તપાસ:ઇડરમાં 150 થી વધુ ગ્રાહકોના લાખો ઠગનાર ઓરેકલ ફાઇનાન્સનો સંચાલક મુંબઇથી ઝબ્બે

ઇડરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના ગ્રાહકોને લોભામણી લાલચ આપી લોન આપવાના બહાને છેતર્યા હતા
  • ​​​​​​​પોલીસે મુંબઇમાંથી પકડ્યો, 5 હજારથી 25 હજાર ઉઘરાવી ફરાર થઇ ગયો હતો

ઇડરમાં ઓરેકલ ફાઇનાન્સ નામની પેઢી ચાલુ કરી લોભામણી લાલચ આપી તાલુકાના 150 થી વધુ ગ્રાહકોને લાખોની લોન આપવાના બહાને ગ્રાહકો પાસેથી પૈસા લઈ ફાયનાન્સ કંપની બંધ કરી છેતરપિંડી આચરનાર કંપનીના સંચાલકને પોલીસે પકડી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

ઈડરમાં બસ સ્ટેન્ડની સામે અને દામોદર વિસ્તારમાં આવેલ અંબિકા કોમ્પ્લેક્સમાં દુકાનમાં ફાઇનાન્સની લોભામણી લાલચ આપી ઇડર તાલુકાના 150 થી વધુ ગ્રાહકોને લાખોની લોન આપવાના સપના બતાવી ગ્રાહકો પાસેથી રૂ. 5 હજાર થી 25 હજાર સુધીની રકમ લઈ ટૂંકજ સમયમાં ઓફિસનું બોર્ડ ઉતારી તાળા બંધી કરી ફરાર થતાં ગ્રાહકોએ ભેગા મળી ઓરેકલ ફાઇનાન્સનો મેનેજર અને એજન્ટો સામે મૌખિક રજૂઆતો કરતાં ઈડર પોલીસે સ્થળ તપાસ હાથ ધરી હતી.

ત્યારબાદ બડોલી ગામના જયેશભાઇ નાયકે ફાઇનાન્સના મેનેજર અને માલિક સામે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ જે. એ. રાઠવાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ઇડર પોલીસે મુંબઇમાં રહીને ઓરેકલ ફાઇનાન્સ ચલાવતો યુવરાજ બાલાસાહેબ ખાડે નામના શખ્સની અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો. લોન માટે લોભામણી સ્કીમની લાલચ આપી અત્યાર સુધીમાં 150 ગ્રાહકો પોલીસ સામે આવ્યા છે ત્યારે હજુ વધારે કેટલાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરાઇ હતી. તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...