સામાન્યતઃ ગુજરાતમાં 12મી જૂન પછી ચોમાસુ બેસતું હોય છે. સમગ્ર ગુજરાત અને પંચમહાલ જિલ્લામાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂત ચિંતામાં મુકાયો છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ પાસે આવેલું રતન મહાલ અભ્યારણ કે જે પાનમ નદીનું ઉદગમ સ્થાન છે. અને શહેરા તાલુકામાં પાનમ જળાશય આવેલો છે. તેમાં હાલમાં વરસાદ ખેંચાતા જળ સંકટ સર્જાય તેવો ભય તોળાઈ રહ્યો છે. જેના કારણે ખેડૂતોના પાકને બચાવવા માટે ગુજરાત સરકાર દ્વારા જળાશયોમાંથી સિંચાઈનું પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. જે સંદર્ભમાં પાનમ જળાશયમાંથી પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ, મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના અને વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મળી કુલ ૫ તાલુકાના 132 ગામોના 36405 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનું પાણી આપવામાં આવે છે.
જેમાં ૨૯મી જૂનથી રોજના રાબેતા મુજબ 700 ક્યુશેક પાણી સિંચાઈ માટે આપવામાં આવી રહ્યું છે. હાલના તબક્કે પાનમ જળાશયમાં 39.51% પાણીનો જથ્થો સંગ્રહિત છે. અને આગામી સપ્ટેમ્બર માસ સુધી જો વરસાદ પાછો ખેંચાય અથવા ન આવે તો ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની વિચારણા ચાલી રહી છે.
પાનમ પાણી પુરવઠા યોજના અંતર્ગત પીવાના પાણી માટે શહેરા તાલુકાના કોઠા ગામ યોજનામાં 20 ગામો, પંચમહાલ( પંચામૃત )ડેરી અને શહેરા શહેર જ્યારે ભુનિદ્રા યોજનામાં 54 ગામો અને શહેરા શહેરનો સમાવેશ થાય છે. આમ જો નજીકના સમયમાં ચોમાસાની જમાવટ ન થાય તો સિંચાઈના પાણીનું સંકટ ઘેરું બનવાના એંધાણ લાગી રહ્યા છે. આગામી સમયમાં મેહુલિયો તાલુકા અને જિલ્લામાં મન મૂકી વર્ષે એ રીતે લોકો ચાતક નજરે રાહ જોઈ રહ્યાં છે.
5.3 મિલિયન ઘ.મી પાણી પીવાનું રખાયું
પાનમ પાણી પુરવઠા જૂથ યોજના અંતર્ગત 5.3 મિલિયન ઘન મીટર પાણી પીવા માટે રાખવામાં આવ્યું છે. જેમાં કોઠામાં 20 ગામો, ભુનિંદ્રામાં 54 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત સહેરા શહેરનો પણ સમાવેશ કરાયો છે.
1 મહિનો સિંચાઈનું પાણી આપવા વિચાર
ખેડૂતોની માંગના આધારે સિંચાઈ માટેનું પાણી રોજના 700 ક્યુશેક પાણી 29મી જૂન 21થી અપાઇ રહ્યું છે. અને વરસાદ પાછો ખેંચાય તો લગભગ સપ્ટેમ્બર સુધી સિંચાઈનું પાણી આપવાની વિચારણા ચાલી રહી છે. જેથી ખેડૂતોનો પાક બચાવી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.