ચોરી:દૂધ ડેરીના સેક્રેટરીને રૂપિયા નીચે પડી ગયાનું જણાવી ગઠિયાએ 1.25 લાખની ચીલઝડપ કરી

શહેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અણિયાદ ચોકડી પર લગાવેલા સીસીટીવી કેમેરા બંધ હોવાથી ઘટના કેદ ના થઇ

શહેરનો અણિયાદ ચોકડી વિસ્તાર જ્યા શહેરા ભાજપના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડની કચેરી આવેલી છે. અને બરાબર તેની ઉપર પીડીસી બેન્ક છે, દિવસ દરમિયાન ગ્રાહકો બેંકમાં રૂપિયાની લેવડ દેવડ અર્થે આવતા હોય છે. પરંતુ હાલના તબક્કે અણિયાદ ચોકડી વિસ્તાર લુખ્ખા તત્વો અને ચિલઝડપ કરનારાઓ માટે સ્વર્ગ સમાન બનવા જઈ રહ્યો છે.

થોડા સમય અગાઉ તાલુકાના એક ગામડાની વ્યક્તિનુ ધ્યાન ચૂકવી રોકડની ચિલઝડપ થઈ હતી. ત્યારે દલવાડાની ખોડિયાર દલવાડા દૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરી કુબેરસિંહ અભેસિંહ પગી દૂધ મંડળીમાં દૂધ ભરવા આવતા ગ્રાહકોને દૂધના નાણાં આપવા માટે શહેરા અણિયાદ ચોકડીની પી.ડી.સી બેંકમાં ઉપાડ ચેક ભરી રૂા. 1.35 લાખ ઉપાડ્યા હતા.બેન્કમાંથી નીચે ઉતરી રીક્ષા પાસે આવી રોકડ ભરેલો થેલો રિક્ષાની પાછળની બેઠક બાજુ મુક્યો હતો. તે સમયે એક અજાણ્યાએ ડેરીના સેક્રેટરીને ખિસ્સામાંથી રૂપિયા નીચે પડ્યા હોવાનું જણાવતા તે રૂપિયા લેવા નીચે તરફ વળતા રિક્ષામાં મુકેલો રોકડનો થેલો ઉઠાવી અજાણ્યો ઈસમ લઈ રફુચક્કર થઈ ગયો હતો. રૂપિયા નીચે પડી ગયા છે. એ જણાવનાર ઈસમ પણ ગાયબ થયો હતો. આથી ડેરીની આટલી મોટી રકમ જતા ડેરીના ચેરમેનને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા અને ગુરુવારે શહેરા પોલીસ મથકે આ બાબતની ફરિયાદ નોંધાવી હતી.

અત્રે નોંધનીય છે કે થોડા સમય અગાઉ પણ આજ રીતે અણિયાદ ચોકડી વિસ્તારમાં ચિલઝડપનો બનાવ બન્યો હતો અને માત્ર થોડા દિવસના અંતરે ફરી એક વખત ચિલઝડપ નો બનાવ બનતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે શું કોઈ એક ચોક્કસ ગેંગ આ વિસ્તારમાં કાર્યરત છે કે શું ? પાલિકા દ્વારા લાખો ના ખર્ચે પ્રવેશદ્વાર તેમજ મુખ્ય જગ્યાઓ પર સીસીટીવી બેસાડ્યા હતા પરંતુ સત્તાધીશોની આળસ ના કારણે બંધ હાલત માં છે જેથી ઉઠાવગીરો માટે મોકળું મેદાન બની ગયું છે. અને ગામડાંની ગરીબ પ્રજા ને પોતાના મહેનત થકી કમાયેલા રૂપિયા ખોવાનો વારો આવે છે. ત્યારે પાલિકા સત્તાધીશો પોતાની આળસ ખંખેરી સત્વરે સી.સી ટીવી કેમેરા ચાલુ કરે એવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...