તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:પ્રથમ દિવસે પંચમહાલમાં 1856 યુવાઓએ પહેલો ડોઝ લીધો

ગોધરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં રસી મૂકાવા માટે લાઈનો લાગી - Divya Bhaskar
ગોધરામાં રસી મૂકાવા માટે લાઈનો લાગી
  • 18+ વયજૂથના વેક્સિનેશનમાં 2 PHC દીઠ ક્લાસ-1, 2 અધિકારીઓને ફરજ સોંપાઈ : રવિવારે પણ રસીકરણની કામગીરી ચાલશે

પંચમહાલ જિલ્લામાં શુક્રવારથી 18થી 44 વર્ષની વયના લોકોને કોરોના વેક્સિનેશન વિનામૂલ્યે આપવાની કામગીરી યુદ્ધના ઘોરણે શરૂ કરવામાં આવી છે . જિલ્લાના 1856થી વધુ યુવા નાગરિકોએ ઉત્સાહપૂર્વક આ રસીકરણ અભિયાનનો પ્રથમ દિવસે લાભ મેળવ્યો હતો.

18થી 44 વય જૂથ માટે જિલ્લામાં ઘોઘંબામાં 5, ગોધરામાં 7, હાલોલમાં 4, જાંબુઘોડામાં 2, કાલોલમાં 3, મોરવા હડફમાં 2 અને શહેરામાં 2 મળી કુલ 25 સેશન સાઈટ પર રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઈન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી બી.કે. પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં આ વયજૂથમાં આવતા કુલ 8.61 લાખ યુવા નાગરિકોને રસીકરણથી આવરી લેવાની શરૂઆત કરવામાં આવી છે. 18થી 44ની વય જૂથના યુવાનો જેમણે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવેલું હશે, તેમને SMS દ્વારા તેમના વેક્સિનેશન માટેનું સ્થળ, સમય અને સ્લોટની જાણ કરવામાં આવશે. તે અનુસાર તેમણે નિયત કરવામાં આવેલા કેન્દ્રો પર જવાનું રહેશે. ત્યાં તેમને વિનામૂલ્યે વેક્સિન અપાશે. દરેક કેન્દ્ર પર 200 લોકોનું રસીકરણ થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

તમામ સેન્ટરો પર રવિવારના દિવસે પણ રસીકરણની કામગીરી ચાલુ રહેશે. પ્રથમ દિવસે ઘોઘંબામાં 135, ગોધરામાં 568, હાલોલમાં 361, કાલોલમાં 393, મોરવા હડફમાં 211, શહેરા અને જાંબુઘોડામાં 94-94 યુવાનોએ રસીકરણનો લાભ લીધો હતો. આ ઉપરાંત, શુક્રવારે 45 વર્ષથી વધુ વયના કુલ 529 લોકોને રસી આપવામાં આવી હતી.

રજિસ્ટ્રેશન માટે વીસીઈ મદદ કરશે
રસીકરણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને સ્લોટ મેળવવો ફરજિયાત છે ત્યારે ગ્રામીણમાં મૂંઝવણ અનુભવતા નાગરિકો કે સ્માર્ટફોન/ઈન્ટનેટ ન ધરાવતા નાગરિકોને વીસીઈ મદદરૂપ બનશે. ગ્રામ્યના વીસીઈ, ટીએલઈ અને ડીએલઈને આ માટે તાલીમ અાપી છે. હેલ્પ ડેસ્કની સુવિધા ઉભી કરાઇ રહી છે, જેથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ સ્લોટ મેળવવામાં તકલીફ ન પડે. વેક્સિનેશનને અસરકારક બનાવવા માટે પ્રતિ 2 પીએચસી ક્લાસ-01 અને 02 કક્ષાના અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.

અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડા દ્વારા 18 ઉપરાંત વયના180 લોકોને કોરોના વિરોધી રસી અપાઇ
મહીસાગર જિલ્લામાં કોરોના સામે બાથ ભીડવા 18થી 44 વર્ષની વયના યુવાનોને રસી આપવાની ઝુંબેશ 4થી જૂનથી શરૂ કરી છે. જેમાં બાલાશિનોર તાલુકામાં 3 સ્થળો, લુણાવાડા તાલુકામાં 3 સ્થળો, સંતરામપુર તાલુકામાં 3 સ્થળો, કડાણા તાલુકામાં 2 સ્થળો, ખાનપુર તાલુકામાં 2 સ્થળો અને વિરપુર તાલુકામાં 2 સ્થળોએ આ કોવિડ-19 રસીકરણ ઝુંબેશને વેગવાન બનાવી છે. અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડા દ્વારા 18 થી 44 વર્ષની વયના 200 જેટલા નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવેલ તેમાથી 180 લાભાર્થીઓને કોરોના વેક્સિન આપી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. લાભાર્થીઓને એસ.કે. હાઇસ્કૂલ ખાતેના વેક્સિનેશન કેમ્પમાં કોવિશીલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...