કાર્યવાહી:ખેડબ્રહ્માના ખેરોજ-મટોડામાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો

લાંબડીયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆત થશે તો જ કાર્યવાહી થશે : ખેડબ્રહ્મા તા. આરોગ્ય વિભાગ

ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ અને મટોડા પંથકમાં અંતરિયાળ વિસ્તારનાં નાના ગામડાઓમાં ફેરી કરીને મેડિક્લ પ્રેક્ટિસ કરનારા ઝોલા છાપ ઊંટવૈદ્યોનો ત્રાસ વધી ગયો છે. સામાન્ય દિવસમાં અન્ય કામ-કાજ કે ધંધો કરતા આ બનાવટી ડોક્ટરો રોગચાળાની સિઝનમાં અંતરિયાળ વિસ્તારના નાના ફળિયા અને ડુંગરાઓ પર દર્દીના ઘરે જઈને કોઈપણ આવડત વગર ઇન્જેક્શન અને બાટલાઓ ચડાવીને ગરીબ અને ભોળી પ્રજા પાસેથી રીતસરના પૈસા પડાવી લે છે.

છેલ્લા બે મહિનામાં આ પંથકમાં ઝોલાછાપ ફેરી કરતા ડોક્ટરોના લીધે 5થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. સ્થાનિક જાગૃત નાગરિકોએ આક્રોશ સાથે જણાવતાં કહ્યું કે, સ્થાનિકો દ્વારા આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી સુધી સઘળી હકીકત પહોંચાડવા છતાં જાણે કે, એમની સમક્ષ અંતરિયાળ વિસ્તારની ભોળી પ્રજાના જીવની કોઈ કિંમત જ ના હોય તેમ બધી જ રજૂઆતો બહેરા કાને અથડાય છે. સમગ્ર ઘટનામાં તાલુકા આરોગ્ય વિભાગ હપ્તા રાજમાં આખીયે ગંભીર બાબત સામે આંખ આડા કાન કરતું હોય તેવું સ્પષ્ટ રૂપે પ્રતીત થતું જણાઇ રહ્યું છે.

આ અંગે ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રોહિતગીરી ગોસ્વામીનો સંપર્ક કરતાં તેઓએ આખીયે ઘટનાથી અજાણ હોવાનું જણાવી કોઈ રજૂઆતની રાહ જોતા બેઠા હોય એમ કોઈ લેખિત રજૂઆત આવશે તો કાર્યવાહી કરાશે. એમ કહીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...