આજથી નવરાત્રી:ગોધરા-દાહોદના 180 સ્થળોએ શેરી ગરબા સ્વરૂપે ફરીથી પરંપરા ધમધમશે

ગોધરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
દાહોદ શહેરમાં નવલી નવરાત્રી પહેલાં મંદીરો અને વિસ્તારોમાં રંગબેરંગી કાપડ અને લાઇટિંગ કરીને શણગાર કરવામાં આવ્યો છે. જેણે નવરાત્રીનો માહોલ જમાવ્યો છે. - Divya Bhaskar
દાહોદ શહેરમાં નવલી નવરાત્રી પહેલાં મંદીરો અને વિસ્તારોમાં રંગબેરંગી કાપડ અને લાઇટિંગ કરીને શણગાર કરવામાં આવ્યો છે. જેણે નવરાત્રીનો માહોલ જમાવ્યો છે.
  • ગોધરા સહિત જિલ્લાની શેરીઓમાં ગરબાની રમઝટ જામશે
  • શેરી ગરબા સંવર્ધન સમિતિ 7 વર્ષથી શેરી ગરબાનું આયોજન કરી રહી છે

ગોધરા સહિત જિલ્લામાં આજથી આસો નવરાત્રીની ઉજવણી જોરશોરથી થશે. મંદિરોમાં અનુષ્ઠાન, પૂજા પાઠ તથા ગરબા રમાશે. ગોધરામાં શેરી ગરબા આકર્ષણ જમાવશે. લાંબા સમયથી યુવાધનમાં જોવાતી નવરાત્રિની આતુરતાનો આજે અંત આવશે. જિલ્લામાં પણ નવલા નોરતાની તૈયારીને શેરી આયોજકો દ્વારા ડેકોરેશન કરી અંતિમ ઓપ અપાયો છે. ગોધરામાં છેલ્લા 7 વર્ષથી શેરી ગરબા સંવર્ધન સમિતિના અથાક પ્રયત્નોથી શેરી ગરબાની સંખ્યા વધી છે. શહેરમાં મોટા ગરબાનું આયોજન થતું નથી પણ શેરી ગરબાનો દબદબો છે.

શહેરમાં 150થી વધુ શેરી અને સોસાયટીમાં શેરી ગરબા યોજાશે. સરકારે 400 લોકોને ગરબા રમવાની છૂટ આપતાં ખૈલેયાઓ આનંદમાં છે. આ વર્ષે ચોથની તિથિનો ક્ષય થવાથી નોરતા 8 દિવસના રહેશે. ગોધરામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ પરિવાર માટે જ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના હાલોલ, કાલોલ, ઘોઘંબા, શહેરા તાલુકામાં વિવિધ શેરી આયોજકો દ્વારા નવરાત્રી મહોત્સવનુ આયોજન કરાતું હોય છે. આજથી મોડી રાત સુધી સંગીતના તાલે યુવાધન ગરબે ઘુમશે.

રાત્રે 12થી સૂર્યોદય સુધી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ
પંચમહાલમાં રસ્તાઓમાં તથા સાર્વજનિક જગ્યાઓમાં ઘોંઘાટ કરતા સાધનો વગાડવા પર તેમજ લાઉડ સ્પીકરના ઉપયોગ પર નિયંત્રણો મૂકતુ જાહેર હુકમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.ડી.ચુડાસમા દ્વારા સમગ્ર પંચમહાલ જિલ્લામાં તા. 7 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર, (બંને દિવસો સહિત) રાત્રિના 12 વાગ્યાથી સૂર્યોદય સુધી રસ્તામાં કે સાર્વજનિક જગ્યાઓમાં અથવા તેની નજીકમાં વાંજિત્રો, ભૂંગળા, લાઉડ સ્પીકર અથવા ઘોંઘાટ કરે તેવા બીજા સાધનો વગાડવા પર, રહેવાસીઓને તથા આવ-જા કરનારાઓને હેરાનગતી થાય તેવી પ્રવૃતિ કરવા પર પ્રતિબંધ મૂકતો જાહેર હુકમ કરાયો છે. લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા માટે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી આવશ્યક છે.

દાહોદના 30 સ્થળોએ શેરી ગરબાનું આયોજન
દાહોદ શહેર સહિત જિલ્લામાં ખેલૈયાઓ ઉત્સાહ સાથે ગરબે ઘુમવા તત્પર છે. દાહોદ શહેરમાં 30થી વધુ સ્થળે શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. આજથી નવલા નોરતાનો શુભારંભ થયો છે. દાહોદ શહેર અને જીલ્લામાં બુધવારે નવરાત્રીની તમામ તૈયારીઓ પૂર્ણ થયેલી જોવા મળી હતી. આ વર્ષે સરકારે શેરી ગરબાની પરવાનગી આપી છે. ત્યારે દાહોદ શહેરમાં સંખ્યાબંધ સ્થળે તેનું આયોજન કરવામાં આવ્યુ છે. દાહોદ શહેર સાથે જિલ્લાના ઝાલોદ, દેવગઢ બારીયા, લીમખેડા, ફતેપુરા, ધાનપુર, સંજેલી, લીમડી, સુખસર, ગરબાડા સહિતના તાલુકા મથકો ઉપરાંત ગામેગામે શેરી ગરબાના આયોજન કરવામાં આવ્યા છે. ગરબે ઘુમવા માટે યુવતીઓ દ્વારા વિવિધ પ્રકારની ખરીદી પણ કરી લેવામાં આવી છે. નવરાત્રીના આગલા દીવસે મોડી રાત સુધી બજારમાં ખરીદી કરવા લોકો ઉમટ્યાં હતાં. જેને પગલે નવરાત્રી પહેલાંના સમયમાં ઘરાકીની રાહ જોતા વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. એકંદરે હવે ખેલૈયાઓ અને વેપારીઓ બન્ને ખુશી ખુશી નવરાત્રી ઉજવશે.

અન્ય સમાચારો પણ છે...