તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરાનો વિચિત્ર કિસ્સો:જોટવડના યુવાનની પોલીસને અરજી - ‘ખેતરમાં હતો ત્યારે 2 ભૂતે મારી નાખવાની ધમકી આપી’, તપાસમાં માનસિક બીમાર હોવાનું ખૂલ્યું

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જાંબુઘોડા પોલીસમાં અરજી આપનાર માનસિક અસ્વસ્થ વ્યક્તિ. - Divya Bhaskar
જાંબુઘોડા પોલીસમાં અરજી આપનાર માનસિક અસ્વસ્થ વ્યક્તિ.
  • અરજીમાં આરોપી તરીકે કોઇ વ્યક્તિ નહીં, ભૂત દર્શાવતાં આશ્ચર્ય
  • પોલીસની તપાસમાં અરજદાર માનસિક બીમાર હોવાનું જણાયું

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામના અરજદાર વરસંગભાઈ બારીયાએ જાંબુઘોડા પોલીસ મથકમાં લેખિત અરજી આપી જણાવ્યું છે કે ખેતરમાં કામ કરતી વખતે ભૂતોની ટોળકી આવી હતી અને આ ટોળકીમાંથી 2 ભૂતોએ અરજદાર વરસંગ બારીયા પાસે આવીને જાનથી મારી નાખવાની ધમકી આપતા દોડીને પોલીસ સ્ટેશનમાં આવીને જાન બચાવવાની અરજી કરી હતી. જાંબુઘોડા પોલીસ દ્વારા સમગ્ર મામલે અરજદાર દ્વારા આપેલી અરજી ઇનવર્ડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અરજી મળ્યા બાદ તપાસ કરાતા અરજદાર વરસંગ બારીયા માનસિક બીમારીથી પીડાતો હોવાનું સામે આવ્યું હતું.

યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવાઈ
જાંબુઘોડા પોલીસ મથકમાં અરજદારે ભૂતો દ્વારા મારી નાખવાની ધમકી મળ્યા હોવાની અરજી આપ્યાની વાત જાણીને સૌ કોઈને આશ્ચર્ય થવા પામ્યું હતું. પોલીસ મથકે કોઈપણ અરજદાર દ્વારા આપવામાં આવતી અરજીને સ્વીકારી અને તેની તપાસ કરવી તે ફરજ બનતી હોય છે જેને લઈને અરજી સ્વીકારવામાં આવી હતી અને તે બાબતે તપાસ કરવામાં આવતા અરજદાર માનસિક બીમાર હોવાનુ માલુમ પડ્યું હતું. જોકે પોલીસ મથકે આપેલી અરજી પરિજનોની જાણ બહાર જ આપવામાં આવી જોવાનું પણ પરિજનો જણાવી રહ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે માનવતા દાખવીને અરજદારને યોગ્ય સારવાર મળી રહે તે અંગે માનસિક રોગના નિષ્ણાંત સાથે સંપર્ક કરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

અરજદારને માનસિક રોગના તબીબ સાથે રાખીને કાઉન્સિલિંગ કરવામાં આવશે
જાંબુઘોડા પોલીસ મથકે અરજી આવેલી કે અરજદારને ભૂતોની ટોળકીમાંથી બે ભૂતો મારી નાંખવાની ધમકી આપે છે. પોલીસ મથકે કોઇ પણ પ્રકારની અરજી કોઇપણ આપે તેની તપાસ કરવી પડે જેથી આ અરજીની તપાસ કરતાં અરજદાર માનસિક તકલીફવાળો હોવાનું જાણવા મળ્યું હતું. જાંબુઘોડા પોલીસને માનસિક રોગીના ડોક્ટરને સાથે રાખીને કાઉન્સિલિંગ કરવાનું કહ્યું છે. > હિમાલા જોશી, ડીવાયએસપી, ગોધરા

મારો ભાઇ 1 વર્ષથી માનસિક રોગી છે
ભૂતો દ્વારા પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની અરજી પોલીસ મથકે આપનાર અરજદાર છેલ્લા 1 વર્ષ ઉપરાંતના સમયથી માનસિક રોગથી પીડાતો હોવાનું તેમના પરિજનો જણાવી રહ્યા છે. તેમજ તે રોગ અંગેની સારવાર પણ હાલ ચાલી રહી હોવાનું અરજદારના ભાઇ મહેશ બારીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...