દ્વારા બુધવારના રોજ ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને આવેદન આપી માંગ કરી છે. અરવલ્લી જિલ્લા જાગૃતિ વિકાસ મંડળના ઉપપ્રમુખ વાઘજીભાઇ બી ગામેતીએ ભિલોડા મામલતદારને આવેદન આપ્યું હતું.
સાબરકાંઠા અરવલ્લી જિલ્લા આદિવાસી મહાપંચાયતના પ્રમુખ રવજીભાઈ વેલજીભાઈ પાંડોર અને તેમના પુત્ર વિશાલ રવજીભાઇ પાંડોર, ધોલવાણી પ્રત્યે ખારીબડી કેસ અંગેની અદાવત રાખી ધોલવાણી રેંજ ફોરેસ્ટ કર્મચારી શૈલેષ ચૌઘરી, ભાખરા ફોરેટર ઝાલા, પૂરણ ઠાકોર તેમજ અન્ય ૧ કર્મચારી એકસંપ થઈ ષડયંત્ર રચી ગત તારીખ ૬. ઓગસ્ટના સાંજે 8.00 વાગ્યાના સુમારે ધોલવાણી ગામે લાકડી, લોખંડની પાઈપો વડે જીવલેણ હુમલો કર્યો હતો અને વન કમીઓ દ્વારા જીવલેણ હુમલાના ભોગ બનેલ રવજીભાઈ પાંડોરે ઘટનાની જીલ્લા કન્ટ્રોલ રૂમમાં ફરિયાદ નોધાવી હતી.
બીજા દિવસે સવારે વિજયનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ રવજીભાઈ પાંડોરની રૂબરૂ જુબાની પણ લીધી હતી. પરંતુ આજદિન સુધી તે અંગેની પોલીસ દ્વારા એફ.આઈ. આર. નોધાઈ નથી. જેથી ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને આવેદન આપી વન વિભાગના કર્મચારીઓ રવજીભાઈ પાંડોર અને તેમના પુત્ર પર જીવલેણ હુમલો કરનાર વન કર્મીઓ સામે તાત્કાલિક FIR નોંધી, ધરપકડ કરી શખ્ત કાનૂની કાર્યવાહી કરવા માંગ કરવાંમાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.