તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:ઇડરમાં ટૂંકા રૂટ સાથે, મોડાસા -ખેડબ્રહ્મામાં પરિસરમાં રથયાત્રા નીકળશે

ઇડર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇડરમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નિમિત્તે બેઠક મળી હતી. - Divya Bhaskar
ઇડરમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નિમિત્તે બેઠક મળી હતી.
  • બાયડમાં સતત બીજા વર્ષે રથયાત્રા નહીં નીકળે, ઇડરમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નિમિત્તે ઉત્તર કોલેજમાં શાંતિ સમિતિની બેઠકમાં નિર્ણય
  • ઇડરમાં રથયાત્રાનો રૂટ બે કિમી ઘટાડાયો રથયાત્રામાં માત્ર 60 લોકો જ હાજર રહી શકશે
  • ખલાસીઓ માટે RTPCR-રસીનો પહેલો ડોઝ ફરજીયાત, રૂટ પર જનતા કફર્યૂ રહેશે
  • મોડાસામાં બાલકનાથજી મંદિર પરિસરમાં રથયાત્રા નીકળશે, પોલીસવડા પરિક્રમા કરાવશે
  • ખેડબ્રહ્મામાં મંદિર ટ્રસ્ટ દ્વારા શુક્રવાર મોડી સાંજે બેઠક કરી પરિસરમાં નીકાળવા નિર્ણય

આગામી સોમવારે 12 તારીખે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ત્યારે ઇડરમાં રથયાત્રા નીકાળવાનો નિર્ણય તંત્ર સાથે બેઠક કર્યા બાદ કરાયો હતો. જ્યારે ખેડબ્રહ્મા અને મોડાસામાં રથયાત્રા મંદિર પરિસરમા જ નીકાળવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે સતત બીજા વર્ષે બાયડમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા મહામારીના કારણે નીકળશે નહીં. ઇડરમાં ટૂંકો રૂટ કરી માત્ર 60 લોકોની હાજરીમાં જ રથયાત્રા નીકળશે અને પ્રસાદ વિતરણ કરી શકાશે નહીં અને માર્ગ પર કફર્યૂ પણ રહેશે.

સોમવારે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે ઇડરમાં સર્વસમાજની યોજાયેલી બેઠકમાં રથયાત્રાનો રૂટ ટૂંકો કરી બે કિમી ઘટાડી અને રથયાત્રામાં માત્ર 60 લોકો જ હાજર રહી શકશે નો નિર્ણય કરાયો હતો. જ્યારે ખલાસીઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ અને વેક્સિનનો પહેલો ડોઝ ફરજીયાત રહેશે. ઇડરમાં સોમવારે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે સર્વ સમાજની શાંતિ સમિતિની બેઠક જિલ્લા પોલીસવડાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં કોવિડની ગાઈડ લાઇન મુજબ રથયાત્રા નીકળવાની હોઈ ચુસ્ત પાલન કરવાનું રહેશે. જેમાં આગામી રથયાત્રાનો રૂટ ટૂંકો કરી માત્ર બે કિમી કરવામાં આવ્યો છે.

તેમજ રથયાત્રાના રૂટ પર જનતા કફર્યૂ રહેશે. આ ઉપરાંત રથ ખેંચવા માટે માત્ર 60 વ્યક્તિઓ જ હાજર રહી શકશે. તમામ ખલાસીઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ અને વેક્સિનનો પહેલો ડોઝ ફરજીયાત રહેશે. રથયાત્રાના સમય દરમિયાન રથયાત્રા જે રૂટ ઉપર થી નીકળશે તે રૂટ ઉપર આજુબાજુ રસ્તા ઉપર પણ કોઈ લોકો આવી નહિ શકે. જાહેર જનતાએ માત્ર દૂર થી અથવા ટીવીના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી રથયાત્રાના દર્શન કરવાના રહેશે. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા.

ઇડર રથયાત્રાનો રૂટ
રથયાત્રા રામદ્વારા મંદિરથી સવારે 10 વાગે નીકળશે. પાંચ હાટડીયા, કસ્બા રોડ, મોટી મસ્જીદ પાછળ થઈ, ભૂતિયા પુલ પરમાર વાસ, નગરપાલિકા થઈ મહિલા કોલેજ,લાઈફ લાઈન હોસ્પિટલ થઈ,સત્યમ ચાર રસ્તા ભગવાન જગન્નાથનું મામેરંુ ભરી ત્રણ રસ્તા પેટ્રોલપંપ ટાવર ચોક રોડ ખરાદી બજાર પાંચ હાટડીયા ઘાંટી રોડ થઈ રામદ્વારા મંદિર પરત થશે.

ઇડર રથયાત્રાના આકર્ષણો :- 21 ધ્વજ સારથી, 5 રથ સારથી , 60 લોકો હાજર

ખેડબ્રહ્મામાં રથયાત્રા મુદ્દે બેઠકનું આયોજન કરાયુું હતું.
ખેડબ્રહ્મામાં રથયાત્રા મુદ્દે બેઠકનું આયોજન કરાયુું હતું.

ખેડબ્રહ્મા અને મોડાસામાં ભગવાન જગન્નાથ દૂરથી દર્શન આપશે
ખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં આવેલ ઠાકોર મંદિર ટ્રસ્ટ સંચાલિત રાધા કૃષ્ણ મંદિરમાથી શહેરમાં ભગવાનની રથયાત્રા યોજાય છે. પંરતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે સરકારનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ મદિર ટ્રસ્ટ દ્વારા ગામના વૈષ્ણવોની બેઠક શુક્રવાર મોડી રાત્રે બોલાવવી હતી અને રથયાત્રા મંદિર પરિસરમાં જ ફેરવવાનો નિર્ણય કરાયો હતો.અગાઉ ખેડબ્રહ્મા ઠાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રાંત અધિકારી પાસે રથયાત્રા યોજવા માટે મંજૂરી માગી હતી. જેમાં પ્રાંત અધિકારી એચ.યુ.શાહ દ્વારા શુકવાર સવારે મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની બેઠક બોલાવી હતી અને સરકારના નવા પરિપત્રમાં જણાવ્યા મુજબ નીચેની શરતોનો કડક અમલ કરવા જણાવ્યું હતું.
રથયાત્રાનો ટૂકામાં ટૂંકો માર્ગ પસંદ કરવાનો રહેશે, કોઈપણ સંજોગોમાં 60 થી વધુ લોકોને ભેગા ના થવા જોઈએ. રથયાત્રામાં ભાગ લેનાર ટ્રસ્ટીઓ, સંચાલકો, વાહનચાલક વગેરેનો 48 કલાક પહેલા RTPCR ટેસ્ટ નેગેટિવ આવે તો જ રથયાત્રામાં સામેલ થઈ શકે છે. કોવિડ-19 નો પ્રથમ ડોઝ લીધેલ હોવો જોઈએ. પ્રસાદ વિતરણ કરી શકાશે નહીં. આ શરતોનો કડક અમલ કરવાનો થતો હોઇ મંદિર ટ્રસ્ટ દ્વારા શુકવાર રાત્રે ગામના વૈષ્ણવોની બેઠક બોલાવી હતી. જેમાં રથયાત્રા ફક્ત મંદિર પરિસરમાં જ ફેરવવાનો નિર્ણય કરાયો હતો.

ઉ.ગુ.માં 6 સ્થળે રથયાત્રા નીકળશે, 8 સ્થળે નહી નીકળે

અહીં રથયાત્રા નીકળશે
પાટણ,સિદ્ધપુર, મોડાસા ઇડર, ખેડબ્રહ્મા, પાલનપુર

​​​​​​​રથયાત્રા અહીં નીકળશે નહીં
બાયડ, ડીસા, અંબાજી, થરાદ, વિસનગર, વડનગર, ગોઝારિયા અને કડી

બાયડમાં સતત બીજા વર્ષે રથયાત્રા નહીં નીકળે
​​​​​​​બાયડ |બાયડમાં સતત બીજા વર્ષે કોરોનાના કારણે રથયાત્રા નીકળશે નહીં.આ અંગે વધુ વિગત આપતાં બાયડના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાજનભાઈ જોશી, નવનીતભાઈ સોની,અશોકભાઈ લુહારે જણાવ્યું કે બાયડ શહેરમાં છેલ્લા છ વર્ષથી રથયાત્રાનું આયોજન કરાય છે. આ વખતે ગત વર્ષની જેમ જ કોરોનાને લઇ રથયાત્રાનું આયોજન બંધ રાખવામાં આવ્યું છે.

મોડાસામાં ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા બાલક નાથજી મંદિર પરિસરમાં નીકાળવાનો નિર્ણય
મોડાસામાં ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા મહામારીના કારણે અને મંજૂરીના અભાવે માત્ર સગરવાડાના નાકે આવેલા બાલકનાથજી મંદિર પરિસરમાં કાઢવા માટે રથયાત્રા સમિતિ મોડાસા દ્વારા નિર્ણય કરાયો હોવાનું રથયાત્રા સમિતિના મંત્રી ભરતભાઈ ભાવસારે જણાવ્યું હતું. બાલકનાથ ભગવાનના મંદિરે 7.30 કલાકે ભગવાન જગન્નાથજી રથમાં બિરાજશે અને 10:30 કલાકે આરતીનું આયોજન કરાયું છે. તદઉપરાંત 11:00 કલાકે ભગવાન જગન્નાથજીના રથને મંદિર પરિસરમાં જિલ્લા પોલીસવડા સંજય ખરાતના હસ્તે પરિક્રમા કરાવાશે.આ પ્રસંગે રથયાત્રા સમિતિ દ્વારા જાંબુ અને મગના પ્રસાદનું આયોજન કરાયું છે. સાથે સાથે મંદિર પરિસરમાં ભીડ એકઠી ન થાય તે માટે પણ રથયાત્રા સમિતિ દ્વારા તકેદારીના ભાગરૂપે આયોજન કરાયું હોવાનું પ્રમુખ કિરીટભાઈ સુથાર અને મંત્રી ભરતભાઈ ભાવસારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...