આયોજન:ગાંધી આશ્રમ ખાતે 152મી ગાંધી જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો

ગોધરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નશાબંધી સપ્તાહ ઉજવણી અને એક માસ સ્વચ્છતા અભિયાન ચાલશે

ગોધરાના ગાંધી આશ્રમ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 152મી જન્મ જ્યંતિની ઉજવણી નિમિત્તે નેહરૂ યુવા કેન્દ્ર અને એન.એસ.એસ.ના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધી આશ્રમ ખાતેથી એક સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સાથે જ જિલ્લામાં એક માસ ચાલનારા સ્વચ્છતા અભિયાનને પણ ઉપસ્થિત મહાનુભાવોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આશ્રમની વિદ્યાર્થીનીઓ દ્વારા પૂ. બાપુને અતિ પ્રિય એવા રઘુપતિ રાઘવ રાજારામ... ભજનની પ્રસ્તુતિ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

નેહરૂ યુવા કેન્દ્રના વિઠ્ઠલભાઈએ 1 મહિનો ચાલનારા ક્લીન ઈન્ડિયા કેમ્પેઈન વિષે વિગતવાર માહિતી આપી હતી. ગંદકીમુક્ત ભારતનું ગાંધીજીનું સપનું સાકાર કરવા માટે દરેક નાગરિકે પોતાના ઘર, શેરી, ગામ-શહેર અને આસપાસના વિસ્તારને ગંદકીમુક્ત રાખવામાં પોતાની ભૂમિકા સમજી ગંભીરતાપૂર્વક પોતાની જવાબદારી નિભાવવાની છે. નેહરૂ યુવા કેન્દ્રની 13 ટીમો જિલ્લાના કુલ 130 ગામોમાં સરપંચ અને ગ્રામવાસીઓની સહાયતાથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરશે તેમજ તેનો ઉપયોગ ન કરવા અંગે ગ્રામવાસીઓને સમજાવશે. ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને મહાનુભાવોએ આ પ્રસંગે સ્વચ્છતા શપથ લીધા હતા. બાપુના જન્મદિન નિમિત્તે આજે વ્યસનમુક્તિના ધ્યેયને પૂર્ણ કરવા ગાંધીઆશ્રમ ખાતે નશાબંધી અને આબકારી ખાતા દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણીનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, કાર્યક્રમમાં બાપુના સ્વચ્છતા અને નશાબંધી અંગેના વિચારોને રસપ્રદ રીતે રજૂ કરતા એક ભવાઈ નાટકની સુંદર પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા રમત-ગમત અધિકારી પ્રકાશ કલાસવા, ગાંધી આશ્રમશાળાના આચાર્ય કાનજીભાઈ પટેલ, લોકકલાકાર બહાદુરભાઈ ગઢવી, મામા ફડકેના સ્મિતાબહેન, નશાબંધી અને આબકારી વિભાગના પારગી, નેહરૂયુવા કેન્દ્રના સ્વયંસેવકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...