તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં ત્રીજી લહેરમાં પણ ઓક્સિજન મળી રહેશે

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજી લહેરમાં 4 લાખ લિ.થી વધુ ઓક્સિજનનો જથ્થો મળ્યો
  • હોસ્પિટલોમાં પિક સમયે ઓક્સિજન વપરાશ પ્રથમ લહેરની તુલનાએ 20 ગણો વધ્યો, તંત્રની તૈયારીથી તંગી ના સર્જાઇ

અત્યંત ઘાતક નીવડેલા કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન સંક્રમણથી વધુ પ્રભાવિત થનારા દર્દીઓમાં ઓક્સિજન વપરાશનું પ્રમાણ પણ અનેકગણું વધી જવા પામ્યું હતું. પંચમહાલ જિલ્લામાં પણ પીક સમયે ઓક્સિજનનો વપરાશ પ્રથમ લહેરના 700 લિ.ની સામે વધીને અંદાજિત 14 હજાર લિટર થવા પામ્યો હતો. જો કે જિલ્લા તંત્રના સુચારૂ આયોજન અને સક્રિયતાએ વપરાશમાં 20 ગણો વધારો થવા છતા ઓક્સિજન સપ્લાઈ નિરંતર જળવાઈ રહે તે સુનિશ્ચિત કર્યું હતું.

કોરોનાની દ્વિતીય લહેર દરમિયાન તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકો માટે કુલ 4,00,000 લિટર કરતા પણ વધુ ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. હાલમાં કોરોનાના કેસો ઘટતા ઓક્સિજનનો વપરાશ ઘટીને દૈનિક 1 થી 1.5 ટન થયો છે. પરંતુ દ્વિતીય લહેર સમયે ઓક્સિજન વપરાશને ધ્યાનમાં રાખીને 32,000 લિટર ઓક્સિજનની સંગ્રહ ક્ષમતા ઉભી કરી હતી. પ્રથમ લહેર સમયે ઓક્સિજન વપરાશની દૈનિક સરેરાશ 400 લિટર ઓક્સિજન (40 જમ્બો સિલિન્ડર)ની રહેતી હતી.

જે પીક સમયે 700 લિટર પર પહોંચી હતી. જો કે દ્વિતીય લહેરમાં કેસો ઝડપથી વધતા નર્સિંગ સ્કૂલ અને તાજપુરા કોવિડ હોસ્પિટલ ખાતે ઓક્સિજનની સુવિધા ધરાવતા કુલ 195 બેડ ઉમેર્યા હતા. દ્વિતીય લહેર દરમિયાન ઓક્સિજનનો વપરાશ અનેકગણો વધી જતા સિવિલ હોસ્પિટલ ખાતે 1.5 અને 1 કિલોલીટરની બે પોર્ટા ક્રાયો (પોર્ટેબલ ક્રાયોજેનિક વેસલ), નર્સિંગ સ્કૂલ, ગોધરા ખાતે 1 કિલોલીટરની 3 પોર્ટાક્રાયો, તાજપુરા ખાતે 1 કિલોલીટરની 01 અને 200 લિટર ક્ષમતાની એક એ કુલ 10 ડ્યુરા ટેન્કમાં ઓક્સિજનનો જથ્થો જાળવી આ હોસ્પિટલ્સને પૂરો પાડતો હતો.

જરૂર પડ્યે અંદાજિત 40,000 લિટર ઓક્સિજન પૂરો પાડી શકાય તે પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા ઉભી કરી હતી.ઓક્સિજનની બજાર કિંમત પ્રમાણે જોઈએ તો તંત્ર દ્વારા તે સમયગાળા દરમિયાન પ્રતિ દિન અંદાજે 3 લાખથી વધુની કિંમતનો ઓક્સિજન પૂરો પાડ્યો હતો. ઓક્સિજનની વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે કલેક્ટરે અધિકારીઓને ફરજ પર મૂક્યા હતા.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે તંત્ર દ્વારા અોક્સિજનની તૈયારી
મોરવા સહિતના અંતરિયાળ વિસ્તારોમાં આવેલ સીએચસી, પીએચસી પર બહારથી લવાતા ઓક્સિજન પરની નિર્ભરતા ઓછી કરવા પીએસએ પ્લાન્ટ્સ કાર્યરત કરી રહ્યા છે. 09 પીએસએ પ્લાન્ટ્સનું આયોજન છે, જે પૈકી તાજપુરા અને ગોઠડા ખાતે 02 પીએસએ પ્લાન્ટ્સ કાર્યરત થયા છે. જ્યારે ઘોઘંબામાં 02, જાંબુઘોડામાં 01, ગોધરા નર્સિંગમાં 02, કાલોલમાં 01, શહેરામાં 01, મોરવા (હ)માં 01 ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાશે.

અન્ય સમાચારો પણ છે...