ઇડર નાગરિક સહકારી બેન્કના સ્ટ્રોંગ રૂમમાંથી બેંકની કેસમાંથી રૂ. 2000 દરની 500 નોટ ગાયબ થઈ ગયાની જાણ થવા છતાં બેંકના સંચાલકોએ સોમવારે મોડી સાંજે આંતરિક મિટિંગ કરી પોલીસનો માત્ર સંપર્ક કર્યો હતો. અને રૂપિયા 10 લાખ જેટલી માતબર રકમની ઘટ પડવા છતાં બેંકની ચેસ્ટ બૂક અને ફિઝિકલ કેશની વિગતો પોલીસને પૂરી પાડી વિધિવત ફરિયાદ કરવામાં વિલંબ થઇ રહ્યો હોવાથી ખળભળાટ મચી ગયો છે.
બેંકના કેશિયરએ 2000ની નોટો ઓછી હોવાનું કહ્યું હતું
સામાન્ય રીતે દરેક માણસ રોકડ કેશની સુરક્ષા ચાહતો હોવાથી બેંકમાં નાણા મુકતો હોય છે અને નાણાં બેંકમાં સુરક્ષિત હોવાનું એકંદરે માનવા આવે છે પરંતુ ઇડર નાગરિક સહકારી બેંકમાં વાડ જ ચીભડાં ગળતી હોય તેવી સ્થિતિ પેદા થઈ છે. સોમવારે સાંજે બેંકના કેશિયર મિલનભાઈએ 2000ની નોટોના બંડલ ઓછા હોવાનું જણાતા મેનેજરને જાણ કરી હતી.
બેંકના સંચાલકોના વહીવટ સામે પ્રશ્નાર્થ
મેનેજરે ચેરમેનને જાણ કરતાં તેમણે બેંકમાં આવી રૂપિયા 10 લાખ જેટલી માતબર રકમની ઘટ મામલે નિયામક મંડળના સભ્યોને જાણ કરી મોડી સાંજે બેંકમાં બોલાવ્યા હતા અને ચર્ચાને અંતે બેન્કના તમામ કર્મચારીઓને કોઈએ આવું કર્યું હોય તો ભૂલ સ્વીકારી કબૂલાત કરી લેવા જણાવ્યું હતું. બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી રૂ.10 લાખની ચોરી કે ઘટ આવ્યાનો મામલો જાહેર થતા ખળભળાટ મચી ગયો છે અને બેંકના સંચાલકોના વહીવટ સામે પ્રશ્નાર્થ ખડા થઈ ગયા છે.
બેંક પૂરી વિગત આપતી નથી
"બેંકે પૂરી વિગત આપી નથી, કેશમાં ઘટ પડી છે કે ચોરી થઈ છે એ બાબતે કોઇ સ્પષ્ટતા કરી નથી પરંતુ પ્રાથમિક માહિતી એવી મળી છે કે રૂ.2000 ના દસ બંડલ હતા બેંકે તેમના દૈનિક હિસાબ-કિતાબ સાથેની વિગતો પૂરી પાડી નથી બધી વિગતો મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે" - દિનેશસિંહ ચૌહાણ( ડીવાયએસપી ઈડર)
બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક બોલાવી છે
"સોમવારે સાંજે બેંકની કેશમાં રૂ.10 લાખની ઘટ આવી હોવાની જાણ કરતાં હું બેંકમાં આવ્યો હતો અને કર્મચારીઓ સાથે ચર્ચા કરી બધા ડિરેક્ટરોને જાણ કરી બોલાવ્યા હતા ત્યારબાદ લખાણ કરી પોલીસને જાણ કરી હતી તેમણે મોડી સાંજે કર્મચારીઓની પૂછપરછ કર્યા બાદ 3 તારીખે પણ કર્મચારીઓને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરાઇ છે આગળની કાર્યવાહી માટે બોર્ડ ઓફ ડિરેકટર્સની મિટીંગ બોલાવી છે. - જે.ટી.ચૌહાણ (ચેરમેન ઇડર નાગરિક સહકારી બેંક)
વકીલની સલાહ લઈ પોલીસને જાણ કરી
"કેશિયરે જાણ કરતા બેંકના કર્મચારીઓ સાથે જરૂરી પૂછપરછ કરતા કોઈ પરિણામ ન મળતાં બેંકના સીઇઓ ચેરમેન નિયામક મંડળને જાણ કરી વકીલની સલાહ મુજબ પોલીસને પણ જાણ કરી છે." - પ્રકાશભાઈ પરમાર (મેનેજર,ઇડર નાગરિક સહકારી બેંક)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.