• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Vaccine Slogans Written On Rickshaws In Panchmahal, Two dose Takers In Bharuch Say 'now Relaxed' Surendranagar Close To 100 Per Cent

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પંચમહાલમાં રિક્ષાઓ પર રસીનાં સૂત્રો લખાયાં, ભરૂચમાં બે ડોઝ લેનારા કહે છે ‘હવે નિશ્ચિંત થઈ ગયા’ સુરેન્દ્રનગર 100 ટકા નજીક

ટીમ ભાસ્કરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયાનાં જુઠ્ઠાણા અને સામુદાયિક જક્કી વલણથી કેટલાક લોકો હજી રસી પ્રત્યે બેફીકર
  • સુરેન્દ્રનગરના ચાર તાલુકામાં 100 ટકા રસીકરણ થઇ ગયુ છે. સમગ્ર જિલ્લામાં 90 ટકા વેક્સિનેશન પૂર્ણ
  • નર્મદા જિલ્લામાં 587 ગામોમાં વેક્સિનના પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે
  • વેલવડ ગામમાં લોકો રસી લેતા નહોતા, પણ કોરોનામાં 10 મોત થતાં 100 ટકા વેક્સિનેશન થયું

મધ્ય ગુજરાતમાં પંચમહાલ અને ભરૂચ જિલ્લામાં વેક્સિનેશન 100 ટકાની નજીક પહોંચી ગયું છે. આદિવાસી વિસ્તાર ધરાવતા પંચમહાલ જિલ્લામાં પ્રથમ ડોઝનું 98 ટકા અને બીજા ડોઝનું 49 ટકા રસીકરણ થયું છે. ભરૂચ જિલ્લામાં 18 વર્ષથી વધુ વયના 12.15 લાખ લોકોની સામે 11,84,286 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે એટલે કે 93.33% ટકા વેક્સિનેશન થયું છે. જ્યારે 5,99,884 લોકોએ બીજો ડોઝ એટલે કે 47.28% લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપી દેવાયો છે. ભરૂચ જિલ્લામાં 100% વેક્સિનેશન વાળા 612 ગામોનો સમાવેશ થઈ ચૂક્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચાર તાલુકામાં તો 100 ટકા રસીકરણ થઇ ગયુ છે. અને સમગ્ર જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધીમાં 90 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.

પંચમહાલ જિલ્લો કોરોનામાં મોત થતાં લોકો વેક્સિન લેવા લાગ્યા
પંચમહાલમાં ગોધરાના વેલવડ ગામે 2000ની વસ્તીમાં 45 લોકોને કોરાના થયો હતો. આ પૈકીના 10ના મોત થઇ ગયા હતા. આ ગામના આશાવર્કર હંસાબેન પરમારે કહ્યું કે, અહીં શરૂઆતમાં લોકો રસી લેતા ન હતા. લોકો વાડામાં થઇને ભાગી જતા હતા. પણ જ્યારે કોરોના પોઝિટિવ આવ્યાં, મોત થયા તથા એવા સમાચારો બહાર આવવા માંડ્યા. વેજલપુર પીએચસીના ડો. ઝુબેર પટેલ કહે છે કે, મારા પરિચિતો પાસે યુવાનોને બોલાવીને તેમની સામે રસી મૂકાવી પછી કેટલાક તૈયાર થયા પણ હજીય ઘણાખરા બાકી છે. એરાલના કૌશિક પાઠકે કહ્યું કે, કોરોના વખતે આડાશ મૂકીસ્વયંભૂ રેડઝોન લાગૂ કર્યો અને હવે ગામમાં 100 ટકા વેક્સિનેશન થઈ ગયું છે.

રિક્ષા પર સૂત્રો લખાવ્યાં, વેક્સિન મોત નહીં, જિંદગી હૈ
ગોધરામાં ટ્રાફિક પીએસઆઇ જાડેજા મેડમે 40 રિક્ષાઓ પર વેક્સિનેશન કરવું જોઇએ તેવા સંદેશા સાથેના શાયરીઓ અને સૂત્રો લખાવ્યા. પરિણામ એ આવ્યું કે હવે પ્રથમ ડોઝનું રસીકરણ 94 ટકાને પાર થયું છે. રિક્ષાચાલક ગોપાલ પઢિયારે જણાવ્યું કે, મારો એક મિત્ર કોરોનામાં ખોયો હતો પીએસઆઇ જાડેજા મેડમના કહેવાથી મેં જ નહીં બીજા 40 રિક્ષાચાલકોએ સ્લોગન લખાવ્યાં છે.

ભરૂચ જિલ્લો ગામડાંઓમાં રાત્રી મિટિંગો તેમજ બેઠકો કરાઈ હતી
ભરૂચ જિલ્લામાં વેક્સિનેશન પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેટલાંક ગામડાઓમાં રાત્રી મિટિંગો તેમજ બેઠકો કરવામાં આવી હતી. ઉપરાંત આરોગ્યની ટીમો દ્વારા પણ ગામે ગામ લોકોમાં જાગૃતિ લાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. નેત્રંગ તાલુકામાં કહે છે કે રસીનો ડોેઝ લીધા બાદ નિશ્ચિંત થઈ ગયા છીએ. નેત્રંગમાં ચાલતા વેક્સિન કેમ્પમાં વિકલાંગ લોકોએ પણ આગળ આવી અન્ય લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. જિલ્લામાં સૌથી પહેલાં બે મહિના પૂર્વે 36 ગામોમાં 100 ટકા વેક્સિનેશન થયું હતું. જેમાં હાંસોટ તાલુકાના 10 ગામોનો સમાવેશ થયો હતો. આજે 6 તાલુકામાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરી દેવાયું છે.

સુરેન્દ્રનગર જિલ્લો ગામડાં ધબકી ઊઠ્યાં: દિવાળીનો અનેરો ઉત્સાહ
કોરોનાના સમયમાં લોકોમાં ભયથી રસ્તાઓ, ગામડાં સુમસામ, બજારો-ઓફિસો ભેંકાર બનેલા. આ માહોલની સ્થિતિ આજે પલટાઇ છે. સમયની સાથે સાથે રસીકરણની પ્રક્રિયાએ લોકોને પુન: ભયમુકત કરીને જીવનની ગાડી પાટે ચઢાવી દીધી છે. ગામડાંમાં કોઇ ઘરની બહાર નિકળતુ ન હતુ. હવે જીવશંુ કે મરશંુ બસ લોકોને આ ચીંતા જ કોરી ખાતી હતી. ઝમર સહિતના ગામમાં 100 ટકા રસીકરણ થઇ ગયુ છે જેથી લોકોનો ડર દૂર થયો છે. અને ઘર બહાર નિકળી ગામના લોકો સાથે બેસીને પહેલા જેવુ જ જીવન જીવી રહ્યા છે. આરોગ્ય વિભાગે રસી અંગેની લોકોની ધાર્મિક ખોટી માન્યતાઓને દૂર કરવા માટે ગામના આગેવાનો અને સમાજના ભુવાની પણ મદદ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...