ગેરસમજ:શહેરાની રેશનિંગ દુકાનમાં ચોખાના જથ્થામાં પ્લાસ્ટિકના ચોખા નહિ, ફોર્ટિફાઈડ ચોખા હોવાનો રિપોર્ટમાં ખુલાસો

ગોધરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ. ભો. યોજનામાં વિતરણનો જથ્થો શરતચૂકથી સરકારી દુકાને પહોંચ્યો : ચોખાનો રંગ અને આકાર અલગ હોઈ ગેરસમજ ઉભી થઈ હતી

શહેરા ખાતે સરકારી અનાજ વિતરણ કરતી સસ્તા અનાજની દુકાનમાંથી આપેલા ચોખાના જથ્થામાંથી પ્લાસ્ટીકના ચોખા મળ્યા હોવાની રેશનકાર્ડ ધારક દ્વારા કરેેલી ફરિયાદ બાદ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આ બાબતે તપાસ કરી ચોખાના જથ્થામાંથી મળી આવેલા અલગ રંગના ચોખાના દાણા પ્લાસ્ટિકના ન હોવાનું જણાવી ફોર્ટિફાઇડ રાઈસ હોવાનું જણાવ્યું હતું.જયારે શુક્રવારે ગાંધીનગર ખાતેથી આવેલી ફૂડ રિસર્ચ લેબોરેટરીની ટીમ દ્વારા પણ ગોધરા તેમજ શહેરા ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનોમાં ચોખાના જથ્થામાંથી અલગ અલગ સેમ્પલો મેળવીને તેમજ અલગ રંગના ચોખાના દાણાના પણ અલગ અલગ સેમ્પલ મેળવી સ્થળ પર જ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જેમાં ફૂડ રિસર્ચ લેબોરેટરીના નિયમો મુજબ કરવામાં આવેલા પરીક્ષણમાં અલગ રંગનો જોવા મળતો ચોખાનો દાણો પ્લાસ્ટિકનો દાણો નહીં પરંતુ ફોર્ટીફાઈડ રાઈસનો દાણો હોવાનું સામે આવ્યું હતું. ગાંધીનગર ખાતેથી આવેલી ટીમ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અરજદાર દ્વારા કરવામાં આવેલી પ્લાસ્ટિકના ચોખા અંગેની ફરિયાદ સદંતર ખોટી છે અને અલગ રંગ અને આકાર ધરાવતા ચોખાના દાણા પ્લાસ્ટિકના નહિ પરંતુ ફોર્ટિફાઇડ રાઇસના છે.

સરકાર દ્વારા બાળકોમાં કુપોષણ દૂર થાય તે હેતુથી એપ્રિલ માસથી ફોર્ટિફાઇડ રાઈસ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે જ સરકાર દ્વારા વિટામીન બી 9, બી 12 , ઝીંક,આયર્ન સહિતના પોષણયુક્ત તત્વો મિશ્રિત કરીને ચોખાના દાણા પ્રકારે બનાવી તેને 50 કિલોની બેગમાં 500 ગ્રામ ફોર્ટિફાઇડ રાઈસ ઉમેરીને આપેે છે. આમ પ્લાસ્ટિકના ચોખા હોવાની વાતને તમામ તપાસ બાદ પુરવઠા વિભાગ દ્વારા રદિયો આપ્યો હતો.

મ. ભો.ના ચોખા જાહેર વિતરણ દુકાને પહોંચ્યા
રાજ્ય સરકાર દ્વારા બાળકોમાં કુપોષણ દૂર થાય અને પોષકતત્વોની ઉણપથી થતા રોગો સામે રક્ષણ મળી રહે તે હેતુ થી પ્રથમ ફોર્ટિફાઇડ લોટ અને હવે ફોર્ટિફાઇડ રાઈસ આઈ સી ડી એસ અને મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને આપવાનું નક્કી કરવામાં આવ્યું અને એપ્રિલ 2021 થી તેનો અમલ શરુ પણ કરવામાં આવ્યો અને બાળકોને આ ફોર્ટિફાઇડ રાઈસનું વિતરણ પણ કરવામાં આવ્યું પરંતુ શહેરા ખાતે બનેલી ઘટનામાં શહેરા ખાતે આવેલા પુરવઠા નિગમના ગોડાઉન પર આવેલા આ ફોર્ટિફાઇડ રાઈસ જે મધ્યાહન ભોજન યોજનામાં વિતરણ કરવાના હતા તે શરતચૂકથી અમુક જથ્થો સસ્તા અનાજનું જાહેર વિતરણ કરતી દુકાને પહોંચી જવા પામ્યો હતો અને આ દુકાનેથી ફોર્ટિફાઇડ રાઈસનું જાહેર વિતરણ કર્યું હતું. જ્યાંથી અનાજ મેળવેલ કાર્ડધારકને સામાન્ય ચોખાના દાણા કરતા ફોર્ટિફાઇડ ચોખાનો દાણો અલગ લગતા તેણે ફરિયાદ કરી હતી.

સ્થાનિક પુરવઠા વિભાગ અને ફૂડ રિસર્ચ લેબોરેટરીની તપાસમાં ગેરસમજ દૂર થઇ
ઘી શહેરા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની શાખા નંબર 3 પરથી વિતરણ કરેલા સસ્તા અનાજના જથ્થામાં આપેલા ચોખાના જથ્થામાં ચોખાના દાણાનો રંગ અને આકાર અલગ જોવાતા કાર્ડ ધારક દ્વારા ચોખા પ્લાસ્ટિકના હોવાની ફરિયાદ કરી હતી, જોકે સ્થાનિક પુરવઠા વિભાગ અને ફૂડ રિસર્ચ લેબોરેટરી ગાંધીનગરની ટીમ દ્વારા સ્થળ પાર આવી તમામ માપદંડો આધારે ચોખાની તપાસ કરતા ચોખા પ્લાસ્ટિકના નહીં પરંતુ ફોર્ટિફાઇડ રાઈસ હોવાનું સામે આવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...