ક્રાઈમ:નાની ડસારમાં પુત્રેે પિતાનું ગળુ દબાવી હત્યા કરી, લોકડાઉનમાં છૂટછાટ મળ્યા બાદ ક્રાઈમ રેશિયો વધવા લાગ્યો

ગોધરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પતિ-પત્નીના ઝઘડામાં પિતાએ ઠપકો આપતાં પુત્રેે પિતાને મોતને ઘાટ ઉતારી દીધા

પંચમહાલ જીલ્લામાં પિતા અને પુત્રના સંબંધને લાંછન લગાવતો બનાવ બનવા પામ્યો છે. જીલ્લાના ગોધરા તાલુકાના નાની ડસાર ગામમાં પુત્રને ઠપકો આપતા ઉશ્કેરાયેલા પુત્રએ પિતાને જ મોત ને ઘાટ ઉતારી દીધા હતા. નાની ડસાર ગામમાં નરવતભાઈ પરમાર પોતાના પરિવાર સાથે ખેતી તેમજ છૂટક શ્રમ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. નરવતભાઈને સંતાનમાં બે પુત્રો હતા જેમાંથી નાના પુત્રનું અગાઉ અવસાન થયું હતું જયારે મોટા પુત્ર પ્રવિણ સાથે તેઓ ગામમાં જ આવેલા પોતાના કાચા મકાનમાં રહેતા હતા. પિતા નરવતભાઈ દ્વારા ૬ વર્ષ પૂર્વે પ્રવિણ ના લગ્ન શહેરા તાલુકાના મીઠાલી ગામમાં કરાવ્યા હતા. પ્રવિણને સંતાનમાં એક છોકરો અને છોકરી છે.
પોતાના હાથની જ આંટી લગાવીને પિતાનું ગળું દબાવી દઈને મોતને ઘાટ ઉતારી દીધા
પ્રવિણ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે આવેલ ખાનગી કંપનીમાં છેલ્લા એક વર્ષથી રોજગારી અર્થે ગયો હતો. હાલ કોરોનાની મહામારીને લઈને થયેલા લોકડાઉનને લઈને પ્રવિણ ૧૫ દિવસ પહેલા નંદુરબારથી પોતાના વતન નાની ડસાર ગામમાં પરત આવ્યો હતો, અન્ય રાજ્યમાંથી પ્રવિણ પોતાના વતનમાં આવેલો હોઈ આરોગ્ય વિભાગ દ્વારા તેને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યો હતો. જેનો  કવોરન્ટાઈન પીરીયડ ગત ૨૨-૦૫-૨૦૨૦ ના રોજ પૂર્ણ થયેલ હતો, દરમિયાન સોમવારે પ્રવિણ અને તેની પત્ની રીટા સાથે ઘરની આંતરિક બાબતોને લઈને ઝઘડો થયો હતો, ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતા પ્રવિણે તેની પત્નીને માર માર્યો હતો. જેથી તેની પત્ની તેઓના ખેતર તરફ ભાગી હતી, પુત્ર અને પુત્રવધુ વચ્ચે થયેલા ઝઘડાને લઈને પિતા નરવતભાઈને લાગી આવ્યું હતું અને તેમણે તેમના પુત્ર પ્રવિણને ઠપકો આપ્યો હતો . પિતા દ્વારા ઠપકો આપવામાં આવતા ઉશ્કેરાયેલા પુત્રએ પિતા સાથે પણ મારામારી કરી પોતાના હાથની જ આંટી લગાવીને પિતાનું ગળું દબાવી દઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
પરીક્ષણ પૂર્ણ થયા બાદ આરોપી પ્રવિણને કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે
હાથની આંટી લગાવી ગળું દબાવી દેતા પિતા નરવતભાઈ જમીન પર ઢળી પડ્યા હતા.  પિતા પુત્ર વચ્ચે થયેલ બનાવ બાદ પિતા નરવતભાઈ જમીન પર ઢળી પડતા પ્રવિણની માતા હરખા બેન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી , ઘટનાની જાણ થતા જ કાંકણપુર પોલીસ તાત્કાલિક પહોંચીને મૃતદેહને પીએમ માટે રેફરલ કાંકણપુર ખાતે મોકલી આપ્યો હતો . પોલીસ દ્વારા પ્રવિણ સામે  હત્યાનો ગુન્હો નોધી  હત્યારા પુત્રની અટકાયત કરી હાલ કોવીડ ૧૯ની ગાઈડલાઈન મુજબ તેનું કોરોનાનું પરીક્ષણ કરવા માટે ગોધરા સિવિલમાં ખસેડ્યો હતો. કોરોના પરીક્ષણ પૂર્ણ થયા બાદ આરોપી પ્રવિણને કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે. લોકડાઉન દરમિયાન ક્રાઈમ રેસીયો ઘટવા પામ્યો હતો પરંતુ હાલ લોકડાઉનમાં છૂટછાટ મળ્યા બાદ ક્રાઈમ રેશિયો હવે વધવા લાગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...