અભિયાન:3 વર્ષના બાળકને દુર્લભ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી, એક ઇન્જેક્શનના રૂપિયા 16 કરોડ

ગોધરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરા તથા ખાનપુરના યુવાનો દ્વારા ધૈર્યરાજ માટે ડોનેશન એકત્ર કરવા ચેરિટી બોક્સ મૂકાયા છે. - Divya Bhaskar
ગોધરા તથા ખાનપુરના યુવાનો દ્વારા ધૈર્યરાજ માટે ડોનેશન એકત્ર કરવા ચેરિટી બોક્સ મૂકાયા છે.
  • ગોધરાના યુવાનોના એક ગ્રૂપ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું
  • પાદરાના બે યુવકો અંદાજે રૂ. 6000 જેટલી રકમ ઈલાજ માટે આપશે

મહીસાગરના કાસીગાર ગામનો 3 મહિનાનો ધૈર્ય અત્યંત્ય દુર્ભલ કહી શકાય તેવી સ્પાઇનલ મસ્ક્યુલર અેટ્રોફીથી પીડાતો હોવાનું નિદાન થયું છે. આ રોગથી પીડાતી વ્યક્તિ પોતાની ઇચ્છા મુજબ સ્નાયુઅોનું હલન ચલન કરી શકતી નથી. ધૈર્યની સારવાર માટે રૂ.16 કરોડનું અેક ઇન્જેક્શન આપવું પડશે તેમ તબીબે તેના પિતાને કહેતાં તેઅો ચોંકી ગયા હતા. જોકે તેમણે સ્થાનિકોની સહાય લીધી છે. તેમજ ગોધરાના યુવાનોના અેક ગ્રૂપ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ બીમારીમાં ખર્ચ રૂ.22.5 કરોડનો થશે. તેથી યુવાનોએ ઇમ્પેક્ટ ગુરુ નામના અેનજીઅોમાં ખાતું ખોલાવીને ધૈર્યની સારવાર માટે દાન ઉઘરાવવાની શરૂઆત કરી છે.

યુવાનોએ વિવિધ સ્થળોએ ચેરિટી બોક્સ મૂક્યાં છે. ધૈર્યરાજસિંહ રાઠોડ જન્મથી સ્વસ્થ હતો, પરંતુ 1.5 મહિના બાદ તેના હાથ-પગ હલાવવાનું ઓછું થઈ ગયું હતું. ખાનગી તબીબ પાસે સારવાર કરતાં રિપોર્ટ કરાવ્યા બાદ ખબર પડી કે ધૈર્યરાજસિંહને એસઅેમઅે-1 ટાઇપની જિનેટિક ડિસઓર્ડર બીમારી છે, જેનો ભારતમાં કોઈ ઈલાજ નથી. તેના પિતા દ્વારા તપાસ કરતાં ખબર પડી કે, આ બીમારીનો અમેરિકામાં ઈલાજ છે, જેનો ખર્ચો અંદાજે 22.5 કરોડ છે. જોકે પરિવાર મધ્યમ વર્ગનો હોવાથી આ રકમની વ્યવસ્થા કરવી ખૂબ મુશ્કેલ છે.

જેથી મુંબઈ સ્થિત એક એનજીઓની મદદથી સારવાર માટે ડોનેશન લેવાનું શરૂ કર્યું હતું. પાદરાના ઝંડાબજારમાં નાસ્તા હાઉસ દુકાન ચલાવતા 26 વર્ષીય ધવલ રાણા અને મયુર રાજ નામના યુવકો રૂા.6000 જેટલી રકમ ધૈર્યરાજસિંહ રાઠોડના ઈલાજ માટે આપશે. તેઅો અન્યોને જોડવાના પ્રયાસ કરી રહ્યા છે. નામાંકિત કલાકારો પણ 3 માસના બાળકને બચાવી લેવા પરિવારને સહાય આપવા અપીલ કરી રહ્યા છે.

સ્નાયુઓને મગજના સિગ્નલ નથી મળતા
સામાન્ય રીતે કોઇ વ્યક્તિને કોઇ સ્નાયુઅોનું હલનચલન કરવાનું હોય તો મગજ સિગ્નલ સ્નાયુઅોને મોકલે છે. જોકે આ રોગમાં દર્દીના સ્નાયુઅોને સિગ્નલ મળતા નથી. કારણ કે, સિગ્નલ મોકલવા માટે સ્નાયુઅોમાં મોટર ન્યૂરોન નામનું પ્રોટીન હોતું નથી. તેથી દર્દીને શ્વાસ લેવામાં, ચૂસવામાં અને ગળવામાં પણ તકલીફ પડે છે. જોકે આ રોગના દર્દીનો ભાવનાત્મક અને માનસિક વિકાસ સામાન્ય થાય છે.

અન્ય સમાચારો પણ છે...