સ્વચ્છ ભારત મિશનનો દાવો પોકળ:ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારમાં લોકો ખૂલ્લામાં શૌચ કરવા મજબૂર

લાંબડીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખુદ તાલુકા પંચાયત પ્રમુખના વિસ્તારમાં જ દીવા તળે અંધારું

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ખુલ્લામાં શૌચમુક્ત ભારતના લક્ષ્ય સાથે અમલમાં મૂકાયેલી યોજનાને 7 વર્ષ થવા છતાં ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના ભ્રષ્ટાચારી તંત્રના લીધે કરોડોના ધુમાડા છતાં તાલુકાના અંતરિયાળ વિસ્તાર સમા અંબાઇગઢા, પંથાલ, પાટડીયા, સેબલિયા, ભરમીયા, કોદરિયા, હિંગટીયા, પાંચ મહુડા વિસ્તારમાં મોટાભાગના લોકો આજે પણ ખુલ્લામાં શૌચક્રિયા માટે જાય છે.

સ્થાનિકોએ જણાવ્યુ કે, અમારા વિસ્તારમાં શૌચાલયોના બાંધકામના કામો તા.પં.ના સંબંધિત વિભાગ દ્વારા કોઈ ત્રાહિત એજન્સી થકી કરાવાયા હતા. જેમાં કોન્ટ્રેક્ટરોએ અધિકારીઓ સાથે મિલીભગત કરીને હલકી ગુણવત્તાના સામાન વાપરીને બહુ જ રફ કામ કર્યું છે. ઉપરાંત ખાડકૂવા એટલા બધા નાના બનાવાયેલ છે કે માત્ર ચાર ડોલ પાણીથી જ ઉભરાઇ જાય છે. અમારા સ્વખર્ચે તેની મરામત કરાવવા છતાં ચોમાસામાં ફરી એ જ સમસ્યા સર્જાતાં મજબૂરી વશ ઘરની બહેન-બેટીઓ તેમજ અમારે બહાર ખૂલ્લામાં જ જવું પડી રહ્યું છે.

આ સંદર્ભે વિસ્તારના એક સરપંચે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ચોક્કસ પણે કામોમાં જોઈએ તેવી ગુણવત્તા જળવાઈ નથી. પરંતુ સાથે સાથે સ્થાનિક આદિવાસી પ્રજામાં શૌચક્રિયા માટે ઘરની બહાર જ જવાની એક જૂની પ્રથા છે જેને લોકો વળગી રહે છે એ પણ મોટાભાગે લોકોને ખુલ્લામાં શૌચ માટેનું મોટું કારણ છે. ટીડીઓ આર.ડી.ખરાડીનો સંપર્ક કરતાં તેઓએ આખીયે ઘટના સંદર્ભે જણાવ્યું કે, કોઈ બાબત હશે પરંતુ અમારા રેકર્ડ પર કાંઈ આવ્યું નથી. કોઈ આ બાબતની રજૂઆત આવશે તો કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...