ક્રાઈમ:શહેરાના ખોજલવાસામાં ગાંજાનું ગેરકાયદે વાવેતર કરતાં માજી સરપંચ રંગેહાથ ઝડપાયા

શહેરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા બે વર્ષની અંદર શહેરા તાલુકામાં ગાંજાનો ગેરકાયદેસર રીતે વાવેતર કરવાનો ત્રીજો બનાવ બન્યો છે. તેમજ તસલવીરમાં ઝડપાયેલો માજી સરપંચ બેઠેલો નજરી પડે છે. - Divya Bhaskar
છેલ્લા બે વર્ષની અંદર શહેરા તાલુકામાં ગાંજાનો ગેરકાયદેસર રીતે વાવેતર કરવાનો ત્રીજો બનાવ બન્યો છે. તેમજ તસલવીરમાં ઝડપાયેલો માજી સરપંચ બેઠેલો નજરી પડે છે.
  • આશરે 392 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો, બે વર્ષમાં ગાંજાના ગેરકાયદે વાવેતર સાથે ધંધામાં ઉછાળો
  • ઝડપાયેલા ગાંજાની કુલ કિંમત રૂપિયા 39,24,000 જેટલી થાય છે

આમ તો નશાયુક્ત પદાર્થમાં અફીણ અને ગાંજાની ખેતીનું મુખ્ય જન્મ સ્થળ રાજસ્થાન અને મધ્યપ્રદેશને ગણી શકાય છે. કંઈક એને જ અનુસરીને શહેરા તાલુકાના ખોજલવાસા ગામે રહેતા અને વર્ષ 1995માં પોતાના ગામના પ્રથમ નાગરિક તરીકે એટલે કે સરપંચ તરીકેની સેવાઓ પણ તેઓ આપી ચુક્યા છે. પણ કહેવાય છે કે સંજોગો આગળ માણસ લાચાર હોય છે અને એ લાચારીના કારણે પોતાનું હિત જોવા માટે કોઈ પણ ગેરકાયદે પગલું લેતા અચકાતા નથી.

આ જ વસ્તુને સાર્થક કરતા બકુલ તેરસિંહ બારીઆ દ્વારા તેમના ખેતરમાં ગેરકાયદે ગાંજાનું વાવેતર કરાયું હતું, જે બાબતની બાતમીદાર દ્વારા શહેરા પોલીસ ઇન્સપેક્ટર નંદલાલ પ્રજાપતિને ખાનગી રાહે બાતમી મળી હતી જેની ગંભીરતા લઈ સોમવારે તેઓ દ્વારા આ બાબતની ખરાઈ કરી અને આ ગેરકાયદે ગાંજાની ખેતીની વાતને સમર્થન મળતાં તેઓ દ્વારા સરકારી પંચોને સાથે લઈ અને ખોજલવાસાના સુથાર ફળીયામાં રહેતા બકુલ તેરસિંહ બારીઆના ખેતરમાં તપાસ કરાઇ હતી. પોતાના કાળા કરતૂતોને છુપાવવા માટે બહુ જ ચતુરાઈથી તેમણે મરચા અને અન્ય છોડની સાથે ગાંજાનું વાવેતર કર્યું હતું.

ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરતા લોકોમાં કોઈ કાયદાનો ડર નથી
આ બાબતે શહેરા પોલીસ દ્વારા એફએસએલની મદદ લેવાતાં તેના અધિકારી દ્વારા ગાંજાના છોડ હોવાનું સ્થાપિત કર્યું હતું, આરોપીને તેની સાથે આ સિવાય પણ કોઇક જગ્યાએ ગાંજાનું વાવેતર કર્યું છે કે કેમ તે બાબતની પણ તપાસ કરવામાં આવી હતી, આ લખાઈ રહ્યું છે ત્યારે ગાંજાનો જથ્થો તોલી જોતાં 392 કિલો અને 400 ગ્રામ હોવાનું માલુમ પડ્યું છે. જેની કુલ કિંમત રૂ. 39,24,000 હોવાની માહિતી સાંપડે છે, નોંધનીય છે કે છેલ્લા બે વર્ષની અંદર શહેરા તાલુકામાં ગાંજાનો ગેરકાયદેસર રીતે વાવેતર કરવાનો ત્રીજો બનાવ છે આ પહેલા શહેરા તાલુકાના વાઘજીપુર તેમજ દલવાડા બાદ સોમવારે ખોજલવાસા ગામે ત્રીજો બનાવ બન્યો છે. હવે ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરતા લોકોમાં કોઈ કાયદાનો ડર ન રહ્યો હોય એવું આ બનાવ પછી ફલિત થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...