કામ અટક્યું:60 વર્ષ અગાઉ મંજૂર થયેલી કાલોલની ગોમા બંધ યોજના અભરાઇએ ચઢાવાઇ

ગોધરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
કલોલ તાલુકામાં આવેલી ગોમા નદી પર બનનાર ડેમની તસવીરમાં અને ઇન્સેટ ફોટોમાં તેની કચેરી. - Divya Bhaskar
કલોલ તાલુકામાં આવેલી ગોમા નદી પર બનનાર ડેમની તસવીરમાં અને ઇન્સેટ ફોટોમાં તેની કચેરી.
  • યોજના કાર્યરત થાય તો 30 હજાર હેકટર જમીનને ફાયદો થાય, જો કે સરકાર કે તંત્રએ કોઇ નોંધ ન લીધી
  • ​​​​​​​ડુબાણ જતા ગામના લોકોના વિરોધથી યોજનાનું કામ અટક્યું , હાલ સરપંચોએ યોજનાને ચાલુ કરાવવા કમરકસી છે

કાલોલ તાલુકાના વેજલપુર ગામ પાસે આવેલી 900 અેકરમાં પથરાયેલી બાગાયતની ખેતીને જીવતદાન અાપવા વર્ષ 1965માં પંચવિર્ષિય યોજનામાં કાલોલના અડાદરા પાસે ગોમા નદી પર બંધ બનાવવાની યોજના નક્કી કરવામાં અાવી હતી. આજથી 60 વર્ષ અગાઉ યોજનાની શરૂઆત તો ભારે ઉત્સાહ સાથે થઈ હતી. અહીં રોલ્ડ ફીલ્ડ ઝોનવાળો 5891 મીટર લાંબો માટીયાર બંધ બનાવવાનું આયોજન કરાયું હતું. જેમાં સિંચાઈ સુવિધા માટે ડાબા અને જમણા કાંઠાની લાંબી કેનાલ બનાવવાની યોજના હતી.

જેમાં કેન્દ્રિય બાગાયત સહિત કુલ 10318 હેકટર જમીનનો પિયત વિસ્તારમાં સમાવેશ થતો હતો. આ તમામ રૂપરેખા સાથે આકાર લેનારા ગોમા બંધ યોજનાની વહીવટી મંજૂરી વર્ષ 1981માં 1062 લાખ આકારણી કર્યા બાદ જેમાં સુધારેલા એસ્ટીમેન્ટ સાથે વર્ષ 1997 દરમિયાન રકમ અંદાજીત 4759 લાખ આકારવામાં આવી હતી. હાલોલ ખાતે કાર્યપાલક ઈજનેર કચેરી અને વેજલપુર ખાતે કર્મચારીઓ માટે ગોમા કોલોનીનું નિર્માણ કરાયું હતું.

ડેમ બનાવવા માટે સરકારી, ખાનગી અને જંગલ ખાતાની મળી ડુબાણમાં જતી કુલ 972 હેકટર જમીન સંપાદન કરવાની, વળતર ચુકવણું, વિસ્થાપીતોને અન્ય સ્થળે વસાહત જમીન ફાળવણી, વનીકરણ સહિતની કામગીરી સંલગ્ન વિભાગે શરૂ કરી અંશતઃ પુરી પણ કરી હતી. જેના બાદ અહીં ડેમના પાયાની કામગીરી શરૂ કરી કોન્ક્રીટ કામ કરાયું હતું. જેના માટે રોયણ ગામમાં રહેણાંક કવાટર્સ બનાવી મશીનરી લાવવામાં આવી હતી. થોડા વર્ષો સુધી આ કામગીરી ચાલી હતી.

ગોમાં નદીમાં થયેલા ડેમને લઈને કાલોલ ખાતે સરપંચ અને માજી સાંસદ સભ્ય પ્રભાતસિંહ તેમજ સિંચાઈના અધિકારીઓ દ્વારા બેઠક બોલાવી હતી. જેમાં જમીનના વિવિધ પ્રશ્નો તેમજ વળતરને લઈ ને ચર્ચા કરવામાં આવી હતી. જો જમીન સંપાદન થઈ જાય તો આ ડેમ જલ્દી થઈ શકે છે.

તાલુકાની તમામ ગ્રામ પંચાયતને પાણી મળશે
અા યોજના વર્ષ 1965થી 1969ની પંચવર્ષિય યોજનામાં મંજુર થઇ હતી. અે વખતેના પંચમહાલના અેમપી માણેકલાલા ગાંધીઅે જે તે વખતે કેન્દ્રીય બગાયત માટે 900 અેકર જમીન અાપી હતી. અા બગાયતને પાણી પુરુ પાડવા માટે ગોમા નદી પર ડેમ બનાવવાની તૈયારી શરૂ કરવામાં અાવી હતી. જે તે વખતે ખેડૂતોને વળતર અાપવામાં અાવ્યું હતું. અા યોજના ચાલુ થશે તો કાલોલ તાલુકાની અેક પણ પંચાયત પાણી વગર રહેશે નહિ. થોડા ગામોમાં વિરોધ છે. તેવા ગામોને સમજાવીને અા યોજના ચાલુ કરાવીશુ. > પ્રભાતસિંહ ચૌહાણ,માજી સાંસદ,પંચમહાલ
4 હજાર હેકટર જમીનમાં સિંચાઇ પાણી અપાશે
ગોમા નદી પર ડેમ બનાવવામાં અાવનાર છે. જેમાં 9 ગામો ડુબાણમાં જાય છે. અને 589 હેકટર જમીન સંપાદન કરવાની થાય છે. જે પૈકી 125 હેકટર જમીનનું ખેડૂતોને વળતર અાપી દીધું છે. ગામે ગામે મીટીંગ કરીને ખેડૂતોને સમજાવાની કામ કરવાના છીએ. અા ડેમથી જમણા કાઠાં 10 કી.મી લાંબી નહેર અને ડાબા કાઠા પર 3 કી.મી નહેર છે. અદાંજીત 4 હજાર હેકટર જમીન સિંચાઇનું પાણી અપાશે. કુલ 30 અેમસીઅેમ પાણીનું સ્ટોરેજ થશે. જમીન સંપાદન વહેલું થઇ જાય તો બે વર્ષમાં યોજના પુર્ણ થઇ ચાલુ થઇ જશે. >આર જી ધ્રાંગર, સુપ્રીટેન્ડ એન્જીનયર,પંચમહાલ

સરકાર બજેટમાં નાણાંની જોગવાઈ કરે એવી માગ સાથે રજૂઆત
ગોમા નદીની આસપાસ કાલોલ તાલુકામાં આવેલા ગામોમાં ભૂગર્ભ જળ સ્તર નીચે જતાં રહેતાં પીવાના પાણીની ખૂબ જ તકલીફ પડી રહી છે. આ ઉપરાંત અહીં સિંચાઈ સુવિધા નહિં હોવાથી ખેડૂતોને ભારે નુકશાન ભોગવવું પડે છે. કેન્દ્રીય બાગાયતની 900 એકર જમીનમાં પણ અપૂરતી સિંચાઈ સુવિધાને લઈ હાલ કેટલીય જમીન વેરાન જોવા મળી રહી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી કાલોલ તાલુકાના પંદર ગ્રામ પંચાયતના સરપંચોએ ડેમની કામગીરી શરૂ કરવા માટે અભિયાન શરૂ કર્યુ છે. જેના માટે સરકાર બજેટમાં નાણાંની જોગવાઈ કરે એવી માંગણી સાથેરજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...