બદલી:શહેરામાં છેલ્લા કેટલાક દિવસથી ચાલતા રાજકીય વિરુદ્ધ વહીવટી નાટકના શો નો આંચકાજનક અંત

શહેરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરાના તાલુકા વિકાસ અધિકારીની તાત્કાલિક દાંતીવાડા ખાતે બદલી કરાઇ

આજથી 9 માસ અગાઉ પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ નિભાવતા અંકિતા ઓઝાની શહેરા તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી હતી. બદલીના થોડાજ સમયમાં તેઓની કામ કરવાની પદ્ધતિના કારણે શહેરા ભાજપ પદાધિકારીઓ સાથેનો ગજગ્રાહ સામે આવ્યો હતો. તે સમયે જિલ્લામાં તેઓ સામે રજૂઆત પણ કરવામાં આવી હતી. 4 માસ અગાઉ પણ તેઓ વિરૂદ્ધ આવેદનપત્ર જિલ્લામાં આપવામાં આવ્યું હતું. જેમાં વિકાસના કામોમાં સમયે લાભાર્થીઓને નાણાં ન મળતા હોવાનું અને વિકાસના કામોમાં રોડા નાખતા હોવાનું જણાવ્યું હતું.

જોકે બદલીના અઢી સપ્તાહ પહેલા પણ શહેરા તાલુકાના સરપંચો ઉપરાંત તાલુકા પંચાયત સભ્યો અને જિલ્લા પંચાયત સભ્યો દ્વારા જિલ્લા નાયબ વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તેમાં ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેઓના નજીકના કોઈ માણસ દ્વારા તેઓના ખાતામાં 5% જેટલી રકમનું કમિશન લઈ કામોની મંજૂરી આપવામાં આવતી હોવાનું અને આવાસના હપ્તાઓમાં પણ ખાયકી કરવામાં આવતી હોવાની વાત કહેવામાં આવી હતી. સાથે જ તેઓની તાત્કાલિક બદલી કરવામાં આવે એવી માગ કરવામાં આવી હતી.

પરંતુ માણસનું નસીબ અવળું હોય ત્યારે ચારે બાજુથી મુશ્કેલીઓ પીછો છોડે ના કંઈક એવું જ બન્યું અને શુક્રવારના રોજ પણ મિશન મંગલમની સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા રિવોલિંગ ફંડ અને વિધવાઓના પ્રધાનમંત્રી આવાસોમાં ભ્રષ્ટાચાર કરવાના આક્ષેપ સાથેનું આવેદનપત્ર જિલ્લામાં આપવામાં આવ્યું હતું. જે સંદર્ભની ગંભીર નોંધ ગાંધીનગર ખાતે લેવામાં આવતા તાત્કાલિક અસરથી જાહેર હિતમાં પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અંકિતા ઓઝાની બદલી બનાસકાંઠાના દાંતીવાડા ખાતે કરવામાં આવી હતી. શહેરાની ખાલી પડેલી જગ્યા પર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગ્રંધ્રા તાલુકા વિકાસ અધિકારી ઝરીના મોહયુદ્દીન અન્સારીની નિમણૂંક કરી છે.

શિક્ષાના ભાગરૂપે શહેરા બદલી કરી હતી
શહેરા ભાજપ પદાધિકારીઓ દ્વારા જ્યારે અઢી સપ્તાહ અગાઉ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું તે વખતે શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડના પી.એ. રણવીરસિંહે જણાવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારી અંકિતા ઓઝાની ચાણસ્મા ખાતે રાજ્ય સરકારના મંત્રી દિલીપ ઠાકોરના મત ક્ષેત્રમાં પણ કાર્યપદ્ધતિ સારી ન હોવાના કારણે શિક્ષાના ભાગરૂપે શહેરા બદલી કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત તેઓની કાર્યપદ્ધતિ અને કથિત ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે તેઓની શિક્ષાના ભાગરૂપે બદલી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...