તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:શહેરા તાલુકામાં સગીરાની છેડતી કરનાર ૩ સામે પોકસોનો ગુનો નોંધાયો

શહેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 યુવાનોને નિર્વસ્ત્ર કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
  • અનિલ પોતે નિર્દોષ હોવાનું જણાવી સગીરાના પરિજનો સામે ગુનો નોંધાવ્યો

શહેરા તાલુકામાં આવેલા એક ગામડાની બે સગીર વયની વિદ્યાર્થીનીઓ ધોરણ ૯ અને ધોરણ 11મા અભ્યાસ કરે છે, કોરોના મહામારીના કારણે થોડા સમય પહેલા જ રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આથી બંને સગીર વિદ્યાર્થીનીઓ શાળાએ ગઈ હતી. અને બપોરના 12 વાગ્યે શાળા છૂટતાં પોતાના ઘરે આવતી હતી.

તે સમયે જંગલ વિસ્તાર પાસે આવેલા માર્ગે પસાર થતી હતી તે વખતે શહેરા તાલુકાનાં વિજાપુર ગામનો અનિલ ઉર્ફે ઈનો રતિલાલ લુહાર, મીઠાલી ગામનો નિતેશ વિનોદભાઈ રાવત અને જીતેન્દ્ર દ્વારા બંને સગીરા પાસે મોબાઈલ નંબરની માગણી કરી છેડતી કરવા લાગેલા આથી સાથી સહધ્યાયીએ તેઓને આવું ન કરવાનું કહેતા તેને પણ પતાવી દેવાની અને સગીરાને ભગાડી જવાની ધમકી આપતા તેઓ ભાગીને પોતાના ઘરે આવી ગયા હતા.

14 વર્ષીય સગીરાએ બનેલી ઘટનાની તેણીની માતાને વાકેફ કરતા તેણીની માતાએ પિતાને જણાવતા ક્રોધાવેશમાં આવી વિજાપુર ગામે રહેતા અનિલ ઉર્ફે ઈનો રતિલાલ લુહારને શોધવા જતા રસ્તામાં જ તેનો ભેટો થતા તેને છોકરીની છેડતી કેમ કરી કહી મારવા લાગેલા અને ત્યારબાદ તેના અન્ય બે મીઠાલી ગામના મિત્રો કે જે આ છેડતીમાં સામેલ હતા. તેઓને ફોન કરી પસનાલ ચોકડી પર બોલાવાનું કહેતા બંને મિત્રો ત્યાં આવી પહોંચ્યા હતા.

ત્યારે એક ઈસમ દ્વારા તેની ચાર ચક્રી સફેદ ગાડીમાં અનિલ ઉર્ફે ઈનોને પણ ત્યાં લઈ જઈ ત્રણેય ને ઢોરમાર મારવામાં આવ્યા હતા. અને ત્યારબાદ પણ તેઓની ભડાશ ઓછી ના થતા ડોકવા ગામની કોઈ અજાણી જગ્યાએ લઈ જઈ ત્રણેય યુવાનોને નિર્વસ્ત્ર કરી લાકડી, ડંડા, બેલ્ટ જેવા મારક હથિયારો અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ ખાંડીયા સરપંચને થતા તેઓએ ત્રણેય યુવાનોને મારમાંથી બચાવી શહેરા પોલીસને જાણ કરી હતી.

પોલીસે ગંભીરતા જાણી તાત્કાલિક ત્યાં પહોંચી ૧૦૮ દ્વારા ઇજાગ્રસ્ત ત્રણેય યુવાનોને શહેરા સરકારી દવાખાને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જો કે ૧૪ વર્ષીય સગીરાની છેડતી કરનાર ત્રણ યુવાનોને નિર્વસ્ત્ર કરી ઢોર માર મારવાની ઘટનાને લઈ સમગ્ર શહેરા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. સગીરાના પિતાની ફરિયાદના આધારે ત્રણેય યુવાનો સામે છેડતી અને પોકસો અધિનિયમની કલમ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

તો સામે પક્ષે પણ ત્રણ યુવાનો પૈકી અનિલ ઉર્ફે ઈનો એ પોતે નિર્દોષ હોવાનું જણાવી સગીરાના દાદા, પિતા, કાકા અને બીજા ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલના તબક્કે યુવાનો પોલીસ નિગરાણી હેઠળ સારવાર હેઠળ છે. અને સારવાર પૂર્ણ થયા બાદ કોરોના માર્ગદર્શિકા અનુસાર તેઓની ધરપકડ કરવામાં આવશે. તથા સગીરાના દાદા, પિતા, કાકા અને ત્રણ બીજા ઈસમોની ધરપકડ માટેનાં ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...