તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી:ઇડરમાં 3 કલાકમાં રથયાત્રા સંપન્ન, 100 ભક્તો જોડાયાં

ઇડર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગગન ગાજે ને મોરલા બેસે મીઠી ચમકે વીજ, બાર બીજના ધણીને વંદન કરીએ, આ તો આવી અષાઢી બીજ
  • ઇડરમાં કફર્યૂના કડક અમલ મામલે પૂર્વ ધારાસભ્ય રમણલાલ વોરા અને રેન્જ આઇજી વચ્ચે તું તું મેં મેં, 10 વાગે નીકળેલી રથયાત્રા બપોરે 1 વાગે પૂરી

અષાઢી બીજ નિમિત્તે ઇડર અને ખેડબ્રહ્મામાં કોવિડ નિયંત્રણો સાથે રથયાત્રાનું આયોજન કરાયું હતું. ઇડરમાં 100 ભક્તો સાથે ભગવાને ત્રણ કલાક નગરચર્યા કરી હતી. ઇડરમાં કફર્યૂના કડક અમલ બાબતે પૂર્વ ધારાસભ્ય રમણલાલ વોરા અને રેન્જ આઇજી અભય ચૂડાસમા વચ્ચે દર્શનાર્થીઓ ઘરમાંથી પણ દર્શન ન કરી શકે તેવો બંદોબસ્ત કરાયાના આક્ષેપ સાથે વાદ વિવાદ થતાં ઘડીભર માટે ગરમાવો આવી ગયો હતો.

સોમવારે ઇડરમાં 60 ભક્તોના કોવિડ રિપોર્ટ કરાવી સવારે 10:00 કલાકે નિર્ધારિત સમયે પૂર્વ ધારાસભ્ય રમણલાલ વોરાએ પ્રભુના રથને પ્રસ્થાન કરાવ્યુ હતું. રથયાત્રા શરૂ થતાં બીજા 40 ની આસપાસ ભક્તો જોડાતાં ભક્તોની સંખ્યા 100 આસપાસ થઇ હતી. દરમિયાનમાં ધારાસભ્ય હિતુ કનોડીયાએ પણ દર્શનનો લાભ લીધો હતો. રામદ્વારાથી નીકળી ભગવાનનો રથ પાંચ હાટડીયા પહોંચતા પંચર થતાં અડધા કલાક બાદ યાત્રા આગળ વધી હતી અને સત્યમ ચાર રસ્તા પાસે 11:46 કલાકે ભગવાનનું મામેરૂ ભરાયુ હતું. 10 મિનિટ બાદ નિર્ધારિત રૂટ પર થઇ બપોરે 1:00 કલાકે રથયાત્રા રામદ્વારા મંદિર પરત ફરી હતી.

મંદિર પરિસર પહોંચતાં પૂર્વધારાસભ્ય અને રેન્જ આઇજી વચ્ચે કફર્યૂ મામલે રકઝક
પૂર્વ ધારાસભ્ય રમણલાલ વોરા રામદ્વારા મંદિર પહોંચ્યા બાદ મંદિર સમિતિ અને પૂર્વ ધારાસભ્યનો રેન્જ આઇજી અભય ચૂડાસમા સાથે વાદ વિવાદ થયો હતો. પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે શ્રદ્ધાળુઓ ઘરની અંદરથી પણ દર્શન ન કરી શકે તેવો બંદોબસ્ત ગોઠવાયો છે. સરકારની ગાઇડલાઇનનો અનાદર નથી કરતા એનો મતલબ એવો નથી થતો કે શ્રદ્ધાળુઓ દર્શન ન કરી શકે આ મુજબનું જોર જુલમ ન કરી શકાય. દર્શન પણ ન કરી શકાય તેવી ગાઇડલાઇન હોય તો બતાવો જેના જવાબમાં રેન્જ આઇજીએ રોકડુ પરખાવ્યું કે તમારે વિવાદ કરવો હોય તો અમને કોઇ વાંધો નથી. લોકોને અમે ઘરના આંગણા કે ઓટલા પરથી દર્શન કરતા રોકવાના નથી. તમારે ઉભુ કરવુ હોય તો મને વાંધો નહી અમારી બધી જ તૈયારીઓ છે.

અન્ય સમાચારો પણ છે...